મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે કર્યો વાંધાજનક ભાષાનો પ્રયોગ

મધ્યપ્રદેશ પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ પોતાના એ નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી હતી જેમાં તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના પુત્ર કાર્તિકેય પર પનામા પેપર્સના કેસમાં નિશાન તાક્યું હતું 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે કર્યો વાંધાજનક ભાષાનો પ્રયોગ

ઈન્દોરઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસમાં ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે મંગળવારે ખરગૌનમાં એક રેલી દરમિયાન ભાજપના ચૂંટણી નારા પર જોરદાર પ્રહાર કર્યા હતા. રાહુલે જણાવ્યું કે, પીએમ મોદી નારા લગાવતા હતા કે 'અચ્છે દિન' અને પ્રજા કહેતી હતી 'આએંગે.' ત્યાર બાદ આ નારો હવે 'સુટ-બૂટ કી સરકાર'માં તબદીલ થઈ ગયો. પછી આ નારો 'સુટ-બૂટ અને જૂઠની સરકાર' બન્યો અને હવે આગળ વધતાં આ નારો 'સુટ-બૂટ, જૂઠ ઔર લૂટ કી સરકાર' બની ગયો છે. 

ઈન્દોર અને ભોપાલનું નામ અમેરિકાના લોકો પણ લેશેઃ રાહુલ
રાહુલ ગાંધીએ રેલી પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ઈન્દોર એક પણ બાબતે મુંબઈથી કમતર નથી. જો તમે અમેરિકા જશો અને લોકોને ભારતના 4-5 શહેરોનું નામ પુછશો તો તેઓ બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી અને મુંબઈનું નામ જણાવશે, પરંતુ ઈન્દોરનું નહીં. 

જો તમે પાંચ વર્ષ બાદ અમેરિકા જશો તો ઈન્દોરનું નામ પણ એ યાદીમાં જોડાઈ જશે. રાહુલે જણાવ્યું કે, કોંગ્રેસ આ કામ કરીને બતાવશે. ભોપાલ માટે પણ કોંગ્રેસ આવા જ પ્રયાસ કરશે. 

મેં કન્ફ્યુઝનમાં લીધું શિવરાજના પુત્રનું નામઃ રાહુલ ગાંધી 
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ પોતાના એ નિવેદન અંગે સ્પષ્ટતા પણ આપી હતી, જેમાં તેમણે શિવરાજ સિંહ અને તેમના પુત્ર કાર્તિકેય પર પનામા પેપર્સ અંગે નિશાન સાધ્યું હતું. એક જાહેર સભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'ભાજપમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે હું કન્ફ્યુઝ થઈ ગયો હતો. મધ્યપ્રદેશના સીએમે પનામા નહીં પરંતુ તેમણે તો વ્યાપમં અને ઈ-ટેન્ડરિંગ ગોટાળો કર્યો છે.'

રાહુલ ગાંધી પર માનહાની
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાહુલ ગાંધીના આ નિવેદન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ અને તેમનો પુત્ર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે તો રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે. 

મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટ્વીટ કરીને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની વાત જણાવી હતી. તેની સાથે જ તેમના પુત્ર કાર્તિકેયે પણ રાહુલ ગાંધીને બે દિવસના અંદર પોતાના શબ્દો પાછા ખેંચવા જણાવ્યું છે. 

રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન
રાહુલ ગાંધીએ ઈન્દોરમાં પોતાના ચૂંટણી પ્રવાસ દરમિયાન પનામા પેપર અને વ્યાપમં ગોટાળાની વાત કરતા જણાવ્યું હતું કે, 'કેટલાક શ્રીમંતોનું કાળું નાણું સફેદ કરવા માટે જ 2016માં નોટબંધી લાવવામાં આવી હતી. એક મુખ્યમંત્રી 'મામાજી'ના પુત્રનું નામ પણ પનામા પેપર્સમાં આવ્યું હતું, પરંતુ તેમની સામે આજ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફનું નામ નિકળે છે તો પાકિસ્તાન જેવો દેશ તેમને જેલમાં નાખી દેછે, પરંતુ અહીં મુખ્યમંત્રીના પુત્રનું નામ પનામા પેપર્સમાં આવ્યું તો કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.'

પનામા પેપર્સમાં સંડોવણી પાયાવિહોણો આરોપઃ શિવરાજ સિંહ ચૌહાણ
રાહુલ ગાંધીના ઉપરોક્ત નિવેદન અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, "રાહુલ ગાંધીએ જાહેરસભામાં મારા ઉપર પનામા પેપર્સમાં સંડોવાયેલા હોવાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. હું તેમના આ નિવેદનથી વ્યથિત છું. તેમનાથી ઉંમરમાં ઘણો નાનો છું, પરંતુ આવી બેજવાબદારીપૂર્ણ વાત કરીને તેમણે મારા અને મારા પરિવારની છબી ખંડિત કરી છે. તેમનો આ પ્રયાસ સમજી વિચારીને કરાયેલું ષડયંત્ર છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, મારા પુત્ર કાર્તિકેયનું નામ પનામા પેપર્સમાં આવ્યું છે. આમ કહીને તેમણે તમામ મર્યાદા ઓળંગી દીધી છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news