Video: આખરે ચીનના રોકેટનો કાટમાળ ભારતમાં કેવી રીતે પડ્યો? જાણો વિગતવાર માહિતી 

2 એપ્રિલની સાંજે  ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં લોકોએ અલગ અલગ સમયે આકાશમાં જે જોયું તે  ચીનના એક સ્પેસ રોકેટનો કાટમાળ હતો. આ રોકેટનો કાટમાળ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ગામ પાસે જઈને પડ્યો. પરંતુ જો તે કોઈ ઘર પર પડત તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે તેમ હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પણ થઈ શકે તેમ હતા. આથી આ મામલો બહુ ગંભીર છે.

Video: આખરે ચીનના રોકેટનો કાટમાળ ભારતમાં કેવી રીતે પડ્યો? જાણો વિગતવાર માહિતી 

નવી દિલ્હી: કલ્પના કરો કે જો ચીનનું કોઈ વિમાન ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ કોઈ રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય તો શું થશે? આ ઘટના ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સીધો પડકાર હશે અને શક્ય છે કે ત્યારબાદ બંને દેશો વચ્ચે ગતિરોધ એ હદે વધી જાય કે યુદ્ધની નોબત આવી જાય? એટલે કે આ પ્રકારની ઘટના બે દેશો વચ્ચે યુદ્ધ પણ કરાવી શકે છે. ચિંતાજનક વાત એ છે કે 2 એપ્રિલની સાંજે ભારતના કેટલાક વિસ્તારોમાં આવું થયું પણ ખરું. ફરક બસ એટલો જ છે કે આ ઘટનામાં વિમાનની જગ્યાએ ચીનના એક સ્પેસ રોકેટનો કાટમાળ હતો. જે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં લોકોએ અલગ અલગ સમયે આકાશમાં જોયો. 

ઉલ્કાપીંડ નહીં પણ ચીનના રોકેટનો કાટમાળ હતો
સ્પેસ રોકેટના આ કાટમાળમાં આગ લાગી હતી એટલે શરૂઆતમાં તો લોકોને એવું લાગ્યું કે ત્યાં કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હશે. આ સિવાય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલાક લોકો દ્વારા સ્થાનિક પોલીસને એવી સૂચના આપી કે આ કાટમાળ ઉલ્કાપીંડનો હોઈ શકે છે. ઉલ્કાપીંડ પથ્થર જેવા એ ટુકડાને કહેવાય છે જે અબજો કરોડો વર્ષોથી બ્રહ્માંડમાં તરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૂર્યના ચક્કર કાપતી વખતે દર વર્ષે અનેક હજારો ટન વજનના ઉલ્કાપીંડ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આ ઉલ્કાપીંડોને ખેંચે છે. આથી તેમની ગતિ બે લાખ કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની થઈ જાય છે અને આટલી ઝડપના કારણે આ ઉલ્કાપીંડ વાયુમંડળમાં પ્રવેશતાની સાથે જ ભડકે બળે છે અને નાના નાના ટુકડામાં વિખરાઈ જાય છે. પરંતુ જે ઉલ્કાપીંડ મોટા હોય છે તેમના કેટલાક ભાગ બળ્યા બાદ પૃથ્વી પર પડે છે. આ મામલે પણ એવી જ આશંકા વ્યક્ત કરાઈ હતી. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે આ વાતનો ઈન્કાર કર્યો છે અને Indian Space Research Organisation એટલે કે ISRO તરફથી કહેવાયું છે કે આ કાટમાળ ચીનના એક સ્પેસ રોકેટનો હોઈ શકે છે. જે ફેબ્રુઆરી 2021માં લોન્ચ થયું હતું. 

ચીને નથી આપી કોઈ જાણકારી
અમેરિકાના સ્પેસ કમાન્ડ સ્ટેશને આ વાતની જાણકારી એક એપ્રિલે જ આપી દીધી હતી કે ચીનના એક નિષ્ક્રિય સ્પેસ રોકેટે પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યો છે. જો કે ચીને હજુ સુધી આ મામલે કોઈ જાણકારી આપી નથી અને કદાચ એમ કરશે પણ નહીં. કારણ કે જો ચીન એવું સ્વીકારી લે કે તેના રોકેટનો કાટમાળ ભારતમાં આવીને પડ્યો છે તો આ બદલ ભારત United Nations માં પણ જઈ શકે છે. 

મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હતી
આ રોકેટનો કાટમાળ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ગામ પાસે જઈને પડ્યો. પરંતુ જો તે કોઈ ઘર પર પડત તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે તેમ હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પણ થઈ શકે તેમ હતા. આથી આ મામલો બહુ ગંભીર છે. આ કાટમાળમાં સ્થાનિક પોલીસને ફૂટબોલ આકારના કેટલાક ભાગ પણ મળ્યા છે. આ ઉપરાંત એક અવશેષનો આકાર રિંગ જેવો છે અને તેમાં કાણાં છે જેના પરથી એવું લાગે છે કે આ ભાગ કોઈ રોકેટનો જ છે. આથી હવે આ મોટી વાત એ છે કે જો આ કાટમાળનું વજન વધુ હોત તો તે કોી શહેરમાં કોઈ મોટી બિલ્ડિંગ સાથે ટકરાયો હોત તો શું થાત? કારણ કે જ્યારે આકાશમાંથી આવો કોઈ કાટમાળ પૃથ્વી પર આવે છે તો તેના પર કોઈ પણ ટેક્નિકનું નિયંત્રણ હોતું નથી અને તેની દિશા પણ બદલી શકાતી નથી. આથી આવી ઘટનાઓમાં કઈ પણ થઈ શકે છે. જેને પહોચી વળવા માટેની રણનીતિ કોઈની પાસે નથી. વર્ષ 1978માં સોવિયેત સંઘના એક અંતરિક્ષ યાનનો ભંગાર કેનાડામાં પડ્યો હતો. ત્યારબાદ કેનેડા અને સોવિયેત સંઘમાં તણાવ ખુબ વધી ગયો હતો અને કેનેડાએ તે સમયે આ ઘટના બદલ 6 મિલિયન ડોલરનું વળતર માંગ્યુ હતું. જે આજના ભારતીય ચલણ પ્રમાણે લગભગ 45 કરોડ રૂપિયા થાય. કહેવાનો અર્થ એ છે કે પૃથ્વીના વાયુમંડળમાં સ્પેસ રોકેટ અને અંતરિક્ષ યાનનો જે કચરો છે તેણે દુનિયાભરના દેશો સામે એક નવો પડકાર પેદા કર્યો છે. 

ઝડપથી વધી રહ્યા છે સેટેલાઈટ
વર્ષ 1967 સુધી એટલે કે 54 વર્ષ પહેલા સુધી પૃથ્વીના વાયુમંડળમાં 50થી પણ ઓછા સેટેલાઈટ હતા. પરંતુ આજે અંતરિક્ષમાં એક્ટિવ સેટેલાઈટની સંખ્યા 30 હજાર પાર થઈ ચૂકી છે. આ ઉપરાંત 3 હજાર સેટેલાઈટ એવા છે જેણે કામ કરવાનું બંધ કરી દીધુ છે અને આ સેટેલાઈટના ટુકડા અને અન્ય  કચરો અંતરિક્ષમાં તરી રહ્યો છે. આ કચરો ભવિષ્યમાં વધશે. એક અંદાજા મુજબ દુનિયાની ચાર મોટી પ્રાઈવેટ સ્પેસ કંપનીઓ સ્પેસ એક્સ, જેફ બેજોસની બ્લ્યુ ઓરિજિન, વન વેબ અને સ્ટારનેટ ફક્ત આ દાયકામાં જ 65 હજાર નવા સેટેલાઈટ અંતરિક્ષમાં લોન્ચ કરશે. જ્યારે આ સમગ્ર દુનિયામાં કુલ મળીને એકથી બે લાખ સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. 

આવી ઘટનાઓ બની શકે છે યુદ્ધનું કારણ
હવે જરા વિચારો, જ્યારે પૃથ્વીના વાયુમંડળમાં લાખો સેટેલાઈટ તરી રહ્યા હશે તો શું થશે. આવી સ્થિતિમાં બે કે તેનાથી વધુ સેટેલાઈટ વચ્ચે ટક્કરનું જોખમ વધી જશે. જો આપણે પૃથ્વીની વાત કરીએ તો અહીં બધુ નિર્ધારિત છે. કોઈ દેશ પાસે કેટલો ભૂખંડ છે તેની સરહદ ક્યાં સુધી છે, કેટલા સમુદ્ર પર કોનો હક હોવો જોઈએ, નદીઓ અને તેના પાણીની વહેંચણી કેવી રીતે થશે, આકાશમાં એર સ્પેસની સરહદ કેવી રીતે નક્કી થશે, આ બધુ નિર્ધારિત છે. આ માટે દુનિયામાં નિયમ અને કાયદા પણ છે અને આંતરરાષ્ટ્રીય કોર્ટ અને સંસ્થાઓ પણ છે. પરંતુ અંતરિક્ષ અંગે હજુ કઈ નક્કી થઈ શક્યું નથી. 

વર્ષ 1967માં સંયુક્ત રાષ્ટ્રએ કેટલાક દેશો સાથે મળીને આઉટર સ્પેસ ટ્રિટી લાગૂ કરી હતી. આ ટ્રિટી મુજબ કોઈ પણ દેશ પોતાના અંતરિક્ષ કાર્યક્રમોથી દુનિયાને નુકસાન નહીં પહોંચાડે પરંતુ સત્ય તો એ છે કે આ ટ્રિટી આજે ઈતિહાસ સંલગ્ન એક જાણકારી બનીને રહી ગઈ છે. તેનું કોઈ પાલન કરતું નથી. આથી જે પ્રકારે પૃથ્વીના વાયુમંડળમાં સ્પેસ રોકેટ અને સેટેલાઈટનો કચરો વધી રહ્યો છે અને પૃથ્વી પર તેનાથી દુર્ઘટનાઓની આશંકા વધી રહી છે તે બધાએ એક નવા સંકટને જન્મ આપ્યો છે. આ સંકટ એ છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં યુદ્ધનું કારણ પણ બની શકે છે. 

(અહેવાલ સાભાર-DNA)

જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news