Delhi: શિવલિંગ પર રાજકીય વિવાદ, AAP-ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો જંગ

G20 સમિટને લઈને દિલ્હીમાં ચાલી રહેલા સૌંદર્યીકરણની ક્રેડિટ વોર બાદ હવે આમ આદમી પાર્ટી અને ભાજવ વચ્ચે નવો જંગ શરૂ થઈ ગયો છે. હકીકતમાં દિલ્હીના સૌંદર્યીકરણ માટે રસ્તાઓ પર શિવલિંગના શેપમાં કેટલાક ફુવારા લગાવવામાં આવ્યા છે. હવે તેના પર આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. 

Delhi: શિવલિંગ પર રાજકીય વિવાદ, AAP-ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો જંગ

નવી દિલ્હીઃ દિલ્લીમાં યોજાનારી જી20 સમિટ માટે તડામાર  તૈયારીઓ કરાઈ છે, ત્યારે આ તૈયારીઓને કારણે વિવાદ સર્જાયો છે. શિવલિંગના આકારના ફૂવારા લગાવવામાં આવતા વાત હવે ધર્મના અપમાન સુધી આવી ગઈ છે. નવાઈની વાત એ છે કે આ માટે કેન્દ્ર સરકાર અને દિલ્લી સરકાર એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આ દ્રશ્યો કોઈ મંદિર પરિસરના નથી, પણ દિલ્લી શહેરની જાહેર જગ્યાઓના છે, જ્યાં અત્યારે જી20 સમિટ માટે બ્યુટિફિકેશનનું કામ ગતિમાં છે...જાહેર જગ્યાઓની કાયાપલટ થઈ રહી છે.

જો કે આ કામગીરીને કારણે વિવાદ સર્જાયો છે. દિલ્લીના જાહેર રસ્તા પર લગાવવામાં આવેલા ફુવારાનો આકાર બિલકુલ શિવલિંગ જેવો છે. જેને જોતાં સોશિયલ મીડિયામાં લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે. આ વિવાદ ધાર્મિક લાગણીઓ સાથે પણ જોડાઈ ગયો છે.

આ મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. ભાજપે આમ આદમી પાર્ટી પર શિવલિંગનો ઉપયોગ સજાવટ માટે કરવાનો આક્ષેપ કર્યો છે, તો આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્લીમાં બ્યુટિફિકેશનનું કામ કેન્દ્ર સરકાર સંભાળી રહી છે. આમ આદમી પાર્ટીએ માગ કરી છે કે ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે ભાજપ લોકોની માફી માગે. 

આમ આદમી પાર્ટીએ આ મામલે દિલ્લીના ઉપરાજ્યપાલ પર પણ નિશાન સાધ્યું છે. કેમ કે તેમણે 27 ઓગસ્ટે દિલ્લીની જે જગ્યાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, તેમાં શિવલિંગના આકારના ફુવારાનો પણ સમાવેશ થાય છે. આ તસવીરોને તમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કરી હતી. આ જ તસવીરોના આધારે આપ ઉપરાજ્યપાલ સમક્ષ પણ માફીની માગ કરી રહ્યું છે.

દિલ્લીમાં બ્યુટિફિકેશનની કામગીરીના ખર્ચના ફંડના મુદ્દે પણ ભાજપ અને આપ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે આ માટેનું ફંડ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યું છે, તો બીજી તરફ આપનું કહેવું છે કે દિલ્લી સરકારે કરેલા વિકાસકાર્યોને ભાજપ પોતાના ગણાવી રહી છે. એવામાં આ વિવાદમાં હવે શિવલિંગના વિવાદનો ઉમેરો થયો છે. ત્યારે જોવું એ રહેશે કે આ મામલો આગળ જતાં કેવું સ્વરૂપ ધારણ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news