Road Accident: મધ્યપ્રદેશના રીવામાં બસ અને ટ્રોલી અથડાતા 15 લોકોના મોત, 40થી વધુ ઘાયલ

ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી. મળતી માહિતી મુજબ જે બસને અકસ્માત નડ્યો તે બસમાં મોટાભાગે મજૂરો હતા જે દિવાળી મનાવવા પોતાના ઘરે જઈ રહ્યા હતા.

Road Accident: મધ્યપ્રદેશના રીવામાં બસ અને ટ્રોલી અથડાતા 15 લોકોના મોત, 40થી વધુ ઘાયલ

નવી દિલ્લીઃ એક તરફ દિવાળીના તહેવારોની ઉજવણી થઈ રહી છે. ત્યારે દરેક લોકો પોતાના સગા-સંબંધીઓના ત્યાં અથવા પોતાના વતનમાં પોતાના ગામમાં તહેવારની ઉજવણી માટે જઈ રહ્યાં હોય છે. એવા સમયે મધ્યપ્રદેશના રીવામાં કેટલાંક લોકો માટે આ તહેવારો મોતનું માતમ લઈને આવ્યાં. મધ્યપ્રદેશના રીવામાં આજે સવારે જ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. એક વિશાળ ટ્રોલી અને બસ વચ્ચે અકસ્માત થતાં 15 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં છે. જ્યારે આ ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયાં છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુંકે, ઓછી લાઈટ અને હાઈસ્પીડના કારણે ડ્રાઈવર સંતુલન જાણવી શક્યો નહીં જેને કારણે આ અકસ્માત થયો હતો.

શુક્રવારે રાત્રે 11 વાગ્યે સોહાગી ટેકરી પર આ અકસ્માત થયો હતો. ઉત્તર પ્રદેશ પાસિંગની આ બસ મધ્યપ્રદેશના જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ જઈ રહી હતી. ટેકરીના ઢળાવ પરથી ઉતરતી વખતે બસ અકસ્માતનો ભોગ બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે અકસ્માત થયો ત્યારે બસની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. આ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. જ્યારે મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

સ્થાનિક લોકો પાસેથી અકસ્માતની માહિતી મળતાં જ સોહાગી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા. બસમાં મોટાભાગે મજૂરો હતા જે દિવાળી મનાવવા પોતાના ઘરે જઈ રહ્યા હતા. પ્રશાસને અત્યાર સુધી આ અકસ્માતમાં 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્ટેશન પ્રભારી ઓમકાર તિવારીએ જણાવ્યું હતું કે, 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં જ્યારે એક વ્યક્તિનું રીવા સ્થિત સંજય ગાંધી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આઠ લોકોની હાલત ખુબ જ ગંભીર હોવાનું કહેવાય છે.
 
રીવાના એસપી નવનીત ભસીને જણાવ્યુંકે, અકસ્માતમાં ઘાયલ થયેલા 20 લોકોને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બસને અકસ્માત નડ્યો તે બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. બસમાં સવાર તમામ લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે. 

મધ્યપ્રદેશના રીવામાં માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે મૃતકોના સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર મળે તેવી વિનંતી કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની સૂચના આપવામાં આવી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને ઉત્તર પ્રદેશ પહોંચાડવા વિનંતી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news