રાષ્ટ્રપતિ દ્વારા સંજીવ ખન્ના અને દિનેશ માહેશ્વરીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે નિમણૂક

સર્વોચ્ચ અદાલતના પાંચ સભ્યોના કોલેજિયમે 11 જાન્યુઆરીના હાઈકોર્ટના આ બંને ન્યાયાધિશને બઢતી આપવાની ભલામણ કરી હતી.  

રાષ્ટ્રપતિ દ્વારા સંજીવ ખન્ના અને દિનેશ માહેશ્વરીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે નિમણૂક

નવી દિલ્હીઃ કાયદા અને ન્યાય મંત્રાલયના એક જાહેરનામા અનુસાર, સરકાર દ્વારા કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દિનેશ માહેશ્વર અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધિશ સંજીવ ખન્નાની બુધવારે બઢતી કરીને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા હસ્તાક્ષર કરાયા બાદ આ વટહૂકમ બહાર પાડવામાં આવ્યો છે. તેમના નામની ભલામણ સુપ્રીમ કોર્ટના ટોચના પાંચ ન્યાયાધિશ તરફથી કરવામાં આવી હતી. જોકે, આ ભલામણ અંગે અનેક લોકોએ સવાલ ઊભા કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતના પાંચ સભ્યોના કોલેજિયમે 11 જાન્યુઆરીના હાઈકોર્ટના આ બંને ન્યાયાધિશને બઢતી આપવાની ભલામણ કરી હતી.  

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધિશ જસ્ટિસ કૈલાશ ગંભીરે હાઈકોર્ટના બે ન્યાયાધિશને બઢતી આપીને સુપ્રીમમાં મોકલવાની ભલામણનો વિરોધ કર્યો હતો. કોલેજિયમના નિર્ણયનો વિરોધ કરતા તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર પણ લખ્યો હતો. 

— ANI (@ANI) January 16, 2019

જસ્ટિસ (નિવૃત્ત) ગંભીરે પત્રમાં જણાવ્યું હતું કે, 32 સિનિયર ન્યાયાધિશોને નજરઅંદાજ કરીને જસ્ટિસ સંજીવ ખન્ના અને દિનેશ માહેશ્વરીને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે બઢતી આપવી એક ઐતિહાસિક ભૂલ કહેવાશે. 

કૈલાશ ગંભીરે વધુમાં લખ્યું છે કે, "11 જાન્યુઆરીના રોજ મેં સમાચાર વાંચ્યા છે કે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધિશ દિનેશ માહેશ્વરી અને દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાને કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ બનાવાની ભલામણ કરી છે. પ્રથમ નજરે મને આ સમાચાર પર વિશ્વાસ થયો ન હતો, પરંતુ એ વાત સાચી હતી."

જસ્ટિસ ગંભીરે જસ્ટિસ ખન્નાની બઢતી પર વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે, દિલ્હી હાઈકોર્ટમાં તેમના કરતા સીનિયર ત્રણ ન્યયાધિશ છે. આવી સ્થિતિમાં તેમને સુપ્રીમ કોર્ટમાં મોકલવા એક ગંભીર પરંપરાની શરૂઆત કહેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news