Mukhtar Ansari: ગેંગસ્ટર કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, બાહુબલી મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા

Mukhtar Ansari: ગેંગસ્ટર કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, બાહુબલી મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા

ગેંગસ્ટર કેસમાં બાહુબલી મુખ્તાર અંસારીને ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે તેને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે 5 લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે. મુખ્તારના ભાઈ અને બસપા સાંસદ અફઝલ અંસારી ઉપર હજુ કોર્ટનો ચુકાદો આવ્યો નથી. એવી આશા છે કે આજે જ કોર્ટ ચુકાદો આપી દેશે. જો અફઝલ અંસારીને 2 કે તેથી વધુ વર્ષની સજા થશે તો તેમની સંસદની સદસ્યતા જતી રહેશે. અફઝલ અંસારી હાલ બીએસપીના સાંસદ છે.

યુપીના બહુચર્ચીત કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ અને વેપારી નંદકિશોર રૂંગટા અપહરણ બાદ મુખ્તાર અને અફઝલ પર ગેંગસ્ટર એક્ટમાં કેસ દાખલ થયો હતો. આ મામલે 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ અફઝલ અંસારી, તેમના ભાઈ માફિયા ડોન મુખ્તાર અંસારી અને બનેવી એઝાઝુલ હક પર ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. એઝાઝુલ હકનું દેહાંત થઈ ગયું છે. આ મામલે 1 એપ્રિલના રોજ સુનાવણી પૂરી થઈ ગઈ હતી. પહેલા આ કેસમાં 15 એપ્રિલે ચુકાદો આવવાનો હતો પરંતુ ત્યારબાદ તારીખ આગળ વધારીને 29 એપ્રિલ કરવામાં આવી હતી. આ મામલામાં વર્ષ 2012મા MP-MLA કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી. 

— ANI (@ANI) April 29, 2023

રાયના કાફલા પર 500 રાઉન્ડથી વધુ ગોળીઓ
ગાઝીપુરમાં 29 નવેમ્બર 2005ના રોજ મોહમ્મદાબાદથી તત્કાલિન ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત કુલ 7 લોકોને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. ચૂંટણી અદાવતના કારણે આ હત્યાને અંજામ અપાયો હતો. આ હત્યાકાંડમાં મુખ્તાર અંસારી અને અફઝલને આરોપી બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં અંસારી બ્રધર્સના પ્રભાવવાળી મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક પર 2002માં અફઝલ અંસારીને હરાવીને કૃષ્ણાનંદ રાયે જીત મેળવી હતી. 

કૃષ્ણાનંદ રાયની એવા સમયે હત્યા થઈ હતી જ્યારે તેઓ ભાંવરકોલ બ્લોકના સિયાડી ગામમાં આયોજિત એક સ્થાનિક ક્રિકેટ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ મેચનું ઉદ્ધાટન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે બનસિયા ચટ્ટી પાસે ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ કૃષ્ણાનંદ રાયના કાફલા પર એકે-47થી 500 રાઉન્ડ ફાયર કર્યા હતા. 

જાન્યુઆરી 1997માં કોલસા વેપારી અને VHP કોષાધ્યક્ષ નંદકિશોર રૂંગટાનું તેમના ઘરેથી અપહરણ કરીને પછી હત્યા કરી દેવાઈ હતી. એવું કહેવાય છે કે રૂંગટાના પરિવાર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરિવારે 1.5 કરોડ આપ્યા પણ હતા પરંતુ ત્યારબાદ હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે મુખ્તાર અંસારી ઉપર આરોપ લાગ્યો હતો. ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news