PMC Scam: પત્નીને મળી ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ

સંજય રાઉતે કહ્યુ કે, મારી પત્ની એક શિક્ષિકા છે અને તેણે પોતાના મિત્ર પાસે 10 વર્ષ પહેલા 50 લાખનું કર્જ લીધુ હતું, તેમાં ઈડી અને ભાજપનું શું તકલીફ છે? 
 

PMC Scam: પત્નીને મળી ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ

મુંબઈઃ પીએમસી કૌભાંડમાં પત્ની વર્ષાને ઈડીની નોટિસ મળવા પર શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યુ કે, છેલ્લા એક વર્ષમાં શરદ પવાર, એકનાથ ખડસે અને પ્રતાપ સરનાઇકને નોટિસ મળી છે અને તમે બધા મારા નામ પર ચર્ચા કરી રહ્યાં છો. આ તમામ લોકો મહારાષ્ટ્રમાં સરકારની ચરના માટે મહત્વપૂર્ણ છે. આ કાગળનો ટુકડો છે વધુ કંઈ નહીં. તેમના પ્રમાણે, ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ છે. અમે કોઈથી ડરતા નથી અને તે અનુસાર પ્રતિક્રિયા આપશું. ઈડીને કેટલાક દસ્તાવેજની જરૂર હતી અને અમે તેમને સમય પર આપી દીધા છે. સંજય રાઉતે કહ્યુ કે, આ બધુ રાજનીતિથી પ્રેરિત છે, 10 વર્ષ જૂના એક કેસને કાઢવામાં આવ્યો છે. અમે મિડલ ક્લાસ લોકો છીએ. 

સંજય રાઉતે કહ્યુ કે, મારી પત્ની એક શિક્ષિકા છે અને તેણે પોતાના મિત્ર પાસે 10 વર્ષ પહેલા 50 લાખનું કર્જ લીધુ હતું, તેમાં ઈડી અને ભાજપનું શું તકલીફ છે? મારી પાસે એક વર્ષથી ભાજપ પરિવારના કેટલાક લોકો આવી રહ્યાં છે, તે વારંવાર મને કહેવાનો પ્રયાસ કરે છે કે આ સરકાર અમે કોઈપણ સ્થિતિમાં પાડવાના છીએ, અમારી પાસે કેન્દ્રની સત્તા છે, ઈડી, સીબીઆઈ અને ઇનકમ ટેક્સ છે. 

પીએમસી બેન્ક કૌભાંડના તાર શિવસેનાના મુખ્ય નેતા તથા સાસંદ સંજય રાઉતના ઘર સાથે જોડાયેલા છે. ઈડીએ આ મામલામાં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. ઈડીના એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે વર્ષા રાઉતને બે વાર પહેલા પણ સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે તે પૂછપરછ માટે આવ્યા નહીં. ઈડીએ ફરીથી મંગળવારે વર્ષા રાઉતને મુંબઈ અધિકારીઓની સામે હાજર થવા કહ્યું છે. ઈડીના વરિષ્ઠ અધિકારી અનુસાર પીએમસી કૌભાંડના આરોપીની સાથે વર્ષા રાઉતની લેતી-દેતીના પૂરાવા મળ્યા છે. શરૂઆતી તપાસમાં કૌભાંડના આરોપી પ્રવીણ રાઉતની પત્ની સાથે 50 લાખના વહીવટના પૂરાવા મળ્યા છે. આ રકમ વધુ હોઈ શકે છે. 

તેમણે કહ્યું કે, પીએમસી બેન્ક કૌભાંડની રકમને વિભિન્ન કંપનીઓ વચ્ચે ઘણા સ્તરોએ વેચવામાં આવી હતી. આ કંપનીઓના તમામ લેતી-દેતીની સાથે-સાથે તેના પ્રમોટર, ડાયરેક્ટર અને મૂળ લાભાર્થીઓની જાણકારી મેળવવામાં આવી રહી છે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ કૌભાંડ સાથે જોડાયેલા તમામ વહીવટની તપાસ થઈ રહી છે અને આ સિલસિલામાં વર્ષા રાઉતને પણ સમન્સ આપવામાં આવ્યું છે. ઈડી હાઉસિંગ ડેવલોપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડાયરેક્ટર રાકેશ વધાવન અને સારંગ વધાવન સહિત ઘણા હાઈપ્રોફાઇલ લોકો વિરુદ્ધ ષડયંત્ર હેઠળ પીએમસી બેન્કમાંથી 4355 કરોડ રૂપિયાના કૌભાંડ કરવાની તપાસ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news