ભાજપ ફક્ત અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પાર્ટી ન હોઈ શકે: નીતિન ગડકરી
ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી બની જવાની ધારણાને ફગાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ વિચારધારા પર આધારિત પાર્ટી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી બની જવાની ધારણાને ફગાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ વિચારધારા પર આધારિત પાર્ટી છે. તેમણે કહ્યું કે, "આ પાર્ટી ફક્ત અટલજીની કે ક્યારેય અડવાણીજીની પણ નથી બની. આ પાર્ટી ક્યારેય ફક્ત અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પાર્ટી પણ ન બની શકે. તેમણે કહ્યું કે ભાજપ વિચારધારા પર આધારિત પાર્ટી છે અને ભાજપ મોદી કેન્દ્રીત પાર્ટી બની ગઈ છે તે કહેવું ખોટું છે."
મોદી અને ભાજપ એકબીજાના પૂરક
ભાજપના વરિષ્ઠ નેતા તથા પૂર્વ અધ્યક્ષે લોકસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશની આશંકાઓને પણ ફગાવી અને દાવો કર્યો કે ભાજપને ગત વખત કરતા પણ વધુ સીટો મળશે. અહીં પોતાના નિવાસસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં ગડકરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ બંને એકબીજાના પૂરક છે.
શું ભાજપમાં 'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઈન્દિરા'ની જેમ જ 'મોદી એટલે ભાજપ અને ભાજપ એટલે મોદી' વાળી સ્થિતિ પેદા થઈ ગઈ છે? આ સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું કે, "ભાજપ જેવી પાર્ટી વ્યક્તિ કેન્દ્રિત ક્યારેય હોઈ શકે નહીં. તે વિચારધારા પર આધારિત પાર્ટી છે. અમારી પાર્ટીમાં પરિવાર રાજ હોઈ શકે નહીં. ભાજપ મોદી કેન્દ્રિત પાર્ટી બની ગઈ છે તે ધારણા ખોટી છે. પાર્ટીનું સંસદીય દળ છે જે તમામ મહત્વના નિર્ણયો લે છે." તેમણે તર્ક આપ્યો કે પાર્ટી અને તેના નેતા એકબીજાના પૂરક છે.
તેમણે કહ્યું કે, "પાર્ટી ખુબ મજબુત હોય, પરંતુ નેતા મજબુત ન હોય તો ચૂંટણી જીતી શકાય નહીં. એ જ રીતે નેતા ગમે તેટલા મજબુત હોય પરંતુ પાર્ટી મજબુત ન હોય તો પણ કામ નહીં ચાલે...હાં, એ વાત સાચી છે કે જે સૌથી લોકપ્રિય જનનેતા હોય છે તે સ્વાભાવિક રીતે જ સામે આવી જ જાય છે."
ચૂંટણીમાં પોતાની સરકારના કામકાજ અને ઉપલબ્ધિઓની જગ્યાએ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાને ચૂંટણી મુદ્દો બનાવવાના આરોપને ફગાવતા તેમણે કહ્યું કે, "ચૂંટણીમાં જાતિવાદ અને સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળીને અમારા વિકાસના એજન્ડાને બદલવાની વિરોધીઓએ કોશિશ કરી છે. મને વિશ્વાસ છે કે જનતા વિકાસની સાથે રહેશે અને અમે પૂર્ણ બહુમતની સાથે ફરીથી સરકાર બનાવીશું."
જુઓ LIVE TV
ગડકરીએ કહ્યું કે, "જ્યાં સુધી રાષ્ટ્રવાદને મુદ્દો બનાવવાની વાત છે તો તે અમારા માટે મુદ્દો નથી, તે અમારો આત્મા છે. સારું શાસન-પ્રશાસન અને વિકાસ અમારું મિશન છે અને સમાજમાં શોષિત, પીડિત અને પછાતોને કેન્દ્રબિન્દુ માનીને તેમને રોટી કપડાં અને મકાન આપવા એ અમારો ઉદ્દેશ્ય છે." ભાજપ પાંચ વર્ષની નિષ્ફળતા છૂપાવવા માટે આવા ભાવનાત્મક મુદ્દા ઉઠાવી રહ્યો છે તેવા આરોપના જવાબમાં ગડકરીએ કહ્યું કે, "અમે તેને ક્યારેય મુદ્દો બનાવ્યો નથી." તેમણે કહ્યું કે દરેક ચૂંટણીમાં દેશની સુરક્ષા પર હંમેશા ચર્ચા થઈ છે.
પાકિસ્તાનનો સવાલ
વડાપ્રધાનના ભાષણોમાં પાકિસ્તાન અને સેનાનો વારંવાર ઉલ્લેખ થતો હોવાની વાતનો બચાવ કરતા ગડકરીએ કહ્યું કે, "હકીકતમાં હાલમાં જ પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનો જવાબ ભારતે આપવો પડ્યો. આ વિષય જ્યારે સામે આવ્યો તો આંતરિક અને બાહ્ય સુરક્ષા સંલગ્ન આ વિષય પર ચર્ચા થવી સ્વાભાવિક છે. આથી રાષ્ટ્રવાદને અમે મુદ્દો નથી બનાવ્યો પરંતુ મીડિયાએ બાલાકોટ સૈન્ય કાર્યવાહી પર ઉઠેલા સવાલોને ચર્ચામાં લાવી દીધો."
પાંચ વર્ષની સરકારની ઉપલબ્ધિઓના સવાલ પર ગડકરીએ કહ્યું કે મોદી સરકારે દેશહિતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ, એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, જેવી મોટી મોટી યોજનાઓ શરૂ કરી. તેનાથી ખુબ ફેરફાર થયાં. આ સાથે જ ઉજ્જવલા યોજનાથી લઈને જનધન, મુદ્રા અને આયુષ્યમાન યોજના સુધી તથા પાક વીમા યોજનાથી લઈને વડાપ્રધાન આવાસ યોજના સુધી બધાના ખુબ સારા પરિણામ જોવા મળ્યાં. તેમણે કહ્યું કે, "મને લાગે છે કે જે કામ 50 વર્ષમાં નહતું થયું તે કામ પાંચ વર્ષમાં થતું જોઈને જનતાએ એક મજબુત વિકલ્પ તરીકે આ વખતે પણ અમને પસંદ કરવાનો નિર્ણય લીધો છે."
(ઈનપુટ-એજન્સી ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે