લાલ કૃષ્ણ આડવાણીઃ બે સાંસદવાળી પાર્ટીને પહોંચાડી બુલંદીએ, આજે બની ગયા ઈતિહાસ

ભારતીય રાજકારણમાં કદાચ આજે સૌથી વયોવૃદ્ધ નેતા લાલ કૃષ્ણ આડવાણી છે અને ભારતીય જનતા પાર્ટીનો દેશમાં ઉદય કરાવાનું શ્રેય પણ તેમને જાય છે. આડવાણીએ રાજકીય જીવનમાં હંમેશાં પરિવારવાદનો વિરોધ કર્યો છે. તેમનો પુત્ર કે પુત્રી બંનેમાંથી એક પણ રાજકારણમાં નથી. આડવાણીએ તેમને રાજકારણમાં પ્રવેશવા દીધા નથી. એક સમયે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આડવાણીની મુઠ્ઠીમાં છે, પરંતુ હવે આ વખતે લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાની સાથે જ 91 વર્ષના આડવાણીના રાજકીય સન્યાસના દિવસો શરૂ થઈ ગયા છે. 

લાલ કૃષ્ણ આડવાણીઃ બે સાંસદવાળી પાર્ટીને પહોંચાડી બુલંદીએ, આજે બની ગયા ઈતિહાસ

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીને બે સાંસદોવાળી પાર્ટીમાંથી મુખ્ય વિરોધ પક્ષ અને પછી સત્તાના સિંહાસન સુધી પહોંચાડવાનું શ્રેય જો કોઈને જાય છે તો તે છે રાજનીતિના લોરપુરુષ એટલે કે લાલ કૃષ્ણ આડવાણી. દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉદયમાં તેમનું સૌથી વધુ અને સૌથી મોટું યોગદાન રહ્યું છે. 

1990ના દાયકામાં રામ મંદિર આંદોલન અને રથયાત્રા દ્વારા આડવાણીએ સમગ્ર ભારત દેશમાં ભાજપની એક આગવી ઓળખ ઊભી કરી હતી. દેશમાં ભાજપની લહેર ઊભી કરવાનું શ્રેય આડવાણીને જાય છે. અહીંથી જ ભારતીય જનતા પાર્ટી મજબૂત થતી ગઈ અને પછી ધીમે-ધીમે તે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને પડકાર આપનારી મુખ્ય પાર્ટી બની હતી. 

8 નવેમ્બર, 1927ના રોજ કરાચીમાં જન્મ
લાલ કૃષ્ણ આડવામીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચી(પાકિસ્તાન)માં થયો હતો. આજે તેઓ 91 વર્ષની વયના છે, તેમ છતાં રાજનીતિમાં સંપૂર્ણ સક્રિય જોવા મળે છે. તેમણે અટલ બિહારી વાજપેયીના સહાયક તરીકે જનસંઘમાં રાજનીતિનું કામકાજ જોવાનું શરૂ કર્યું હતું. તેઓ 1977માં બનેલી જનતા પાર્ટીની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા હતા. અટલજીની સાથે આડવાણી અને મુરલી મનોહર જોશીએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું હતું. 

રાજકીય સફર 
આડવાણીનું નામ આજે સૌથી વધુ ચર્ચામાં આવી ગયું છે, તેનું કારણ તેઓ પ્રથમ વખત ગુજરાતની રાજધાની ગાંધીનગરની પોતાની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી નથી લડી રહ્યા. આ વખતે તેમને ગાંધીનગર બેઠક પર ટિકિટ મળી નથી. તેઓ આ બેઠક પર સતત 6 વખત જીત્યા છે અને સંસદમાં પહોંચ્યા છે. આવો, આડવાણીની રાજકીય સફર પર નજર નાખીએ...

લોકસભા ચૂંટણી 2019: જાણો...કેવી રીતે કપાઈ લાલ કૃષ્ણ આડવાણીની ટિકિટ

આડવાણી 1941માં માત્ર 14 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં પ્રચારક તરીકે જોડાયા હતા. 1951માં તેઓ ભારતીય જન સંઘના સભ્ય બન્યા અને પછી જનસંઘમાં જનલ સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા હતા. 1970માં તેઓ દિલ્હીથી રાજ્યસભાના સાંસદ તરીકે છ વર્ષની ટર્મ માટે ચૂંટાયા હતા. 

આડવાણીની રાજકીય યાત્રામાં ગાંધીનગરનું યોગદાન સૌથી મહત્વનું છે. ત્યાર પછી 1976થી 1982 સુધી તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા અને આ રીતે તેમનો ગાંધીનગર સાથે નાતો જોડાયો. તેઓ 1970થી 1989 એમ 19 વર્ષ સુધી રાજ્યસભામાંથી જ ચૂંટાઈને સાંસદ બનતા રહ્યા હતા. જેમાં તેઓ બે વખત મધ્ય પ્રદેશથી ચૂંટાયા હતા. 

1982માં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ અને અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા. તેમણે હિન્દુત્વના મુદ્દે 1984ની લોકસભા ચૂંટણી લડી પરંતુ પાર્ટીને માત્ર બે લોકસભા સીટ જ મળી. ત્યાર પછી ભાજપના રામજન્મભૂમિનો મુદ્દો મળ્યો અને તેણે તેને જોરશોરથી ઉઠાવ્યો. લાલકૃષ્ણ આડવાણીએ સમગ્ર દેશમાં ગુજરાતના સોમનાથથી શરૂ કરીને રથયાત્રા કાઢી અને પાર્ટીને દેશમાં મોટું જનસમર્થન મળી ગયું. 

1991માં 10મી લોકસભા ચૂંટણીમાં તેમણે ગાંદીનગર બેઠક પરથી ચૂંટણી લડી અને મોટો વિજય પ્રાપ્ત કર્યો. 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની અને રાષ્ટ્રપતિએ અટલ બિહારી વાજપેયીને સરકાર રચવા આમંત્રણ આપ્યું. જોકે, 13 દિવસમાં જ તેમની સરકાર પડી ગઈ.

જૈન હવાલા કાંડમાં નામ આવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું. 1996માં તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી હવાલા કાંડમાંથી તેમનું નામ દૂર થતું નથી તેઓ ચૂંટણી નહીં લડે. ક્લીન ચીટ મળ્યા બાદ 1998માં તેઓ ફરી ગાંધીનગરથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. ત્યાર પછી સતત 19 વર્ષ સુધી તેઓ આ સીટ પરથી જીતીને સંસદ પહોંચતા રહ્યા છે. 

આડવાણીએ ત્યાર પછી 1999, 2004, 2009 અને 2014માં આ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી છે. એટલું જ નહીં, સૌથી મોટા માર્જિન સાથે ચૂંટણી આ બેઠક પરથી ચૂંટણી જીતવાનો પણ તેમના નામે રેકોર્ડ છે. 90ના દાયકાનો ભાજપનો નારો હતો 'ભાજપા કી તીન ધરોહર, અટલ, આડવાણી, મુરલી મનોહર.'

દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી ચુકેલા 91 વર્ષના આડવાણી ગાંધીનગર લોકસભા સીટ પરથી 6 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. 1984ની લોકસભા ચૂંટણીમાં દેશમાં માત્ર બે લોકસભા બેઠક જીતનારી ભાજપના ઉદયનો શ્રેય આડવાણીને આપવામાં આવે છે. તેમણે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીને પાર્ટીના વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યાર બાદથી તેઓ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે. 

આડવાણીએ રાજકીય જીવનમાં હંમેશાં પરિવારવાદનો વિરોધ કર્યો છે. તેમનો પુત્ર કે પુત્રી બંનેમાંથી એક પણ રાજકારણમાં નથી. આડવાણીએ તેમને રાજકારણમાં પ્રવેશવા દીધા નથી. એક સમયે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આડવાણીની મુઠ્ઠીમાં છે, પરંતુ હવે આ વખતે લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાની સાથે જ 91 વર્ષના આડવાણીના રાજકીય સન્યાસના દિવસો શરૂ થઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news