મોદી મંત્રીમંડળ 2.0 : જાણો કેટલા મંત્રી કરોડપતિ છે અને કેટલાની સામે અપરાધિક કેસ છે

કેન્દ્રમાં નવી સરકારની રચના સાથે જ નવા મંત્રીમંડળની પણ રચના થઈ ગઈ છે અને એનડીએ સરકારનું 57 સભ્યોનું જમ્બો મંત્રીમંડળ બન્યું છે, જેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 56 મંત્રીઓ દ્વારા ચૂંટણી લડવા સમયે દાખલ કરાયેલા સોગંદનામાના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું છે 

મોદી મંત્રીમંડળ 2.0 : જાણો કેટલા મંત્રી કરોડપતિ છે અને કેટલાની સામે અપરાધિક કેસ છે

નવી દિલ્હીઃ ઈલેક્શન વોચડોગ તરીકે ઓળખાતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) સંસ્થા દ્વારા મોદી સરકારના નવા મંત્રીમંડળમાં સામેલ કરાયેલા મંત્રીઓનું નાણાકિય, અપરાધી અને અન્ય બેકગ્રાઉન્ડ ચૂંટણી સમયે તેમણે દાખલ કરેલા સોગંદનામાના આધારે ચકાસવામાં આવ્યું હતું. તેના અનુસાર મોદી સરકારના નવા મંત્રીમંડળમાં 51 મંત્રી કરોડપતિ છે, જ્યારે 22 મંત્રીઓએ સ્વીકાર્યું છે કે તેમની સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. 

ADR દ્વારા 58 મંત્રીઓમાંથી 56 મંત્રીના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. જોએ વર્તમાન 17મી લોકસભાના વડાપ્રધાન છે. સંસ્થાએ જણાવ્યું કે, લોક જનશક્તી પાર્ટીના વડા રામ વિલાસ પાસવાન કે જેમને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના મંત્રી બનાવાયા છે અને વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરન ગૃહના સભ્ય ન હોવાને કારણે તેમનું વિશ્લેષણ થઈ શક્યું નથી. 

56 મંત્રીઓમાંથી 51 (91%) કરોડપતી છે અને સરેરાશ મંત્રીની સંપત્તિ 14.72 કરોડ છે. કુલ ચાર મંત્રી હરસિમરત કૌર બાદલ, પિયુષ ગોયલ, રાવ ઈન્દ્રજિત સિંઘ અને અમિત શાહે રૂ.40 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરેલી છે. અન્ય 5 મંત્રી - પ્રતાપ ચંદ્ર સારંગી, કૈલાશ ચૌધરી, વી. મુરલીધરન, રામેશ્વર તેલી અને દેબશ્રી ચૌધરીએ રૂ.1 કરોડ કરતાં ઓછી સંપત્તિ જાહેર કરેલી છે. 

મોદી મંત્રીમંડળમાં રહેલા 16 મંત્રીઓએ જણાવ્યું છે કે તેમના માથે 1 કરોડ કે તેનાથી વધારેનું દેવું છે. આ 16માંથી 5 મંત્રીએ તેમના માટે 10 કરોડથી વધારેનું દેવું હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે. 

અપરાધિક રેકોર્ડ
ADR દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું કે, કુલ 22 મંત્રી(39%)એ તેમના સોગંદનામામાં પોતાના પર અપરાધિક કેસ દાખલ થયા હોવાનું જાહેર કર્યું છે. જેમાંથી 16 મંત્રી એ જણાવ્યું છે કે, તેમની સામે ગંભીર અપરાધિક કેસ દાખલ થયેલા છે, જેમાં હત્યા, સાંપ્રદાયિક તણાવ પેદા કરવો, ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવા જેવા કેસ દાખલ થયેલા છે. 

2014ની લોકસભાના મંત્રીમંડળ સાથે સરખામણી કરીએ તો અપરાધિક કેસ ધરાવતા મંત્રીઓની સંખ્યામાં 8 ટકાનો વધારો થયો છે. તેમાં પણ જેમની સામે ગંભીર અપરાધિક કેસ હોય તેમની સંખ્યા 12 ટકા છે. 

શિક્ષણની સ્થિતિ
નવા મોદી મંત્રીમંડળમાં 8 મંત્રીએ ધોરણ 10થી 12 પાસ છે, 47 (84 ટકા) મંત્રીએ તેમણે ગ્રેજ્યુએશન કે તેનાથી વધુનું શિક્ષણ મેળવ્યું હોવાનું જાહેર કરેલું છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news