બઠિંડા એરપોર્ટ પર અધિકારીઓને પીએમ મોદીએ કહ્યું- "તમારા સીએમનો આભાર, કે હું બઠિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો."
પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રોડ માર્ગે જતી વખતે 15 થી 20 મિનિટ માટે એક ફ્લાયઓવર પર જઇ રહ્યા હતા ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તામાં અવરોધ ઉભો કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી છે.
Trending Photos
PM Modi Rally Cancelled In Punjab: પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રોડ માર્ગે જતી વખતે 15 થી 20 મિનિટ માટે એક ફ્લાયઓવર પર જઇ રહ્યા હતા ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તામાં અવરોધ ઉભો કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પીએમ મોદીએ બઠિંડા એરપોર્ટ પર અધિકારીઓને કહ્યું, "તમારા સીએમનો આભાર, કે હું બઠિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો."
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન ગંભીર સુરક્ષા ભંગ બાદ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે. વડા પ્રધાન બઠિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ખામી માત્ર સ્થાનિક પોલીસની જ નહીં પરંતુ કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓની પણ છે. વડાપ્રધાન કયા રસ્તે જશે, ત્યાં શું હશે સુરક્ષા વ્યવસ્થા? આ સંદર્ભમાં, સુરક્ષાને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્રનો સામૂહિક નિર્ણય છે. શું કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને આ પ્રદર્શન વિશે કોઈ માહિતી મળી નથી? કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી શકે છે.
15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટક્યા PM મોદી
નિવેદન અનુસાર, 'ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા પછી, તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. આ પછી પીએમ મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિગતવાર માંગ્યો હતો અહેવાલ
ગૃહ મંત્રાલયે કહ્યું, "પંજાબ સરકારને પ્રધાનમંત્રીના સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની રહેશે. ઉપરાંત, આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે, જે સ્પષ્ટપણે તૈનાત કરવામાં આવી ન હતી. આ સુરક્ષા ક્ષતિ પછી બઠિંડા એરપોર્ટ પર પાછા ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રદર્શનકારીઓ સાથે પોલીસની મિલીભગતઃ જેપી નડ્ડા
પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફસાયેલો રહ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ પોલીસ પર પ્રદર્શનકારીઓ સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જઈ રહેલા પીએમ મોદીની મુલાકાતમાં વિક્ષેપ પડ્યો તે દુઃખદ છે. રાજ્ય પોલીસને લોકોને રેલીમાં સામેલ થતાં અટકાવવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ચન્નીએ ફોન પર વાત કરવાનો કે ઉકેલ લાવવાની ના પાડી દીધી.
ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત થવાની હતી
તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ની રેલી સાથે જ પંજાબમાં ભાજપના ચૂંટણી પ્રચાર શરૂઆત કરવાના હતા. પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદી ફિરોઝપુરમાં પીજીઆઈના સેટેલાઇટ સેન્ટર સહિત લગભગ રૂ. 42,750 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના હતા અને પછી ફિરોઝપુરમાં જ એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના હતા. ભાજપના પંજાબ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતના નેતૃત્વમાં છેલ્લા ઘણા દિવસોથી રેલીની તૈયારીઓ ચાલી રહી હતી અને પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ પીએમ મોદી સાથે મંચ પર પહોંચવાના હતા.
ખેડૂતોના ગુસ્સાને શાંત કરવામાં વ્યસ્ત છે ભાજપ
પંજાબમાં કૃષિ સુધારા કાયદા સામે ખેડૂતોના આંદોલનને કારણે ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે કાયદાઓ હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે, પરંતુ આંદોલનમાં 700 જેટલા મૃત્યુને કારણે ખેડૂતોનો ગુસ્સો યથાવત છે. તેને દૂર કરવા માટે ભાજપ કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરેલા કામ ગણાવી રહી છે. જેમાં કરતારપુર કોરિડોર ખોલવું, શીખ વિરોધી રમખાણોના આરોપીઓ સામે કાર્યવાહી, GSTમાંથી લંગરને મુક્તિ, અફઘાનિસ્તાનમાંથી શીખોની પરત ફરવું વગેરેનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે