હિન્દુસ્તાનના મુસ્લિમોને CAA સાથે કોઈ લેવાદેવા નથી: PM મોદી

દિલ્હીમાં અનાધિકૃત કોલોનીઓને નિયમિત કરવાના નિર્ણય પર આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ. દિલ્હી પ્રદેશ ભાજપે દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું. 

હિન્દુસ્તાનના મુસ્લિમોને CAA સાથે કોઈ લેવાદેવા નથી: PM મોદી

નવી દિલ્હી: દિલ્હીમાં અનાધિકૃત કોલોનીઓને નિયમિત કરવાના નિર્ણય પર આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ. દિલ્હી પ્રદેશ ભાજપે દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ ફૂંકી દીધુ છે. રામલીલા મેદાનમાં મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતાં. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરનારા લોકોને આડે હાથ લીધા હતાં. 

લાઈવ અપડેટ્સ...

- હું તમામ આંદોલનકારીઓને અહિંસાનો રસ્તો અપનાવવાની અપીલ કરું છું. 

- કોંગ્રેસના લોકો 2 દાયકાથી મારી પાછળ પડ્યા છે. જેટલી નફરત આ લોકો મને કરે છે, દેશની જનતા તેટલો જ સ્નેહ મારા પર વરસાવે છે. આ લોકો ગીધની જેમ મને નોંચતા રહેશે તો પણ હું દેશ માટે મરતો રહીશ. તમારા આશીર્વાદ આ લોકોનું દરેક કાવતરું નિષ્ફળ બનાવશે. દિલ્હીના સાથીઓ તમારો સ્નેહ હોઈને હું કઈંક માંગવા માંગુ છું. મારો તમને આગ્રહ છે કે તમે દિલ્હીમાં જે વિસ્તારમાં રહો છો ત્યાં આગામી એક સપ્તાહ સુધી સફાઈ અભિયાન ચલાવો અને 1 જાન્યુઆરી નવા વર્ષનું સ્વાગત વધુ ચોખ્ખી દિલ્હીથી કરો. બીજુ કામ આ જ રીતે સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી પણ તમારા વિસ્તારને મુક્તિ અપાવવા માટે કરો. તમારે તમારી કોલોનીને સ્વચ્છ બનાવવાનો છે. 

- સીએએ વિરુદ્ધ પ્રદર્શનમાં લોકો ત્રિરંગો લઈને નીકળે છે. કેટલાક હિંસા કરે છે. ત્રિરંગો ઉઠાવવાનો અધિકાર છે પરંતુ જવાબદારી પણ છે. કોંગ્રેસ અને તેના સહયોગી એટલા માટે પણ ધૂંધવાયા છે કારણ કે આખરે મુસ્લિમ દેશોમાં મોદીને આટલું સન્માન કેમ મળે છે. અમે પોતે પાકિસ્તાનના પીએમને અહીં બોલાવ્યાં હતાં. હું પોતે પાકિસ્તાન ગયો હતો. પરંતુ મને  દગો મળ્યો. આજે ઈસ્લામી દેશો સાથે અમારા સારા સંબંધ છે. પેલેસ્ટાઈન, ઈરાન, સાઉદી અરેબિયા, જોર્ડન જેવા દેશો સાથે ભારતના સંબંધો નવી ઊંચાઈએ છે. કોંગ્રેસને પરેશાની થઈ રહી છે કે મોદીને મુસ્લિમ દેશોનું સમર્થન મળી રહ્યું છે તો તેમના જૂઠ્ઠાણુ અને મુસ્લિમોને ડરાવવાના કારનામા સામે આવી જશે. તેમને ચિંતા છે કે જો મોદીને ઈસ્લામિક દેશોમાં સમર્થન મળતું રહ્યું તો અમે મુસલમાનોને કેવી રીતે ડરાવીશું. હું મુસ્લિમોને કહીશ કે તેમના ટેપ રેકોર્ડ ન સાંભળો, અમારા ટ્રેક રેકોર્ડ જુઓ, તમે આશ્વસ્ત રહો. તમારો આ સેવક દેશની એક્તા, શાંતિ, સદભાવના માટે ક્યારેય પાછો નહીં હટે. 

— ANI (@ANI) December 22, 2019

- મમતા દીદી આજે નાગરિકતા કાયદા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. તમે કોનો વિરોધ અને કોનું સમર્થન કરી રહ્યા છો તે દેશ જોઈ રહ્યો છે. આજે જે ડાબેરીઓને ભારતની જનતા નકારી ચૂકી છે, આજે તેના દિગ્ગજ, તેમના નેતા પ્રકાશ કરાતે કહ્યું હતું કે ધાર્મિક સતામણીના કારણે બાંગ્લાદેશથી આવનારાઓની મદદ કરવામાં આવે. આજે આ જ લોકો એવા લોકોને નાગરિકતા આપવાની ના પાડી રહ્યાં છે. એટલે કે આ લોકો તે સમયે ખોટું બોલી રહ્યાં હતાં. 

- મમતાદીદી તો સીધા યુએન પહોંચી ગયાં. પરંતુ આ જ મમતાદીદીએ થોડા વર્ષો પહેલા સંસદમાં ઊભા થઈને ગુહાર લગાવી હતી કે બાંગ્લાદેશથી આવતા ઘૂસણખોરોને રોકવામાં આવે. ત્યાંથી આવતા શરણાર્થીઓની મદદ કરવામાં આવે. સંસદમાં સ્પીકર તરફ કાગળો ફેંક્યા હતાં. મમતાદીદી તમને હવે શું થઈ ગયું. કેમ તમે અફવા ફેલાવી રહ્યાં છો, આટલા ડરેલા કેમ છો, બંગાળની જનતા પર ભરોસો કરો. બંગાળના નાગરિકોને તમે તમારા દુશ્મન કેમ માની લીધા. 

- આપણા પૂર્વ  પીએમ મનમોહન સિંહે  કહ્યું હતું કે બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણીના શિકાર લોકોને ભારતની નાગરિકતા મળવી જોઈએ. તરુણ ગોગોઈએ કેન્દ્રને પત્ર લખ્યો હતો કે  બાંગ્લાદેશમાં જે લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે તેમની મદદ કરવી જોઈએ. પહેલા અશોક ગહેલોતે  પણ શરણાર્થીઓ માટે હમદર્દી વ્યક્ત કરી હતી. ગહેલોતે માગણી કરી હતી કે જે હિન્દુ કે શીખ પાકિસ્તાનથી ભાગીને આવ્યાં છે તેમની સ્થિતિ સુધારવામાં આવે. 

— ANI (@ANI) December 22, 2019

- મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખ સાથીઓને જ્યારે લાગે કે તેમને ભારત જવું છે તો તેમનું સ્વાગત છે. હું આ કહેતો નથી. આ પૂજ્ય મહાત્મા ગાંધીએ કહ્યું હતું. સીએએમાં જે આજે છૂટ અપાઈ છે તે વચન મહાત્મા ગાંધીનું હતું અને અમે તેને નિભાવી રહ્યા છીએ. અરે સવાલ ઉઠાવનારા ગાંધીની સરનેમનો ઉપયોગ કરનારા મારી વાત ન માનો પરંતુ મહાત્મા ગાંધીની વાત તો માનો. 

- કોઈ પણ શરણાર્થી ભારત આવે છે તો તે સૌથી પહેલા સરકારી ઓફિસમાં જઈને પોતાની આપવીતિ જણાવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પાકિસ્તાનથી આવ્યો છું, મારી મદદ  કરો. પરંતુ શું ઘૂસણખોરો એવું કરે છે? સીધો મોટો ફરક છે. ઘૂસણખોરો ક્યારેય પોતાની ઓળખ બતાવતા નથી. અને શરણાર્થીઓ પોતાની ઓળખ છૂપાવતા નથી. ઘૂસણખોરોને ડર લાગે છે કે તેમની સચ્ચાઈ હવે સામે આવી જશે. દિલ્હીથી વધુ શરણાર્થીઓનું દર્દ કોણ સમજી શકે. આ જે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે એવા લોકોના જખમો પર મીઠું ભભરાવવા જેવું નથી?

- પાકિસ્તાનમાં રહેતા હિન્દુ દલીતો સાથે ભેદભાવ થાય છે. ત્યાં દીકરીઓનું શોષણ થાય છે, તેમનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન થાય છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક યાતનાઓ ઝેલી રહેલા લોકો માટે આ કાયદો છે. હું દલીત રાજકારણ રમતા લોકોને પૂછવા માંગુ છું કે જો દલિતોના હિત માટે મોદી સરકાર કામ કરી રહી છે તો તમારા પેટમાં કેમ ચૂંકે છે. અહીં દિલ્હીમાં એક મજનૂ કા ટીલા છે. જ્યારે  બે અઠવાડિયા પહેલા જ આવા એક શરણાર્થીના ઘરમાં પુત્રીનો જન્મ થયો અને તેના માતા પિતાએ તેનું નામ નાગરિકતા રાખ્યું. જો કોઈનું ભલું થતું હોય તો આ વિરોધી પક્ષોને શું તકલીફ થાય છે. 

- મારી સરકાર આવ્યાં બાદથી લઈને આજ સુદી ક્યાંય પણ એનઆરસી શબ્દ પર કોઈ ચર્ચા થઈ નથી. સુપ્રીમ કોર્ટના કહેવા પર ફક્ત આસામ માટે આ વાત થઈ. શહેરોમાં રહેતા કેટલાક ભણેલા ગણેલા અર્બન નક્સલો એવી અફવા ફેલાવી રહ્યા છે કે બધા મુસલમાનોને ડિટેન્શન સેન્ટરોમાં મોકલી દેવાશે. હું સ્તબ્ધ છું કે ભણેલા ગણેલા લોકો પણ તેના પર વિશ્વાસ મૂકી રહ્યા છે. એકવાર વાંચો તો ખરા. હું દેશના યુવાઓને આગ્રહ કરું છું કે જરા વાંચો તો ખરા. જે હિન્દુસ્તાનની માટીના મુસલમાનો છે, જેમના પૂર્વજો માતા ભારતની સંતાન છે, તેમને નાગરિકતા કાયદો કે એનઆરસી બંને સાથે કોઈ લેવાદેવા નથી. મુસલમાનોને ડિટેન્શન સેન્ટરોમાં મોકલવામાં આવી રહ્યાં છે તે વાત અફવા છે, ભારતમાં કોઈ ડિટેન્શન સેન્ટરો જ નથી. 

— ANI (@ANI) December 22, 2019

- જૂઠ્ઠાણું વેચનારા અને અફવાઓ ફેલાવનારા બે પ્રકારના લોકો છે, જેમની રાજનીતિ દાયકાઓ સુધી વોટબેંક પર જ ટકી છે. ભાઈઓ સીએએને ભારતના  કોઈ પણ નાગરિક સાથે કોઈ લેવાદેવા નથી. આ કાયદાને દેશમાં રહેતા 130 કરોડ લોકો સાથે કોઈ લેવાદેવા નથી. બીજી વાત એનઆરસી તો કોંગ્રેસના સમયમાં બન્યો હતો. ત્યારે સૂઈ ગયા હતાં કે શું. અમે તો આ બનાવ્યું નથી. પાર્લિયામેન્ટમાં આવ્યું નથી. કોઈ પણ અર્થ વગર બબાલ ઊભી કરાઈ રહી છે. જ્યારે અમે તમને લોકોને ઘર અધિકૃત કરી રહ્યાં છે તો શું બીજો કાયદો તમને કાઢી મૂકવા માટે બનાવીશું કે શું. 

- તાજેતરમાં અનાજમંડીમાં લાગેલી આગમાં પોલીસ કોઈનો ધર્મ પૂછીને લોકોને બચાવવા નહતી ગઈ. પરંતુ બને તેટલું લોકોને સુરક્ષિત કાઢવામાં મથી હતી. તમે પોલીસ પર હુમલા કરી રહ્યાં છો. દેશની જૂની પાર્ટીના નેતાઓ ઉપદેશ આપી રહ્યા છે. પરંતુ શાંતિનો સંદેશ આપવા માટે કશું કહેતા નથી. તેનાથી ખબર પડે છે કે આ હિંસામાં તમારી મૌન સહમતિ છે. 

- તમને મોદીથી નફરત છે, તો મોદીના પૂતળા બાળો, પરંતુ દેશની સંપત્તિ ન બાળો, ગરીબોની રીક્ષા ન બાળો, ગરીબોની ઝૂંપડી ન બાળો. તમારો જેટલો ગુસ્સો છે તે મોદી પર કાઢો. ગરીબોને મારીને શું મળશે. જે લોકો પોલીસવાળાઓ પર પથ્થર ફેંકી રહ્યા છે. તેમને પૂછવા માંગુ છું કે પોલીસકર્મીઓને મારવાથી તમને શું મળશે? પોલીસકર્મીઓ કોઈના દુશ્મન હોતા નથી. આઝાદી બાદ 33 હજાર અમારા પોલીસભાઈઓએ શાંતિ અને સુરક્ષા માટે શહાદત આપી છે. 33 હજારનો આંકડો ઓછો નથી. તમે બેદર્દીથી કોને મારી રહ્યાં છો. જ્યારે કોઈ સંકટ આવે છે તો પોલીસ ન તો  ધર્મ જુએ છે, ન જાત, દિવસ ન રાત. તમારી મદદ માટે તેઓ ઊભા રહે છે. 

— ANI (@ANI) December 22, 2019

- ખોટા આરોપ લગાવીને આવા લોકો ભારતને દુનિયામાં બદનામ કરી રહ્યાં છે. જે પ્રકારે બાળકોની શાળાની બસો પર હુમલો થયો, લોકોની ગાડીઓ બાળી મૂકી. ભારતના પ્રમાણિક ટેક્સપેયરના પૈસે બનેલી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તેમનું રાજકારણ કેવું છે, તેમના ઈરાદા કેવા છે, તે દેશ સારીપેઠે સમજી ગયો છે. હું જાણું છું કે પહેલીવાર જ્યારે હું જીતીને આવ્યો તો જે લોકો નહતા ઈચ્છતા તેમને સમજમાં જ ન આવ્યું. બીજીવાર જીતી ન શકું તે માટે બધી કોશિશ કરી. પરંતુ દેશની જનતાએ પહેલા કરતા વધુ આશીવાર્દ આપ્યાં. આ આઘાત તેઓ હજુ પણ સહન કરી શકતા નથી. જે દિવસથી પરિણામ આવ્યાં છે તે દિવસથી આ લોકો દેશમાં તોફાન સર્જવાની તાકમાં છે. તેમના ઈરાદા છે પરંતુ દેશની જનતા સાથ આપતી નથી. 

- હું જૂઠ્ઠાણું ફેલાવનારાઓને પડકારું છું કે મારા કોઈ નિર્ણયમાં જો ભેદભાવ દેખાતો હોય તો દેશની સામે લાવીને રજુ કરો. અમે ફક્ત ગરીબની ગરીબીને જોઈ. તો પછી કેટલાક લોકો કેમ ખોટું બોલી રહ્યાં છે. દેશને ગુમરાહ  કરી રહ્યાં છે. આવા લોકોએ યાદ કરવું જોઈએ કે અમે ગરીબોની ભલાઈ માટે થઈને યોજનાઓના લાભાર્થીઓ માટે દસ્તાવેજો સુદ્ધા નથી જોયા. અમે નક્કી કર્યું કે અમારી દરેક સ્કીમનો લાભ દરેક  ગરીબને મળશે. જાતિ ધર્મ કઈ નહીં જોવામાં આવે. ઉજ્જવલા માટે, આવાસ યોજના માટે, મફત વીજળી કનેક્શન માટે સરકારે પોતે સામેથી લોકોના ઝૂંપડા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. અમે ક્યારેય કોઈને પૂછ્યું નથી કે તમે ક્યાં જાઓ છો..મંદિર કે મસ્જિદ. અમે જનતાને ફક્ત લાભ પહોંચાડ્યો છે. 

- નાગરિકતા કાયદો હાલમાં જ દેશની સંસદે પાસ કર્યો છે. આપણે આપણી સંસદનું સન્માન કરવું જોઈએ. નાગરિકતા કાયદાને લઈને લોકતંત્રનું સન્માન કરવું જોઈએ. કેટલાક લોકો ભ્રમિત કરી રહ્યાં છે. જ્યારે અમે દિલ્હીની ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાનું કામ કર્યું હતું તો શું કોઈએ પૂછ્યું હતું કે તમે કયા પાર્ટીના વોટર છો. તમે કયા ધર્મના છો. શું અમે કોઈ પુરાવા માંગ્યા હતાં. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ હિન્દુઓ, મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓ સહિત તમામને મળ્યો. અમે આમ કેમ કર્યું. કારણ કે અમે દેશ સાથે લગાવના કારણે જીત્યા છીએ. અમે 'બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ' મંત્ર પ્રત્યે સમર્પિત છીએ. 

— ANI (@ANI) December 22, 2019

- આ લોકો જે પ્રકારે પોતાના સ્વાર્થ અને રાજકારણ માટે કઈ હદે જઈ રહ્યાં છે તે તમે ગત સપ્તાહે જોયું છે. જે પ્રકારે લોકોને ભડકાવ્યાં. ખોટા વીડિયો ઉચ્ચ સ્તરે બેઠેલા લોકોએ સોશિયલ મીડિયામાં શેર કર્યાં. 

- દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સૌથી મોટી જે સમસ્યા સામે છે તેની સામે આંખ બંધ કરીને બેઠી છે અને તે છે ગંદા પાણીની સમસ્યા. શું દિલ્હીવાળા દિલ્હી સરકારના સ્વચ્છ પાણીના વચન સાથે સહમત છે? તમને બીમારીથી ડર લાગે છે કે નહી? શું દિલ્હીવાળા ખોટું બોલી રહ્યાં છે? આ કેવા આરોપ દેશના નાગરિકો લગાવી રહ્યાં છે. દિલ્હીના લોકોને જે પણ કઈ કહેવાયું તેની સચ્ચાઈ લોકો જોઈ રહ્યાં છે. આજે દિલ્હીમાં સૌથી વધુ વોટર પ્યુરિફાયર રોજેરોજ વેચાય છે. લોકોએ આ ખર્ચો કેમ કરવો પડે છે.

- દિલ્હીમાં બસોની હાલાત ખરાબ છે, ઓફિસે જવા આવવા માટે દિલ્હીના લોકોને ઓછામાં ઓછી પરેશાની થાય તેનો અમે સતત પ્રયત્ન કર્યો છે. દિલ્હીની અંદરના રસ્તાઓ પર ધ્યાન આપવાની સાથે સાથે અમે દિલ્હીની આસપાસ પેરિફેરલ એક્સપ્રેસ વે બનાવવાનું કામ કર્યું. આ અગાઉની સરકારોએ તેને લટકાવી રાખ્યું. તેના બની જવાથી 30-40 હજાર ટ્રક દિલ્હીમાં આવતી નથી પરંતુ બહારથી જ નીકળી જાય છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાને પણ ઓછી કરવાનો પ્રયત્ન થયો. દિલ્હીમાં પ્રદૂષણને ઓછુ કરવા માટે અમે સેંકડો સીએનજી સ્ટેશન લગાવ્યાં. હજારો ઈંટની ભઠ્ઠીઓને નવી ટેક્નોલોજી સાથે જોડાઈ. પરાળી બાળવા માટે આસપાસના રાજ્યોની મદદ કરી છે. તેમનો સાથ આપ્યો છે. 

- અમારી સરકારે 1700 કોલોનીઓને નિયમિત કરવાની બીડું ઉઠાવ્યું. દિલ્હીમાં વાર્ષિક લગભગ 25 કિમી નવા મેટ્રો રૂટ બની રહ્યાં છે. 

— ANI (@ANI) December 22, 2019

- ગત સરકારોએ ગરીબો માટે કશું કર્યું નથી, પરંતુ દિલ્હીના મોંઘા વિસ્તારોમાં પોતાના નીકટના લોકો માટે ગેરકાયદે બંગલા બનાવી લીધા. જ્યારે હું ગરીબો માટે કઈંક કરવા લાગ્યો તો રોડા અટકાવવા લાગ્યાં. પરંતુ તેમને ખબર નથી કે હું મોદી છું. ધીમી ગતિએ કામ ન ચાલશે ન ચાલવા દઈશ. તેમના વીઆઈપી તેમને મુબારક, મારા વીઆઈપી તો તમે લોકો છો. ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાનું કામ મેં હાથમાં લીધું. 

- ચૂંટણીના સમયે બુલડોઝરના પૈડા થોડા સમય માટે અટકી જતા હતાં પરંતુ સમસ્યા તો ત્યાંની ત્યાં જ રહેતી હતી. તમારી આ સમસ્યાનું સ્થાયી સમાધાન કરવાની નિયત આ લોકોએ ક્યારેય ન બતાવી, હાલાત તો એ હતી કે લોકો કોલોનીઓ સંબંધીત નાની મોટી તૈયારીઓ માટે ભટકતા રહેતા હતાં. 

- જે લોકોએ દિલ્હીના લોકોને તેમના અધિકારથી દૂર રાખ્યા હતાં, જેમણે ભાત ભાતના રોડા નાખ્યાં, તેઓ આજે જોઈ શકે છે કે પોતાના ઘર પર અધિકાર મળવાથી શું આનંદ થયા છે તે આજે રામલીલા મેદાનમાં જોઈ શકાય છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશવાસીઓએ છળ કપટ અને ખોટા ચૂંટણી વાયદા ઝેલવા પડ્યાં.

- પીએમ મોદીએ દિલ્હીવાસીઓને સંબોધિત કરતા પોતાના ભાષણની શરૂઆત વિવિધતામાં એક્તા, ભારતની વિશેષતા નારાથી કરી. તેમણે કહ્યું કે જીવનમાંથી જ્યારે એક મોટી ચિંતા નીકળી જાય ત્યારે તેનું શું મહત્વ હોય છે તે આજે હું જોઈ રહ્યો છું. હું આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ જોઈ રહ્યો છું. 

— ANI (@ANI) December 22, 2019

- રેલીમાં પહોંચનારાએ પીએમ મોદીને દિલ્હીની 1700 કોલોનીઓને કાયદેસર કરવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હીની જનતા મોદીજીની સાથે છે. પીએમ મોદીએ ઐતિહાસિક કામ કર્યું છે. 
- સાંસદ વિજય ગોયલે કહ્યું કે આજની રેલીમાં પીએમ મોદીને લોકોના હસ્તાક્ષર કરેલો દસ્તાવેજ સોંપવામાં આવશે. 
- દિલ્હી ભાજપના અનેક નેતાઓ મંચ પર હાજર છે. દિલ્હી પ્રદેશ ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી, સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, સાંસદ રમેશ બિધૂડી, વિજય ગોયલ, પ્રવેશ સાહિબસિંહ વર્મા, મીનીક્ષી લેખી વગેરે મંચ પર હાજર છે. 

રેલીને ઐતિહાસિક બનાવવાની કોશિશ
રેલીને સફળ બનાવવા માટે ભાજપ (BJP) ના નેતાઓ છેલ્લા કેટલાય દિવસથી કાર્યરત હતાં. અલગ અલગ સ્થળો પર જઈને ખાસ કરીને અનાધિકૃત કોલોનીઓમાં નુક્કડ સભા, પદયાત્રા અને અન્ય કાર્યક્રમ આયોજિત કરીને લોકોને રેલીમાં પહોંચવાની અપીલ કરાઈ હતી. શનિવારે પણ નેતાઓ તેની તૈયારીઓમાં વ્યસ્ત હતાં. પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી, રાજ્યસભા સાંસદ વિજય ગોયલ, સંગઠનમંત્રી સિદ્ધાર્થન સહિત અનેક નેતાઓઓ તૈયારીઓની સમીક્ષા કરી. 

— BJP Delhi (@BJP4Delhi) December 22, 2019

વિરોધીઓને આપી શકે છે જવાબ
પીએમ મોદીની આ રેલી દરમિયાન  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) પણ એક મુદ્દો બની શકે છે. આ અગાઉ કોંગ્રેસે 14 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં જ રેલી કરી હતી જેમાં સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને અનેક આરોપ લગાવવામાં આવ્યાં હતાં. અત્રે જણાવવાનું કે નાગરિકતા કાયદાને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભાજપ હવે દેશમાં આ બિલના સમર્થનમા અને ગેરસમજ દૂર કરવા માટે 3 કરોડ પરિવારોની પાસે જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news