શરદ પવારે EVM પર શંકા વ્યક્ત કરી તો ભત્રીજાએ જ કહ્યું-'જીતો તો EVM બરાબર...'
Trending Photos
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતના આટલા દિવસો બાદ હવે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે ઈવીએમને લઈને ફરી પાછી શંકા વ્યક્ત કરી છે અને કહ્યું કે વિશેષજ્ઞો અને ટેક્નોલોજીના જાણકારોની હાજરીમાં દિલ્હીમાં વિરોધી પક્ષો આ મુદ્દે ચર્ચા કરશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના 20 વર્ષ પૂરા થયાના અવસરે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધતા પવારે કહ્યું કે એ જાણવાની જરૂર છે કે એક મતદાર દ્વારા પોતાની પસંદગીના પાર્ટી ઉમેદવારના નામની આગળ બટન દબાવ્યા બાદ હકીકતમાં શું આવે છે અને વીવીપેટમાં શું દેખાય છે.
જો કે તેમના ભત્રીજા અજીત પવારનું આ મુદ્દે વલણ અલગ હતું અને તેમણે ઈવીએમની ટીકા પર સવાલ ઉઠાવ્યાં. અજીતે એનસીપી કાર્યકરોને લોકસભા ચૂંટણીના પરિણામો પાછળ સમય ન બગાડવા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે વધુ સીટો જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું. પવારે કાર્યકરોને કહ્યું કે ચૂંટણી પરિણામો બાદ તેમણે અનેક વિશેષજ્ઞો સાથે વાત કરી છે. મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને કુલ 48માંથી 41 બેઠકો મળી જ્યારે એનસીપીને ફાળે ફક્ત ચાર બેઠકો આવી હતી.
એનસીપીના પ્રમુખે કહ્યું કે "લાગે છે કે પસંદગીના ઉમેદવારના નામની આગળ વોટરના બટન દબાવવા સુધીની ચૂંટણી પ્રક્રિયાને લઈને કશું ખોટું નહતું અને વીવીપેટ મશીનમાં પણ તે જોવા મળ્યું." પવારે કહ્યું કે "મતદાન કેન્દ્રમાં ત્યાં એક અધિકારી બેઠા હોય છે જેની સામે એક મશીન હોય છે. જ્યારે તમે ઈવીએમ પર બટન દબાવો છો ત્યારે વીવીપેટ નજરે ચઢે છે અને ત્યાંથી તે ત્યાં (અધિકારીની સામેના મશીન પાસે) ટ્રાન્સફર થઈ જાય છે. "
તેમણે કહ્યું કે "વોટ મશીનોના ગણાય છે. તમને શું ખબર કે ત્યાં (અધિકારીની સામે) મશીનમાં શું ટ્રાન્સફર થાય છે? સમસ્યા તે જ છે. તે જાણવાની જરૂર છે કે તે તબક્કામાં શું થાય છે." તેમણે કહ્યું કે "લોકતાંત્રિક વ્યવસ્થામાં ઈવીએમ અંગે લોકોના મનમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં." તેમણે કહ્યું કે "લોકોને એમ ન લાગવું જોઈએ કે જે પાર્ટીને તેમણે મત આપ્યો તે બીજાના આંકડામાં જોવા મળી રહ્યો છે."
પવારે કહ્યું કે "લોકો ભલે અત્યારે ચૂપ છે, પરંતુ તેઓ કાયદો હાથમાં લઈ શકે છે. તેમ થવું જોઈએ નહીં. આપણે લોકશાહીને બચવવી પડશે." એનસીપી નેતા ધનંજય મુંડેએ લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતને પાર્ટી દ્વારા ઈવીએમમાં છેડછાડની જીત ગણાવી. અજીતે પાર્ટી કાર્યકર્તાઓને ભવિષ્યની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું.
અજીત પવારે પૂછ્યું કે "ત્રણ મહિના પહેલા કોંગ્રેસને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જીત મળી જ્યારે તેલંગણામાં ટીઆરએસએ સરકાર બનાવી. તેલંગણામાં મુખ્યમંત્રી (કે ચંદ્રશેખર રાવ)ના પુત્રી લોકસભા ચૂંટણી હારી ગયાં. આવું કઈ રીતે શક્ય બને કે જ્યારે તમે જીતો તો ઈવીએમ બરાબર અને હારો તો તેના માથે દોષનો ટોપલો ઢોળો. તેમણે કહ્યું કે આ અલગ મુદ્દો હોઈ શકે છે."
પરંતુ જ્યાં સુધી ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે તો મારી તમને બધાને (કાર્યકરો) અપીલ છે કે આપણે વિધાનસભા ચૂંટણી જીતવા માટે આપણી કોશિશોને ઓછી કરવી જોઈએ નહીં. અજીતે કહ્યું કે લોકોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટવાનું મન બનાવી લીધુ હતું અને તે મુજબ જ પોતાના સાંસદની પસંદગી કરી.
તેમણે એનસીપીના કોંગ્રેસમાં વિલયની સંભાવના સંબંધિત અહેવાલોને બકવાસ ગણાવતા કહ્યું કે પાર્ટી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ યથાવત રાખશે. જો કે પવારે આરોપ લગાવ્યો કે ભાજપે રાષ્ટ્રવાદની ભાવનાઓને આગળ ધરીને સત્તા જાળવી જ્યારે વિરોધ પક્ષોએ લોકો સંબંધિત મુદ્દાઓને ઉઠાવ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે