'પુલવામા હુમલો વોટ મેળવવા કરાયેલું એક કાવતરું': રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન

યાદવે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, જો કેન્દ્રમાં સરકાર બદલાશે તો હુમલા પ્રકરણની તપાસ થશે અને મોટા-મોટા લોકોના નામ બહાર આવશે  

'પુલવામા હુમલો વોટ મેળવવા કરાયેલું એક કાવતરું': રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન

ફિરોઝાબાદઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ટ નેતા રામગોપાલ યાદવે ગુરુવારે પુલવામા આતંકવાદી હુમલા અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાને વોટ મેળવવા માટેનું એક કાવતરું ગણાવ્યું છે. સીએમ યોગીએ યાદવના નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે. 

યાદવે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, જો કેન્દ્રમાં સરકાર બદલાશે તો આ હુમલા પ્રકરણની તપાસ કરવામાં આવશે અને તેમાં મોટા-મોટા લોકોના નામ બહાર આવશે. હોલી મિનલ સમારોહના પ્રસંગે યાદવે એક જાહેરસભાને સંબોધિત કરતા જણાવ્યું કે, "અર્ધસૈનિક દળો સરકારથી નારાજ છે. વોટ માટે તેમના જવાનોને મારી દેવાયા છે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે હાઈવ પર કોઈ ચેકિંગ ન હતું."

યાદવે વધુમાં જણાવ્યું કે, "CRPFના જવાનોને અત્યંત સામાન્ય બસમાં મોકલવામાં આવી રહ્યા હતા. આ બધું જ એક કાવતરાનો ભાગ હતું. હું અત્યારે તેના અંગે વધુ વાત કરવા માગતો નથી, પરંતુ જો સરકાર બદલાશે તો તેના વિશે તપાસ કરવામાં આવશે અને મોટા-મોટા લોકોના નામ બહાર આવશે."

યોગી આદિત્યનાથના પ્રહાર
આ બાજુ સપા નેતા રામગોલાપ યાદવના નિવેદન અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "રામગોપાલ યાદવનું નિવેદન હલકી રાજનીતિનું ઉદાહરણ છે. તેમણે CRPFના જવાનોની શહીદી સામે સવાલ કર્યો છે અને દેશના જવાનોનો મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પ્રજા પાસે માફી માગવી જોઈએ."

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો અને તેમાં 40 જવાન શહીદ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news