સિદ્ધુના એક નિવેદનથી પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, 'લાલચોળ' થયેલા અનેક મંત્રીઓએ માંગ્યું રાજીનામું
પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર આપેલા નિવેદન પર હાહાકાર મચી ગયો છે.
Trending Photos
ચંડીગઢ (કુલવીર દીવાન): પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર આપેલા નિવેદન પર હાહાકાર મચી ગયો છે. પંજાબમાં અનેક મંત્રીઓએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરુદ્ધ ટિપ્પણી કરવાને લઈને રાજ્ય મંત્રીમંડળ પાસે નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની માંગણી કરી. આ આખો વિવાદ કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સિદ્ધુ પાકિસ્તાન ગયા અને ત્યાં જે કઈ થયું તેના કારણે ઊભો થયો છે.
આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યું કે 'તથ્યોને તોડી મરોડીને રજુ કરતા પહેલા તમે તથ્યોને બરાબર પરખી લો. રાહુલજીએ મને પાકિસ્તાન જવા માટે ક્યારેય કહ્યું નથી. આકી દુનિયા જાણે છે કે હું (પાકિસ્તાની) પીએમ ઈમરાન ખાનના અંગત આમંત્રણ પર પાકિસ્તાન ગયો હતો.'
એક દિવસ પહેલા જ હૈદરાબાદમાં સિદ્ધુને જ્યારે પત્રકારોએ મુખ્યમંત્રીની મંજૂરી વગર પાકિસ્તાન જવા બદલ પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી મારા કેપ્ટન છે, તેમણે જ મને પાકિસ્તાન મોકલ્યો. રાહુલ ગાંધી કેપ્ટનના પણ કેપ્ટન છે. આ જવાબ પર પંજાબના મંત્રીઓએ કહ્યું કે જો સિદ્ધુ અમરિન્દર સિંહને પોતાના કેપ્ટન નથી ગણતા તો તેમણે મુખ્યમંત્રીની ટીમ છોડી દેવી જોઈએ.
મંત્રીઓએ સિદ્ધુ પર સાધ્યું નિશાન
હૈદરાબાદમાં અપાયેલા નિવેદનને લઈને સિદ્ધુ પર ગ્રામીણ અને વિકાસ મંત્રી તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા, મહેસૂલ અને પુર્નવાસ મંત્રી સુખવિન્દર સિંહ સરકારિયા અને ખેલ મંત્રી રાણા ગુરમિત સિંહ સોઢીએ પ્રહાર કર્યા છે. આ ઉપરાંત મંત્રી સાધુ સિંહ ધર્મસોત, અને ઓ પી સોનીએ સિદ્ધુના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી. અત્રે જણાવવાનું કે પંજાબના 17 મંત્રીઓમાં ડઝનથી વધુ મંત્રીઓ કેપ્ટનના ખાસ ગણાય છે. મોટાભાગના મંત્રીઓ હાલ વાત કરતા ખચકાય છે.
સોઢીએ કહ્યું કે આ મુદ્દે અન્ય મંત્રીઓ પણ અમરિન્દરની સાથે છે. તેમણે કહ્યું કે મેં પણ જે મંત્રીઓની સાથે વાત કરી, તેઓ અરુણા ચૌધરી અને સાધુ સિંહ ધમસોત છે. અમે બધા કેપ્ટન અમરિન્દર સિંહ સાથે ખુબ મજબુતાઈથી ઊભા છીએ. સૂત્રોએ કહ્યું છે કે સોમવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દો ઊભો થાય તેવી શક્યતા છે.
સિદ્ધુએ મુખ્યમંત્રીની માફી માંગવી જોઈએ
બાજવાએ કહ્યું કે જો તે કેપ્ટન અમરિન્દર સિંહને પોતાના કેપ્ટન ન માનતા હોય તો તેમણે નૈતિક આધાર પર મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને રાહુલ ગાંધી તેમને જે કહે તે કામ કરવું જોઈએ. મંત્રીએ માંગણી મૂકી કે સિદ્ધુએ મુખ્યમંત્રીની પણ માફી માંગવી જોઈએ. બાજવાએ કહ્યું કે તેમણે કેપ્ટન સાહેબને પંજાબમાં પોતાના નેતા તરીકે સ્વીકાર કરવા પડશે.
સરકારિયાએ સિદ્ધુની ભાષાને આપત્તિજનક ગણાવતા કહ્યું કે રાહુલ ગાંધી અમારા નેતા છે અને તેઓ અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પંજાબમાં સરકારના નેતૃત્વકર્તા અમરિન્દર સિંહ છે. જે રાજ્યના અમારા કેપ્ટન પણ છે અને અમ બધા તેમના નેતૃત્વમાં ટીમની જેમ કામ કરીએ છીએ. જો સિદ્ધુ કે કોઈ અન્યને તેનાથી કોઈ સમસ્યા હોય તો તેઓ તેમના નેતૃત્વમાં કામ કરી શકતા નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.
(ઈનપુટ- ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે