Bengal Election: નક્સલીમાંથી અભિનેતા....ત્યારબાદ રાજનેતા, જાણો મિથુન દાની કેટલીક અજાણી વાતો

બોલીવુડના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ રવિવારે ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને રાજકીય ગરમાવો વધારી દીધો છે. મિથુન ચક્રવર્તી માટે આ કઈ પહેલીવાર નથી કે તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયા છે. 70 વર્ષના મિથુન ચક્રવર્તી પોતાના વિદ્યાર્થી જીવનમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સિસ્ટ-લેનિસ્ટ)ના સભ્ય રહ્યા હતા. 
Bengal Election: નક્સલીમાંથી અભિનેતા....ત્યારબાદ રાજનેતા, જાણો મિથુન દાની કેટલીક અજાણી વાતો

નવી દિલ્હી: બોલીવુડના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ રવિવારે ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને રાજકીય ગરમાવો વધારી દીધો છે. મિથુન ચક્રવર્તી માટે આ કઈ પહેલીવાર નથી કે તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયા છે. 70 વર્ષના મિથુન ચક્રવર્તી પોતાના વિદ્યાર્થી જીવનમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સિસ્ટ-લેનિસ્ટ)ના સભ્ય રહ્યા હતા. 

વર્ષ 2014માં તેઓ વર્તમાનમાં રાજ્યની સત્તા પર બિરાજેલા મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં પણ જોડાયા હતા. ટીએમસી (TMC) એ  તેમને રાજ્યસભા સદસ્ય તરીકે સંસદમાં મોકલ્યા હતા. જ્યાં તેઓ એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી સભ્ય રહ્યા. પરંતુ ત્યારબાદ તેમણે પાર્ટી અને રાજ્યસભા સાંસદના પદેથી રાજીનામું આપી દીધુ હતું. 

મિથન ચક્રવર્તી (Mithun Chakraborty) નું અસલ નામ ગૌરાંગ ચક્રવર્તી છે. 19 જૂન 1950ના રોજ તેમનો જન્મ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ કોલકાતાના ઓરિએન્ટલ સમિનરી સ્કૂલમાં થયું. ત્યારબાદ તેમણે કોલકાતાના જ સ્કોટિશ ચર્ચ કોલેજથી રસાયણ શાસ્ત્રમાં બીએસસીની ડિગ્રી મેળવી. ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે પૂણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધુ અને અહીંથી ફિલ્મી કરિયર શરૂ થઈ. 

ફિલ્મો તરફ વળ્યા તે પહેલા મિથુન ચક્રવર્તીની શાખ નક્સલી તરીકેની હતી. તેમના એકમાત્ર ભાઈનો કરન્ટ લાગવાથી મોત થયું હતું. આ દુખદ ઘટનાના કારણે તેમણે તે રસ્તો છોડીને પરિવાર પાસે પાછું ફરવું પડ્યું. નક્સલીઓનો સાથ છોડીને તેમણે પોતાનો જીવ પણ જોખમમાં નાખ્યો હતો. જ્યારે મિથુન દા નક્સલીઓ સાથે હતા ત્યારે તે સમયના લોકપ્રિય નક્સલી નેતા રવિ રાજનના મિત્ર બની ગયા હતા જેમને તેમના મિત્રો 'ભા' કહીને બોલાવતા હતા. જેનો અર્થ થાય છે સૌથી મોટો રક્ષક. 

ઘર વાપસી બાદ તેમણે ફિલ્મો તરફ ડગ માંડ્યા. 1976માં તેમને બોલીવુડ ડેબ્યુની તક જાણીતા બંગાળી દિગ્દર્શક મૃણાલ સેને ફિલ્મ મૃગ્યાથી આપી. આ ફિલ્મમાં મિથુન દાના ખુબ વખાણ થયા અને તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. ત્યારબાદ તેઓ અમિતાભ બચ્ચન અને રેખાની વર્ષ 1976માં આવેલી ફિલ્મ દો અન્જાનેમાં સ્પેશિયલ અપેરન્સમાં જોવા મળ્યા. 

લીડ એક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ મુક્તિ હતી. ત્યારબાદ અનેક ફિલ્મો કરી અને બહુ જલદી તેમણે હિન્દી ફિલ્મ જગતમાં એક મુકામ હાસલ કર્યો. વર્ષ 1982માં આવેલી ફિલ્મ ડિસ્કો ડાન્સરે તેમને દેશના દરેક ઘરમાં પહોંચાડી દેવાનું કામ કર્યું. 

રામકૃષ્ણ પરમહંસની ભૂમિકા બદલ મળ્યો હતો રાષ્ટ્રીય પુરસ્કાર
મિથુન દાને બીજીવાર રાષ્ટ્રીય પુરસ્કાર વર્ષ 1992માં બંગાળી ફિલ્મ તાહાદેર કથા માટે મળ્યો. આ ફિલ્મનું નિર્દેશન બુદ્ધદેવ દાસ ગુપ્તાએ કર્યુ હતું. મિથુન દાને ત્રીજીવાર નેશનલ એવોર્ડ વર્ષ 1998માં ફિલ્મ સ્વામી વિવેકાનંદમાં અભિનય માટે મળ્યો હતો. તેમને તે વખતે સર્વશ્રેષ્ઠ સહ અભિનેતા તરીકે પસંદ કરાયા હતા. ફિલ્મમાં તેમણે સ્વામી વિવેકાનંદનું જીવન બદલનારા ગુરુ રામકૃષ્ણ પરમહંસની ભૂમિકા ભજવી હતી. 

સૌથી રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું 15 ઓગસ્ટ 1998ના રોજ દૂરદર્શન પર પ્રીમીયર થયું હતું. ફિલ્મની સમીક્ષકોએ ખુબ ટીકા કરી હતી પરંતુ દરેક જણે રામકૃષ્ણ પરમહંસની ભૂમિકા ભજવનારા મિથુન દાના અભિનયના ખુબ વખાણ કર્યા હતા. સૌથી રસપ્રદ વાત એ હતી કે આ પુરસ્કાર મિથુન દાને એવા સમયે આપવામાં આવ્યો કે જ્યારે કેન્દ્રમાં ભાજપની 13 મહિનાવાળી સરકાર હતી. 

શારદા ચિટફંડ કૌભાંડના કારણે ટીએમસીથી છૂટા પડ્યા
જ્યારે મમતા બેનર્જીએ પહેલીવાર પશ્ચિમ બંગાળની કમાન સંભાળી તો ત્યારબાદ મિથુન દાને રાજકારણમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધુ. ત્યારબાદ વર્ષ 2016માં રાજ્યસભા સાંસદ બન્યા પરંતુ જ્યારે તેમનું નામ શારદા કૌભાંડમાં આવ્યું તો સ્થિતિ બદલાઈ ગઈ. તેઓ શારદા કંપનીના એમ્બેસેડર હતા. આવામાં પોલીસે તેમની પણ પૂછપરછ કરી અને કંપનીથી મળેલા એક કરોડ વીસ લાખ રૂપિયા એમ કહીને પાછા આપી દીધા કે તેઓ કોઈને ચીટ કરવા માંગતા નથી. ત્યારબાદ ટીએમસી અને તેમની વચ્ચે અંતર વધી ગયું અને તેમણે રાજનીતિમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. રાજ્યસભામાંથી પણ રાજીનામું આપી દીધુ હતું. 

હાલમાં જ મિથુન દાએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત કરી હતી. આ બેઠકના અનેક અર્થ તારવવામાં આવ્યા હતા. રાજકારણમાં તેમની વાપસીની પણ વાત કરાઈ હતી. પરંતુ હવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. મિથુન દા ભાજપમાં જોડાઈ ગયા. હવે જોવાનું એ રહેશે કે તેમનો લાભ ભાજપને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કેટલો મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news