રાષ્ટ્રપતિના ભાષણ વખતે એવા તે કયા અઘરા શબ્દોનો અનુવાદ કરી રહ્યાં હતાં રાહુલ ગાંધી?
Trending Photos
નવી દિલ્હી: સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન રાહુલ ગાંધીની નજર સતત મોબાઈલ પર હોવાના મુદ્દે હવે રાજકારણ રમાઈ રહ્યું છે. ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ અને બાબુલ સુપ્રીયોએ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું. પરંતુ તેના જવાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જે તર્ક આપ્યો તે વિચિત્ર લાગે તેવો છે.
આનંદ શર્માએ કહ્યું કે કેટલાક હિન્દીના શબ્દો જટિલ હતાં જે તેમણે સ્પષ્ટ રીતે સાંભળ્યા નહતાં અને તેના જ સંદર્ભમાં તેઓ પૂછી રહ્યાં હતાં. તેઓ કપરાં શબ્દોનો અનુવાદ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. આ તર્ક વિચિત્ર એટલા માટે છે કારણ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વખતે પોતાના ભાષણમાં શક્ય તેટલું સરકારી હિન્દી શબ્દોથી બચવાની કોશિશ કરી હતી. તેમણે સામાન્ય રીતે બોલચાલમાં જે હિન્દી શબ્દો વપરાય છે તેનો જ ઉપયોગ કર્યો હતો.
ઉદાહરણ સ્વરૂપે જો સમજવું હોય તો તેમણે આધારભૂત ક્ષેત્ર, જળવાયુ પરિવર્તન, પ્રત્યક્ષ લાભ અંતરણ જેવા જટિલ સરકારી હિન્દી શબ્દોની જગ્યાએ સામાન્ય રીતે બોલચાલમાં જે ઉપયોગમાં લેવાય છે તેવા અંગ્રેજી શબ્દો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ ચેન્જ, ડાઈરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ, નેશનલ હાઈવે, વન નેશન વન કાર્ડ અને ઝીરો ટોલરન્સ જેવા અંગ્રેજી શબ્દોનો અનેકવાર ઉપયોગ કર્યો.
જુઓ LIVE TV
હકીકીતમાં આ મામલે સંસદીય પરંપરા એ છે કે રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રમાં પોતાનું અભિભાષણ હિન્દી કે અંગ્રેજીમાં વાંચે છે. ત્યારબાદ તે અભિભાષણનું હિન્દી કે અંગ્રેજી પાઠનો પહેલા અને અંતિમ પેરેગ્રાફ ઉપરાષ્ટ્રપતિ વાંચે છે. આ સંદર્ભમાં કોવિંદે પોતાના અત્યાર સુધીના બધા અભિભાષણમાં આમ જ કર્યું છે. જો કે આ અગાઉ પહેલા અભિભાષણનો જે હિન્દી પાઠ થતો હતો તેમાં સરકારી જટિલ શબ્દોની ભરમાર રહેતી હતી. પરંતુ આ વખતે એવી કોશિશ કરાઈ કે મોટાભાગે સામાન્ય બોલચાલની ભાષામાં જે શબ્દો ઉપયોગમાં લેવાતા તેની જ પસંદગી થઈ. આમ છતાં કોંગ્રેસના નેતા કહે છે કે રાહુલ ગાંધીને અઘરા શબ્દો સમજવા માટે અનુવાદ કરી રહ્યા હતાં. હવે આ એવા તે કયા હિન્દીના અઘરા શબ્દો હતાં કે જેનો રાહુલ ગાંધી અનુવાદ કરી રહ્યાં હતાં. એ તો રાહુલ ગાંધી જ જણાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે