ZEE જાણકારી: હિન્દુસ્તાનનું સૌથી સફળ 'ઓપરેશન પોલો', જેણે સરદાર પટેલને બનાવ્યાં 'લોહ પુરુષ'...

13 સપ્ટેમ્બરની તારીખ ભારતના ઈતિહાસમાં ખુબ મહત્વ ધરાવે છે.

ZEE જાણકારી: હિન્દુસ્તાનનું સૌથી સફળ 'ઓપરેશન પોલો', જેણે સરદાર પટેલને બનાવ્યાં 'લોહ પુરુષ'...

નવી દિલ્હી: 13 સપ્ટેમ્બરની તારીખ ભારતના ઈતિહાસમાં ખુબ મહત્વ ધરાવે છે. કારણ કે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી તો આપણને મળી ગઈ પરંતુ તે પૂરી નહતી. કારણ કે અનેક રજવાડા અલગ થવા પર ઉતારુ હતાં. જેમાંથી સૌથી શક્તિશાળી અને સંપન્ન રજવાડું હૈદરાબાદ હતું. અહીં નિઝામશાહી હતી. તેમણે હિન્દુસ્તાનમાં ભળવાની ના પાડી દીધી હતી. 

એટલું જ નહીં નિઝામની સેનાએ બહુમતીવાળા હિન્દઓ પર અત્યાચારો કરવાના શરૂ કરી દીધા. પરિણામે તત્કાલિન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણાયક ફેસલો લેતા હૈદરાબાદ રજવાડા પર પોલીસ કાર્યવાહીનો આદેશ આપ્યો. આ કાર્યવાહીને 'ઓપરેશન પોલો' કોડનેમ આપવામાં આવ્યું હતું અને 13 સપ્ટેમ્બર 1948ના રોજ સવારે ચાર વાગે આ કાર્યવાહી શરૂ થઈ. નિઝામની સેનાએ પ્રાથમિક વિરોધ કર્યા બાદ 18 સપ્ટેમ્બર સુધીમાં તો સંપૂર્ણ રીતે આ રજવાડા પર ભારતનું નિયંત્રણ થઈ ગયું હતું. નિઝામે ડરતા ડરતા ભારત સાથે વિલયની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતાં. 

જમ્મુ કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ
વાત જાણે એમ છે કે ભારતની આઝાદી સાથે અનેક સમસ્યાઓ પણ વિરાસતમાં મળી. તેમાં 3 સૌથી મોટી સમસ્યા હતી. જમ્મુ અને કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ. શરૂઆતના બે રજવાડાઓએ તો થોડી આનાકાની બાદ ભારતની આધિનતા સ્વીકારી લીધી પરંતુ હૈદરાબાદ રજવાડુ મક્કમપણે અડગ રહ્યું કે તે ભારતથી એક સ્વતંત્ર મુલ્ક બનશે. 

વાત જાણે એમ હતી કે પહેલા હિંદુસ્તાનના તમામ રજવાડાઓ અંગ્રેજો સાથે સહયોગ સંધિ (સબ્સિડિયરી અલાયન્સ)થી બંધાયેલા હતાં. જે હેઠળ તેઓ પોત પોતાની સરહદની અંદર સ્વશાસનના ફોર્મ્યુલાથી ચાલતા હતાં પરંતુ બહારના મામલાઓ પર અંગ્રેજોનો અધિકાર હતો. 

જુઓ LIVE TV

ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્ટ એક્ટ
1947ના ઈન્ડિયન ઈન્ડિપેન્ડેન્ટ એક્ટ હેઠળ અંગ્રેજોએ તે તમામ લોકોને છોડી દીધા. ત્યારબાદ તે લોકોએ ભારત સાથે જોડાવવું કે પાકિસ્તાન સાથે રહેવું કે પછી આઝાદ થઈને અલગ રહેવું એ નક્કી કરવા માટે સ્વતંત્ર બની ગયાં. 1948 સુધી તમામ રજવાડાઓએ પોતાની ભૌગોલિક સ્થિતિના આધારે ભારત કે પાકિસ્તાનને  પોતાનો દેશ માની લીધો પરંતુ સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ હૈદરાબાદ રજવાડાએ ભારત સાથે જોડાવવાનો ઈન્કાર કરી દીધો. 

નિઝામ ઉસ્માન અલી ખાન
તે સમયે હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન (આસિફ જાહ સપ્તમ) હતાં અને રજવાડાની મોટા ભાગની વસ્તી હિંદુઓની હતી. લોકો ભારત સાથે જવા માંગતા હતાં પરંતુ નિઝામ પોતાના મુસ્લિમ લોકોથી બનેલી ફૌજ રજાકરના દમ પર હિંદુઓ પર રાજ કરવા માંગતા હતાં. રજાકર હૈદરાબાદના ભારત સાથે વિલયની વિરુદ્ધમાં હતાં. તેઓએ નિઝામના શાસનનું સમર્થન કર્યું અને પાકિસ્તાનમાં વિલય માટે પણ પ્રયત્ન કર્યો. 

નવેમ્બર 1947માં હૈદરાબાદે ભારત સાથે યથાસ્થિતિ જાળવી રાખવા સંબંધે સંધિ કરી. પરંતુ રજાકરોના હિંદુ વસ્તી પર વધતા જુલ્મોના કારણે નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણય લેતા હૈદરાબાદ રજવાડામાં પોલીસ કાર્યવાહીનો આદેશ આપ્યો. આ એક્શનને જ કોડનેમ 'ઓપરેશન પોલો'ના નામથી ઓળખવામાં આવે છે. 13 સપ્ટેમ્બર 1948ના રોજ સવારે ચાર વાગ્યે આ કાર્યવાહી શરૂ થઈ. નિઝામની સેના એટલે કે રજાકરોના શરૂઆતના વિરોધ બાદ 18 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રજવાડા પર ભારતનું નિયંત્રણ થઈ ગયું. નિઝામે સરન્ડર કરતા ભારત સાથે વિલયના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યાં. આ રીતે હૈદરાબાદનો ભારતમાં વિલય થયો. 

sardar patel

હૈદરાબાદ રજવાડું (1724-1948)
મુગલોના દક્ષિણમાં ગવર્નર મીર કમરુદ્દીન ખાને 1724માં સ્વતંત્ર હૈદરાબાદ રજવાડાની સ્થાપના કરી. તેમની પહેલા 1713-21 સુધી તેઓ દક્ષિણના ગવર્નર હતાં. તેઓ નિઝામ-ઉલ-મુલ્કના ટાઈટલ સાથે ગાદીએ બિરાજમાન થયા હતાં અને આસિફ જાહી વંશની સ્થાપના કરી. આ વંશના સાત નિઝામે 1948 સુધી હૈદરાબાદ પર શાસન કર્યું. ઉસ્માન અલી  ખાન છેલ્લા નિઝામ હતાં. 

ભૌગોલિક દ્રષ્ટિએ હૈદરાબાદ રજવાડું દેશના દક્ષિણ-મધ્ય ક્ષેત્રમાં સ્થિત હતું. જેની રાજધાની હૈદરાબાદ હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો મળીને આ રજવાડું બન્યું હતું. અંગ્રેજોના જમાનામાં તેમની સાથે સહયોગ સંધિ સ્થાપિત કરનારું હૈદરાબાદ પહેલવહેલું રજવાડું હતું. 

જ્યારે ભારતમાં તેનો વિલય થયો ત્યારે તે સમયે અન્યોની સરખામણીમાં હૈદરાબાદ સૌથી મોટુ અને સંપન્ન રજવાડું ગણાતું હતું. તેનો ભૌગોલિક વિસ્તાર લગભગ 82000 વર્ગ મીલ હતો. 1941માં થયેલી વસ્તીગણતરીમાં તેની વસ્તી 1.6 કરોડ હતી. જેમાંથી 85 ટકા વસ્તી હિંદુ હતી. પરંતુ રજવાડાના 40 ટકા ભૂભાગનો માલિકી હક નિઝામ અને મુસ્લિમ કુલીન વર્ગ પાસે હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news