કર્ણાટકમાં આજે ભાજપ સરકાર બનાવવાનો દાવો રજુ કરશે, રાહુલ ગાંધીએ કહ્યું- 'લાલચની જીત થઈ'
Trending Photos
બેંગ્લુરુ: કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર મંગળવારે બહુમત પરિક્ષણ કરી શકી નહી. બહુમત પરિક્ષણ દરમિયાન ભાજપના પક્ષમાં 105 જ્યારે કોંગ્રેસ-જેડીએસ સરકારના પક્ષમાં 99 મત પડ્યાં. આમ કુમારસ્વામી સરકાર વિશ્વાસ મત મેળવી શકી નહી. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 3 અઠવાડિયાથી ચાલતા રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે. મોડી રાતે રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કર્ણાટકમાં લાલચની જીત થઈ છે. આ બાજુ ભાજપના વિધાયક દળની આજે બેઠક થઈ શકે છે. ભાજપ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરશે.
રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે "પહેલા દિવસથી જ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને અંગત સ્વાર્થવાળા લોકો પોતાના નિશાના પર લાવ્યાં હતાં. આવા લોકોને આ ગઠબંધન જોખમ લાગતું હતું અને સત્તા મેળવવામાં તેમના રસ્તામાં વિધ્ન હતું. આજે કર્ણાટકમાં લાલચની જીત થઈ છે. લોકતંત્ર, પ્રમાણિકતા અને કર્ણાટકના લોકોની હાર થઈ છે."
From its first day, the Cong-JDS alliance in Karnataka was a target for vested interests, both within & outside, who saw the alliance as a threat & an obstacle in their path to power.
Their greed won today.
Democracy, honesty & the people of Karnataka lost.
— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2019
આ અગાઉ કોંગ્રેસના નેતા વેણુગોપાલે કર્ણાટકના ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કર્ણાટકની સરકારને કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મળીને પાડી છે. કોંગ્રેસ સમગ્ર દેશમાં પ્રદર્શન કરશે.
કોંગ્રેસના નેતા એચ કે પાટીલે કહ્યું કે કોંગ્રેસ-જેડીએસ સરકાર વિશ્વાસ મત મેળવી શકી નહી. આ હાર એટલા માટે થઈ કારણ કે અમારા ધારાસભ્યોએ અમને દગો કર્યો છે. અમે અનેક ચીજોના પ્રભાવ હેઠળ આવી ગયા હતાં. કર્ણાટકના લોકો આ પ્રકારનો દગો સહન કરશે નહીં.
BSPએ રાજ્યમાં પોતાના એકમાત્ર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
બહુજન સમાજ પાર્ટીએ કર્ણાટકમાં વિશ્વાસનો મત પ્રસ્તાવની મતદાન પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહેનારા પોતાના એકમાત્ર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. વિશ્વાસ પ્રસ્તાવ પર ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચાના અંત કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામીના નેતૃત્વવાળી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકારનું પતન થયું હતું. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને વિશ્વાસ મત દરમિયાન 99 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા.
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, 'કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના સમર્થનમાં વોટ આપવાના પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશનું ઉલ્લંઘન કરીને બીએસપીના ધારાસભ્ય એન. મહેશ આજે વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહ્યા હતા. આ બાબત શિસ્તભંગ દર્શાવે છે, જેને પાર્ટીએ અત્યંત ગંભીરતાથી લીધું છે. આથી, શિસ્તભંગના પગલાં સ્વરૂપે શ્રી મહેશને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.'
ભાજપ સરકાર બનાવવાનો દાવો રજુ કરશે
વિશ્વાસ મત હાર્યા બાદ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રાજભવન જઈને પોતાનું રાજીનામું સોંપ્યું જેને રાજ્યપાલ વજુભાઈ વાળાએ સ્વીકારી લીધુ છે. કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ યેદિયુરપ્પાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કુમારસ્વામીની હાર લોકતંત્રની જીત છે. કુમારસ્વામીની સરકારથી કર્ણાટક પરેશાન હતું. હું કર્ણાટકના લોકોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે હવે રાજ્યમાં વિકાસનો નવો યુગ શરૂ થશે.
જુઓ LIVE TV
કર્ણાટક ભાજપે કુમારસ્વામીની સરકાર પડતા પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ કર્ણાટકની જનતાની જીત છે. ભ્રષ્ટ અને અપવિત્ર ગઠબંધનના યુગનો અંત થયો. અમે તમને સ્થિર અને સક્ષમ સરકાર આપવાનું વચન આપીએ છીએ. અમે મળીને કર્ણાટકને સમૃદ્ધ બનાવીશું.
સ્થિતિ જોતા બેંગ્લુરુ શહેરમાં ગત સાંજે 6 વાગ્યાથી આગામી 48 કલાક સુધી કલમ 144 લાગુ કરાઈ છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર આલોકકુમારે કહ્યું કે આજે અને આવતી કાલે સમગ્ર દેશમાં કલમ 144 લાગુ રહેશે. તમામ પબ, દારૂની દુકાનો 25 જુલાઈ સુધી બંધ રહેશે. જો કોઈ તેનો ભંગ કરશે તો તેને દંડ ફટકારાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે