VIDEO: સુપ્રીમના આદેશના લીરેલીરા ઉડ્યા, તાજમહેલમાં પર્યટકોએ નમાજ અદા કરી
તાજમહેલની અંદર સ્થિત શાહી મસ્જિદમાં નમાજ પઢવાના મુદ્દે વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ના પાડી હોવા છતાં કેટલાક લોકોએ ટિકિટ ખરીદીને તાજમહેલની અંદર નમાજ પઢી.
Trending Photos
આગરા: તાજમહેલની અંદર સ્થિત શાહી મસ્જિદમાં નમાજ પઢવાના મુદ્દે વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ના પાડી હોવા છતાં કેટલાક લોકોએ ટિકિટ ખરીદીને તાજમહેલની અંદર નમાજ પઢી. મળતી માહિતી મુજબ આ દરમિયાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અધિકારી અને કર્મચારીઓએ તેમને રોકવાની કોશિશ પણ કરી, પરંતુ તેઓ ન માન્યા અને તાજમહેલની અંદર નમાજ પઢવાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
મસ્જિદ તાજમહેલ ઈન્તજામિયા કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સવારે 11.30 વાગે માલ રોડ સ્થિત એએસઆઈ કાર્યાલયમાં અધિક્ષણ પુરાતત્વવિંદ વસંતકુમારને મળ્યાં અને તેમને આવેદન સોંપ્યું. ત્યાંથી ફરીને કમિટીના અધ્યક્ષ સૈયદ ઈબ્રાહીમ હુસૈન જૈદીએ જણાવ્યું કે એએસઆઈ પાસે નમાજ અદા ન કરવાનો સુપ્રીમનો આદેશ માંગ્યો પરંતુ તેઓ આદેશ બતાવી શક્યા નહીં.
એવો આરોપ છે કે સુપ્રીમે એવો કોઈ આદેશ આપ્યો નથી., ફક્ત ગેઝેટ નોટિફિકેશન એએસઆઈ દ્વારા કરવામાં આવ્યું છે. સૈયદ ઈમ્તિયાઝ અલીએ કહ્યું કે નમાજ માટે પુરાતત્વ વિભાગ દ્વારા ઈમામની નિયુક્તિ પણ થતી આવી છે. વર્તમાનમાં સૈય્યદ અલી ઈમામની હેસિયતથી નમાજ પઢાવે છે. તેમને વિભાગ દ્વારા પ્રતિ માસ 15 રૂપિયા અપાય છે. તેમણે કહ્યું કે મંગળવારે (13 નવેમ્બર)ના રોજ 12 વાગ્યા સુધી આદેશ મળવાની રાહ જોવામાં આવશે. ત્યારબાદ તાજમાં નમાજ અદા કરાશે.
બપોરના 12 વાગ્યા બાદ વિવાદિત રોકના લીરા ઉડાવતા તાજમહેલ ઈન્તેજામિયા કમિટી (ટીએમઆઈસી)ના સભ્યોએ મંગળવારના રોજ તાજમહેલ પરિસરમાં નમાજ પઢી. જો કે વજુ ટેંક (જ્યાં નમાજ પઢતા પહેલા નમાજી પોતાના શરીરને સાફ કરે છે)માં રોજની જેમ તાળુ જ લાગેલું રહ્યું અને નમાજીઓએ નમાજ પઢતા પહેલા પીવાના પાણીથી પોતાની જાતને ચોખ્ખુ કર્યું.
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે 19 જુલાઈ 2018ના રોજ આદેશ આપ્યો હતો કે તાજમહેલ મસ્જિદમાં ફક્ત શુક્રવારે જ નમાજ અદા થઈ શકે છે. આ સાથે જ સ્થાનિક લોકો જ અહીં નમાજ અદા કરશે. શુક્રવારે તાજમહેલ બંધ રહે છે. પરંતુ નમાજીઓ માટે બપોરે બે કલાક માટે ખોલવામાં આવે છે.
આ બાજુ આ મામલે સીઆઈએસએફનું કહેવું છે કે તેમની પાસે એવો કોઈ આદેશ આવ્યો નથી કે ફક્ત શુક્રવારે જ નમાજ પઢવામાં આવશે.ય આ સાથે જ જો કોઈ ટિકિટ લઈને પ્રવેશ કરે તો તેને કેવી રીતે રોકી શકાય. જો કે વીડિયોમાં એક વ્યક્તિ તેમને નમાજ પઢતા રોકતો પણ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે