Modi Cabinet Decisions: શેરડીના ખેડૂતો માટે ખુશખબરી, સરકારે આટલા વધાર્યા શેરડીના ભાવ

શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Modi Cabinet Decisions: શેરડીના ખેડૂતો માટે ખુશખબરી, સરકારે આટલા વધાર્યા શેરડીના ભાવ

નવી દિલ્હી: Modi Cabinet Decisions: શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શેરડી પરની FRPમાં પ્રતિ ક્વિંટલ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.એટલે કે હવે શેરડીની FRP હવે વધીને 290 રૂપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગઈ છે. ગયા વર્ષે FRP માં 10 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરવામાં આવ્યો હતો. શેરડી માટે માર્કેટિંગ વર્ષ ઓક્ટોબર થી સપ્ટેમ્બર હોય છે. એટલે કે હાલના માર્કેટિંગ યર 2021-22 માટે સરકારે આ કિંમતો નક્કી કરી છે. સરકારની આ નીતિના કારણે શેરડી પકડતા ખેડૂતોને લાભ થશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આર્થિક કાર્ય સંબંધી મંત્રીમંડળ સમિતિની બેઠક બાદ પીયૂષ ગોયલે આ જાણકારી આપી હતી. 

તો બીજી તરફ કેંદ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આ નિર્ણયથી ખેડૂત શેરડી ઉત્પાદકોને શેરડીની ગેરેન્ટીયુક્ત કિંમત પ્રાપ્ત થશે. તેમણે આગળ કહ્યું તેનાથી ખાંડના કારખાનાનું કામ સારી રીતે ચાલુ રહેશે અને એ પણ સુનિશ્વિત થશે કે દેશમાં ખાંડ ઉત્પાદન ના ફક્ત માંગ પરંતુ નિર્યાતની પૂર્તિ માટે પણ ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી દેશભરમાં લગભગ 5 કરોડ શેરડીના ખેડૂતોને લાભ થશે.  

ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે યોગ્ય અને લાભકારી મૂલ્ય 285 રૂપિયા પ્રતિ ક્વિંટલ છે. દર વર્ષે શેરડીનું પીલવાનું સત્ર શરૂ થતાં પહેલાં એફઆરપીની જાહેરાત કરે છે. મીલોને આ ન્યૂનતમ મૂલ્ય શેરડી ઉત્પાદકોને આપવું પડશે. જોકે ઉત્તર પ્રદેશ અને તમિલનાડું જેવા ઘણા રાજ્ય પોતાના શેરડીના દરો (રાજ્ય પરામર્શ મૂલ્ય અથવા એસએપી)ની જાહેરાત કરે છે. આ એફઆરપીની ઉપર હોય છે. ખાંડની સિઝન 2021-22 માટે શેરડીના ઉત્પાદનનો ખર્ચ ક્વિન્ટલદીઠ રૂ. 155 છે. 10 ટકાના પ્રાપ્તિદર સાથે ક્વિન્ટલદીઠ રૂ. 290ની આ એફઆરપી ઉત્પાદન ખર્ચથી 87.1 ટકા વધારે છે, જે ખેડૂતોને તેમના ખર્ચ પર 50 ટકાથી વધારે વળતર આપશે.

ખાંડની હાલની સિઝન 2020-21માં ખાંડની મિલોએ રૂ. 91,000 કરોડના મૂલ્યની આશરે 2,976 લાખ ટન શેરડીની ખરીદી કરી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી છે અને લઘુતમ ટેકાના ભાવ પર ડાંગરના કાપની ખરીદી પછી બીજી સૌથી મોટી ખરીદી છે. ખાંડની આગામી સિઝન 2021-22માં શેરડીના ઉત્પાદનમાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને ખાંડની મિલો દ્વારા આશરે 3,088 લાખ ટન શેરડીની ખરીદી થવાની શક્યતા છે. શેરડીના ખેડૂતોને કુલ વળતર આશરે રૂ. 1,00,000 કરોડ હશે. પોતાનાં ખેડૂતલક્ષી પગલાં દ્વારા સરકાર સુનિશ્ચિત કરશે કે શેરડીના ખેડૂતોને તેમની બાકી નીકળતી રકમ સમયસર મળી જાય.

મંજૂર થયેલી એફઆરપી ખાંડની મિલો દ્વારા ખાંડની સિઝન 2021-22માં ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ થશે (1 ઓક્ટોબર, 2021થી શરૂ થશે). ખાંડનું ક્ષેત્ર મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે, જે શેરડીના આશરે 5 કરોડ ખેડૂતો અને તેમના પરિવારજનોની આજીવિકા પર અસર કરે છે તેમજ ખાંડની મિલોમાં સીધી રોજગારી મેળવવા આશરે 5 લાખ કામદારોની આજીવિકાને પણ અસર કરે છે. આ ઉપરાંત કૃષિલક્ષી મંજૂરી અને પરિવહન સહિત વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં સંલગ્ન લોકોની આજીવિકાને પણ અસર કરે છે.

ખાંડની છેલ્લી 3 સિઝન 2017-18, 2018-19 અને 2019-20માં અનુક્રમે આશરે 6.2 લાખ મેટ્રિક ટન (એલએમટી), 38 એલએમટી અને 59.60 એલએમટી ખાંડની નિકાસ થઈ છે. ખાંડની હાલની સિઝન 2020-21 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર)માં 60 એલએમટીના નિકાસના લક્ષ્યાંક સામે આશરે 70 એલએમટી માટેના કરારો થયા છે અને 23.8.2021 સુધી દેશમાંથી 55 એલએમટીથી વધારે ખાંડની ફિઝિકલ નિકાસ થઈ છે. ખાંડની નિકાસથી ખાંડની મિલોની નાણાકીય પ્રવાહિતતા વધી છે, જે તેમને ખેડૂતોને બાકી નીકળતી શેરડીની  કિંમતો ચુકવવા સક્ષમ બનાવે છે.

સરકાર ખાંડની મિલોને વધારાની શેરડીને ઇથેનોલને ડાઇવર્ટ કરવા પણ પ્રોત્સાહન આપે છે, જેને પેટ્રોલ સાથે મિશ્ર કરવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ ઇંધણ તરીકે ઉપયોગી હોવાની સાથે ક્રૂડ ઓઇલની આયાત પર થતા વિદેશી હૂંડિયામણના ખર્ચને પણ બચાવે છે. 2018-19 અને 2019-20ની ખાંડની છેલ્લી 2 સિઝનમાં આશરે 3.37 એલએમટી અને 9.26 એલએમટી ખાંડને ઇથેનોલ તરફ ડાઇવર્ટ કરવામાં આવી છે. ખાંડની હાલની સિઝન 2020-21માં 20 એલએમટીથી વધારે ખાંડને ડાઇવર્ટ કરવામાં આવે એવી શક્યતા છે. ખાંડની આગામી સિઝન 2021-22માં આશરે 35 એલએમટી ખાંડને ડાઇવર્ટ કરવાનો અંદાજ છે અને વર્ષ 2024-25 સુધીમાં આશરે 60 એલએમટી ખાંડને ઇથેનોલમાં ડાઇવર્ટ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે વધારાની શેરડીની સમસ્યાનું સમાધાન કરશે તેમજ પેમેન્ટની ચુકવણીમાં વિલંબની સમસ્યાનું સમાધાન કરશે, કારણ કે ખેડૂતોને સમયસર ચુકવણી થઈ જશે.

ખાંડની છેલ્લી 3 સિઝનમાં ઇથેનોલનું વેચાણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)ને કરવાથી ખાંડની મિલો/ડિસ્ટિલરીઝને આશરે રૂ. 22,000 કરોડની આવક થઈ હતી. ખાંડની ચાલુ સિઝન 2020-21માં 8.5 ટકા પર ઓએમસીને ઇથેનોલનું વેચાણ કરીને ખાંડની મિલોએ આશરે રૂ. 15,000 કરોડ પેદા કર્યા છે. એમાં આગામી 3 વર્ષમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા છે, કારણ કે અમે વર્ષ 2025 સુધીમાં 20 ટકા સુધીનું મિશ્રણ કરીશું.

ખાંડની અગાઉની સિઝન 2019-20માં શેરડી પેટે બાકી નીકળતી આશરે રૂ. 75,845 કરોડ ચુકવવાપાત્ર હતી, જેમાંથી રૂ. 75,703 કરોડની ચુકવણી થઈ ગઈ છે અને ફક્ત રૂ. 142 કરોડની ચુકવણી બાકી છે. ખાંડની ચાલુ સિઝન 2020-21માં પણ શેરડીની બાકી નીકળતી ચુકવવાપાત્ર રકમ રૂ. 90,959 કરોડ છે, જેમાંથી રૂ. 86,238 કરોડની ચુકવણી ખેડૂતોને થઈ ગઈ છે. નિકાસમાં વધારો અને શેરડીનું ઇથેનોલમાં ડાઇવર્ઝન ખેડૂતોને સમયસર શેરડીની કિંમતમાં ચુકવણી સુનિશ્ચિત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news