રોબર્ટ વાડ્રા, પ્રિયંકા ગાંધીની સાથે પહોંચ્યા ED ઓફિસ, પુછપરછ ચાલુ

કથિત રીતે ગૈરકાયદેસર પદ્ધતિથી વિદેશોમાં સંપત્તિ ધરાવવા સંબંધિત છે, માહિતી મુજબ લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્ક્વેર ખાતે 19 લાખ પાઉન્ડની સંપત્તીની ખરીદીમાં કથિત મની લોન્ડરિંગ સંબંધિત તપાસના કેસમાં આ પુછપરછ કરવામાં આવી રહી છે 

રોબર્ટ વાડ્રા, પ્રિયંકા ગાંધીની સાથે પહોંચ્યા ED ઓફિસ, પુછપરછ ચાલુ

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા સોનિયા ગાંધીના જમાઈ અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા વાડ્રાના પતિ રોબર વાડ્રા આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસમાં હાજર થવા પહોંચ્યા હતા. બપોરે લગભગ પોણા ચાર કલાકે રોબર્ટ વાડ્રા ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. તેમનાં પત્ની પ્રિયંકા ગાંધી તેમને અહીં ડ્રોપ કરીને જતા રહ્યા હતા. આ દરમિયાન બહાર મીડિયાની ટીમ એકઠી થઈ ગઈ હતી. કથિત રીતે ગૈરકાયદેસર પદ્ધતિથી વિદેશોમાં સંપત્તિ ધરાવવા સંબંધિત છે, માહિતી મુજબ લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્ક્વેર ખાતે 19 લાખ પાઉન્ડની સંપત્તીની ખરીદીમાં કથિત મની લોન્ડરિંગ સંબંધિત તપાસના કેસમાં આ પુછપરછ કરવામાં આવી રહી છે.

જામીન માટે વાડ્રાએ ખટખટાવ્યો હતો કોર્ટનો દરવાજો
વાડ્રાએ આગોતરા જામીન માટે દિલ્હીની કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટે તેમને આદેશ આપ્યો હતો કે, તે કેન્દ્રીય તપાસ એજન્સીને મદદ કરે. દિલ્હીની એક કોર્ટે વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે તેમને આદેશ આપ્યો હતો કે, તેઓ 6 ફેબ્રુઆરીના રોજ જાતે હાજર રહીને તપાસમાં સહયોગ આપે. કોર્ટે રૂ.1 લાખના બોન્ડ અને એટલી જ રકમના અંગીત જામીનની શરતે વાડ્રાના જામીન મંજૂર કર્યા હતા. 

આજે જ લંડનથી આવ્યા પરત
વાડ્રાના વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ 6 ફેબ્રુઆરીના રોજ લંડનથી દિલ્હી આવી ગયા છે અને તપાસમાં સામેલ થશે. વકીલના આશ્વાસન પર સંજ્ઞાન લેતા ન્યાયાધિશ અરવિંદ કુમારે 6 ફેબ્રુઆરીના રોજ વિદેશથી પાછા આવ્યા બાદ વાડ્રાને ઈડી સામે હાજર થવા અને તપાસમાં સહયોગ આપવાના આદેશ આપ્યા હતા. 

પેટ્રોલિયમ સોદા સાથે સંકળાયેલો કેસ છે
સુનાવણી દરમિયાન ઈડી તરફથી કોર્ટમાં હાજર રહેલા વિશેષ લોક અભિયોજક ડી.પી. સિંહ અને વકીલ નિતેશ રાણાએ વાડ્રાના આગોતરા જામીનની અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે 2009માં તેમણે એક પેટ્રોલિયમ સોદામાં લાંચ લીધી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું કે, લંડનમાં વાડ્રાએ નવી સંપત્તી ખરીદી હોવાની પણ માહિતી તેમને પ્રાપ્ત થઈ છે. જેમાં બે ઘર, છ અન્ય ફ્લેટ અને અન્ય સંપત્તીનો સમાવેશ થાય છે. બંને ઘરની કિંમત રૂ.50 લાખ અને રૂ.40 લાખ છે. 

આ અગાઉ રોબર્ટ વાડ્રાએ રાજસ્થાનના બીકાનેરમાં એક જમીનના સોદા અંગે ઈડી દ્વારા સમન્સ પાઠવાયા બાદ કેન્દ્ર સરકાર પર રાજકીય રીતે પાછળ પડવાનો અને સરકારી વિભાગો દ્વારા તેમની પ્રતિષ્ઠાને નુકસાન કરવાના એજન્ડા પર કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

ભાજપે પણ કર્યા પ્રહાર
આ અગાઉ ભાજપે બુધવારે પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાને મની લોન્ડરિંગ કેસમાં ઈડીના સમન્સ અંગે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી ભ્રષ્ટ લોકોની ગેંગ અને નરેન્દ્ર મોદીની પારદર્શક સરકાર વચ્ચેની છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે, વાડ્રાને યુપીએ સરકારના કાર્યકાળમાં 2008-09માં પેટ્રોલિયમ અને સંરક્ષણ સોદામાં ફાયદો થયો હતો. આ નાણાનો ઉપયોગ તેમણે લંડનમાં કોરોડની સંપત્તીની ખરીદવા માટે કર્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news