ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ખુબ હોબાળો, કાર્યવાહી 2 જાન્યુઆરી સુધી સ્થગિત
મુસ્લિમ સમુદાયમાં ટ્રિપલ તલાક પ્રથાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ટ્રિપલ તલાક બિલને આજે રાજ્યસભામાં રજુ કરવાનું હતું. પરંતુ ખુબ હોબાળો મચતા કાર્યવાહી 2 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી.
Trending Photos
નવી દિલ્હી: નવી દિલ્હી: રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલને લઈને ખુબ હોબાળો થયો. આટલા હોબાળા બાદ સદનની કાર્યવાહી બે જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી. સંસદીય કાર્ય રાજ્યમંત્રીનું કહેવું છે કે કોંગ્રેસ તરફથી સેલેક્ટ કમિટીમાં મોકલવા માટે કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ બાજુ રાજ્યસભાની કાર્યવાહી સતત ખોરવાઈ જતા વિપક્ષી દળોએ સત્તાપક્ષને તે માટે દોષિત ઠેરવ્યો છે. અત્રે જણાવવાનું કે આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજુ થવાનું હતું. આ માટે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના સભ્યોને વ્હિપ જારી કરીને સદનમાં હાજર રહેવા પણ જણાવ્યું હતું.
ટ્રિપલ તલાક બિલને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદમાં બેઠક થઈ હતી. જેમાં ભાજપ અધ્યક્ષ તથા રાજ્યસભા સાંસદ અમિત શાહ, નાણામંત્રી અરુણ જેટલી અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતાં. આ સાથે જ વિપક્ષી દળોની પણ સંસદભવનમાં એક બેઠક યોજાઈ હતી. સરકાર તરફથી આ બિલ લોકસભામાં રજુ થઈ ચૂક્યું છે અને ભારે હોબાળા વચ્ચે પાસ પણ થઈ ગયું.
ભાજપ અને કોંગ્રેસ તરફથી વ્હિપ જારી કરાયુ હતું
સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસે વ્હિપ જારી કરીને પોતાના સભ્યોને આજે સદનમાં હાજર રહેવા જણાવ્યું હતું. અન્ય પક્ષોએ પણ પોત પોતાના સાંસદોને બિલ રજુ થાય ત્યારે સદનમાં હાજર રહેવા જણાવ્યું હતું. કોંગ્રેસે પોતાના સાંસદોની બેઠક બોલાવી હતી. અનેક વિપક્ષી દળો પણ વિપક્ષના નેતા ગુલામનબી આઝાદની ચેમ્બરમાં મુલાકાત કરીને આ મુદ્દે સદનમાં પોતાની રણનીતિ તૈયાર કરી હતી.
પ્રવર સમિતિને મોકલવાની માગણી
વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલ સામે વિરોધ પક્ષોનો આકરો વિરોધ છે. વિપક્ષ તેની તપાસ માટે પ્રવર સમિતિમાં મોકલવાની માગણી કરી રહ્યો છે. વિપક્ષે ટ્રિપલ તલાક બિલની મજબુત જોગવાઈઓ પર સવાલ ઉઠાવ્યાં છે. સદનના સભાપતિ એમ વેંકૈયા નાયડુના સાસુના નિધનના કારણે આજે તેઓ સદનમાં હાજર રહે તેવી શક્યતા ઓછી છે. જ્યારે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સદનની કાર્યવાહીનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી શકે છે.
રવિશંકર પ્રસાદ બિલ રજુ કરવાના હતાં
કાયદામંત્રી રવિશંકર પ્રસાદ ઉપલા ગૃહમાં આ બિલને રજુ કરવાના હતાં. બિલને ગુરુવારે વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. બિલના પક્ષમાં 245 જ્યારે વિરોધમાં 11 મતો પડ્યા હતાં. રવિશંકર પ્રસાદે શુક્રવારે દાવો કર્યો હતો કે રાજ્યસભામાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ પાસે પર્યાપ્ત સંખ્યાબળ નથી પરંતુ સદનમાં આ બિલને સમર્થન મળશે. બિલને સોમવારે રાજ્યસભામાં વિધાયી એજન્ડામાં સામેલ કરાયું છે.
એનડીએ પાસે 93 અને યુપીએ પાસે 112 સભ્યોની સંખ્યા
રાજ્યસભામાં સંખ્યાબળ વિપક્ષના સમર્થનમાં છે જ્યાં યુપીએ પાસે 112 સભ્યો અને એનડીએ પાસે 93 સભ્યો છે. એક સીટ ખાલી છે જ્યારે બાકીના અન્ય દળોના 39 સભ્યો એનડીએ કે યુપીએ સાથે જોડાયેલા નથી અને તેઓ વિવાદાસ્પદ બિલને પસાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
તમામ પક્ષો પાસે મંગાયુ સમર્થન
સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વિજય ગોયલે પણ આ બિલને પાસ કરવામાં તમામ પક્ષોનું સમર્થન માંગ્યું છે. પ્રસ્તાવિત કાયદામાં એકવારમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર અને શૂન્ય ગણાવવામાં આવ્યાં છે. આમ કરનાર પતિને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. તામિલનાડુમાં સત્તારૂઢ અન્નામુદ્રક અને વિપક્ષી દળ દ્રમુક વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલનો આજે વિરોધ કરશે. આ વાત બંને પક્ષઓએ રવિવારે જણાવી હતી. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ 2018 હેઠળ મુસ્લિમો વચ્ચે ટ્રિપલ તલાકને અપરાધિક કૃત્ય ગણાવવામાં આવ્યું છે.
અન્નાદ્રમુકે કર્યું વિરોધનું એલાન
ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (અન્નાદ્રમુક)ના નેતા અને લોકસભામાં ઉપાધ્યક્ષ એમ થંબીદુરઈએ કહ્યું કે અમે ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરીએ છીએ. તેમણે કહ્યું કે અન્નાદ્રમુકનું કર્તવ્ય છે કે અલ્પસંખ્યકોના કલ્યાણની રક્ષા કરે. અમારા મુસ્લિમ ભાઈઓ વિરુદ્ધ આ બિલનો અન્નામુદ્રક સંપૂર્ણ રીતે વિરોધ કરશે. દ્રવિડ મુનેત્ર કડગમના નેતા અને રાજ્યસભાના સભ્ય કનિમોઝીએ કહ્યું કે ટ્રિપલ તલાકને અપરાધી બનાવવાના વિરોધમાં તેમની પાર્ટીનું સ્ટેન્ડ મક્કમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે