BJP એ શોધી કાઢ્યો જીતનો મંત્ર? 50 % ક્વોટાને પાર કર્યા વગર OBC યાદીમાં વધારો શક્ય છે?

રાજ્યોને ઓબીસી અનામતની સૂચિ બનાવવાનો અધિકાર દેશની સંસદે બિલ પાસ કરીને આપી દીધો. હવે રાજ્ય સરકારો ઓબીસી વર્ગમાં નવી જાતિઓને સામેલ કરી શકે છે. પરંતુ આ સાથે જ 50 ટકા રિઝર્વેશન ક્વોટાને વધારવાની માંગણી પણ ફરીથી ઊભી થઈ છે. સવાલ એ છે કે આ બિલની જરૂર કેમ પડી? શું અનામતનો ક્વોટા 50 ટકાથી વધી શકે છે? 

BJP એ શોધી કાઢ્યો જીતનો મંત્ર? 50 % ક્વોટાને પાર કર્યા વગર OBC યાદીમાં વધારો શક્ય છે?

નવી દિલ્હી: રાજ્યોને ઓબીસી અનામતની સૂચિ બનાવવાનો અધિકાર દેશની સંસદે બિલ પાસ કરીને આપી દીધો. હવે રાજ્ય સરકારો ઓબીસી વર્ગમાં નવી જાતિઓને સામેલ કરી શકે છે. પરંતુ આ સાથે જ 50 ટકા રિઝર્વેશન ક્વોટાને વધારવાની માંગણી પણ ફરીથી ઊભી થઈ છે. સવાલ એ છે કે આ બિલની જરૂર કેમ પડી? શું અનામતનો ક્વોટા 50 ટકાથી વધી શકે છે? બંધારણની અંદર તેને લઈને કઈ જોગવાઈ છે? ચાર અક્ષરનો આ શબ્દ 'અનામત' જેટલો સરળ લાગે છે એટલો જ તેનો રાજકીય અધ્યાય પેચીદો છે. 

અનામત સંશોધન બિલ બાદ રાજ્યો બનાવી શકશે ઓબીસી યાદી
સંસદના હંગામેદાર સત્ર વચ્ચે એક બિલ જે સામાન્ય સહમતિથી પાસ થયું તે બિલ હતું ઓબીસી  અનામત સંશોધન બિલ. આ બિલ કાયદો બનશે પછી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાના સ્તર પર ઓબીસી અનામત માટે જાતિઓની સૂચિ નક્કી કરવા અને તેમને ક્વોટા આપવાનો અધિકાર રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું કે જો રાજ્યની સૂચિને સમાપ્ત કરવામાં આવત તો લગભગ 631 જાતિઓને શૈક્ષણિક સંસ્થાઓ અને નિયુક્તિઓમાં અનામતનો લાભ મળત નહીં. 

કેમ જરૂરી હતું આ અનામત પર બિલ?
જાતિઓની સૂચિ તો રાજ્યો બનાવતા રહે છે પરંતુ આમ છતાં આ બિલની જરૂર કેમ પડી? હકીકતમાં મે મહિનામાં મરાઠા અનામત પર રોક લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી આ રીતે કોઈ પણ સમુદાયને ઓબીસી સૂચિમાં સામેલ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓબીસીની યાદી તૈયાર કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકાર પાસે છે. 

કોર્ટના આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રદ થઈ ગયું અને રાજ્યમાં આંદોલન શરૂ થઈ ગયા હતા. આ બિલ કાયદો બનશે પછી મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, અને હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે. જેની માંગણી લાંબા સમયથી થઈ રહી છે. 

OBC ના 27 ટકાને વધાર્યા વગર શું આ શક્ય છે?
રાજ્યોને OBC યાદી તૈયાર કરવાનો અધિકાર તો મળી ગયો પરંતુ તેને લાગૂ કરવામાં હાલ સૌથી મોટી કોઈ બાધા હોય તો તે છે વર્તમાન અનામત ક્વોટાની 50 ટકાની મર્યાદા. જેમાં ઓબીસી માટે 27 ટકા અનામત ક્વોટા નિર્ધારિત છે. આ પેચ છે. જો આ કાયદા બાદ ગુજરાતમાં પટેલોને અનામત આપવા માટે રાજ્ય સરકાર તેમને ઓબીસીમાં સામેલ કરે તો પહેલેથી તે સૂચિમાં સામેલ ઓબીસી જાતિઓ નારાજ થઈ શકે છે. 

આવું જ હરિયાણામાં જાટ અનામતને લઈને છે. જો તેમને ઓબીસીમાં સામેલ કરી લેવાય તો બીજી સૈની, ગુર્જર જેવી જાતિઓની નારાજગી વધી શકે છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે છે. હકીકતમાં ઓબીસી ક્વોટા 27 ટકા જ છે. સૂચિમાં સામેલ જાતિઓને ડર છે કે બાકી જાતિઓ પણ સામેલ થશે તો ક્યાંક તેમના ક્વોટામાં કાતર ન ફરી વળે. રાજ્યોની મુશ્કેલી એ છે કે 27 ટકાની ક્વોટા મર્યાદાને ઓળંગ્યા વગર બધાને એડજસ્ટ કરવું મુશ્કેલ છે આથી આ બિલ પાસ થતાની સાથે જ 50 ટકા અનામતના દાયરાને પણ વધારવાની માંગણી થઈ રહી છે. 

ઈન્દિરા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટે નક્કી કરી છે વધુમાં વધુ 50 % મર્યાદા
1992માં ઈન્દિરા સાહની 'મંડલ જજમેન્ટ' નામથી મશહૂર થયેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રિઝર્વેશનની મર્યાદા 50 ટકાથી ક્રોસ કરી શકાય નહીં. જો કોઈ સરકાર 50 ટકાથી વધુ મર્યાદા પાર કરે તો તે જ્યૂડિશિયલ સ્ક્રૂટનીના દાયરામાં હશે. મે મહિનામાં મરાઠા અનામત વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે જો રિઝર્વેશન માટે 50 ટકાની લિમિટ ન રહી તો પછી સમાનતાના હકનું શું થશે?

હકીકતમાં મહારાષ્ટ્ર સરકારની દલીલ એ હતી કે ઈન્દિરા સાહની જજમેન્ટને ફરીથી જોવાની જરૂર છે. જેને 29 વર્ષ બાદ ફરીથી જોવાનો ઈન્કાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈન્દિરા સાહની કેસમાં 50 ટકા રિઝર્વેશન લિમિટ નક્કી કરવાનો જે ચુકાદો લેવાયો હતો ત્યારબાદ અનેક જજમેન્ટમાં માન્ય ગણવામાં આવ્યો છે અને આવામાં ઈન્દિરા સાહની જજમેન્ટને ફરીથી જોવાની જરૂર નથી. 

કાયદાને 9મી અનુસૂચિમાં નાખીને કોર્ટમાં પડકારથી બચી શકાય?
અનામત સંબંધિત જોગવાઈઓને બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગણી થઈ રહી છે. જેથી કરીને તેને ન્યાયિક સમીક્ષાથી સંરક્ષણ પ્રદાન કરી શકાય. 9મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્ય કાયદાઓની એક એવી સૂચિ છે જેને કોર્ટમાં પડકારી શકાય નહીં. પરંતુ 1973માં સુપ્રીમ કોર્ટના કેશવાનંદ ભારતી કેસમાં આવેલા ચુકાદા બાદ બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરાયેલા કોઈ પણ કાયદાની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. જો કે આ માટે શરત એ છે કે કોઈ કાયદો મૌલિક અધિકારો કે પછી બંધારણની મૂળ સંરચનાનો ભંગ કરતો હોય. 

2007માં પણ સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે 24 એપ્રિલ 1973 બાદ બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરાયેલા કોઈ પણ કાયદાની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાની વ્યાખ્યા ન્યાયપાલિકાએ કરવાની છે અને તેની બંધારણીય તપાસ સંસદની જગ્યાએ ન્યાયલય જ કરશે. બંધારણના જાણકારોના જણાવ્યાં મુજબ જો 50 ટકા મર્યાદા પાર કરીને અનામત આપવામાં આવે અને તે માટે બંધારણમાં સંશોધન કરીને તેને 9મી અનુસૂચિમાં નાખવામાં આવે તો પણ મામલો જ્યુડિશિયલ સ્ક્રૂટનીના દાયરામાં રહેશે. 

ભાજપની ચૂંટણી રાજ્યોમાં 'ઓબીસી કાર્ડ' ખેલવાની તૈયારી
યુપી સરકાર ચૂંટણી પહેલા OBC જાતિઓને પોતાના પક્ષમાં લેવા માટે 39 અન્ય જાતિઓને ઓબીસીમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે. સર્વેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. યુપીમાં ઓબીસી સૂચિમાં હાલ 79 જાતિઓ છે. થોડા સમય બાદ યુપી સહિત ઉત્તરાખંડ, ગુજરાત, પંજાબ, ગોવા જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે જ્યાં અનામત કાર્ડ ખેલવાની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. મેડિકલ એજ્યુકેશનમાં અખિલ ભારતીય કોટો હેઠળ અનામતનો નિર્ણય હોય કે પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવાનો હોય, ભાજપ તેને સરકારની ઉપલબ્ધિ તરીકે રજુ કરી રહ્યો છે . સંસદમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જેટલું ઝડપથી અમારી સરકારે દેશના પછાતો, દલિતો માટે પગલાં ઉઠાવ્યા તે ઈતિહાસમાં સૌથી વધુ છે. 

કેન્દ્ર સરકારે અનામતનું એવું પાસું ફેંક્યું કે તમામ પક્ષો તેમાં ગૂંચવાઈ ગયા. રાજકીય પક્ષોને ખબર છે કે અનામતની મર્યાદા વધાર્યા વગર OBC સૂચિમાં નવી જાતિઓને સામેલ કરવી મુશ્કેલ હશે. આ જ કારણ છે કે ચૂંટણી સમયે કોઈ પણ રાજકીય પક્ષ એવું જોખમ લેવા તૈયાર નથી કારણ કે તેમને ડર છે કે જો વિરોધ કર્યો તો ઓબીસી મતબેંક નારાજ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news