કર્ણાટક: કોંગ્રેસમાં 15થી વધુ MLA બળવો પોકારવાના મૂડમાં, યેદિયુરપ્પાનું મોટું નિવેદન

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના મંત્રીમંડળ વિસ્તાર બાદ શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. મંત્રીમંડળમાં જગ્યા ન મળવાના કારણે નારાજ થયેલા કોંગ્રેસના અનેક ધારાસભ્યો વિદ્રોહ કરવાના મૂડમાં છે.

કર્ણાટક: કોંગ્રેસમાં 15થી વધુ MLA બળવો પોકારવાના મૂડમાં, યેદિયુરપ્પાનું મોટું નિવેદન

નવી દિલ્હી: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના મંત્રીમંડળ વિસ્તાર બાદ શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. મંત્રીમંડળમાં જગ્યા ન મળવાના કારણે નારાજ થયેલા કોંગ્રેસના અનેક ધારાસભ્યો વિદ્રોહ કરવાના મૂડમાં છે. સ્વાભાવિક છે કે કુમારસ્વામીની સરકાર માટે આ શુભ સંકેત નથી. સૂત્રોનું માનીએ તો લગભગ 15 થી 20 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મંત્રીમંડળનો વિસ્તાર થયા બાદ દરરોજ કોઈને કોઈ ધારાસભ્યે સાર્વજનિક રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જેડીએસના કેટલાક મંત્રીઓ પણ પોતાના પોર્ટફોલિયોથી નારાજ છે.

આવામાં હવે સૌથી વધુ ખુશ થવાની સ્થિતિમાં ભાજપ અને તેના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ કોંગ્રેસના વિદ્રોહ પર બીએસ યેદિયુરપ્પાનું કહેવું છે કે 'જો કોંગ્રેસ અને જેડીએસના નારાજ ધારાસભ્યો ભાજપમાં જોડાવવાનો ફેસલો લેશે તો તેમનું સ્વાગત છે.'

કોંગ્રેસના પૂર્વ મંત્રી અને નારાજ ધારાસભ્ય એમબી પાટિલે કોંગ્રેસ હાઈકમાન પાસે ડેપ્યુટી સીએમ પદની માગણી કરી હતી. પરંતુ દિલ્હીમાં તેમની અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નથી. હાલ તેઓ ખાલી હાથે પાછા ફર્યા છે. જો કે એમ જરૂર કહેવાયું છે કે કોંગ્રેસ લિંગાયત ધારાસભ્યોને આગામી મંત્રીમંડળ વિસ્તરણમાં જગ્યા આપશે. કોંગ્રેસના કોટાથી હજુ છ જગ્યા ખાલી છે. આ  સાથે જ કોંગ્રેસ હાઈકમાને મંત્રી પદની માંગણી કરી રહેલા ધારાસભ્યોને સંદેશ પણ આપ્યો છે કે તેઓ આ મુદ્દાને વધુ ન ઉછાળે. યોગ્ય ઉમેદવારને યોગ્ય સમયે મંત્રીપદ આપવામાં આવશે.

આ અગાઉ કોંગ્રેસના નેતા એમબી પાટિલને દિલ્હી બોલાવવામાં આવ્યાં હતાં. કહેવાયું હતું કે એમબી પાટિલના ઘર પર જ નારાજ ધારાસભ્યોએ મીટિંગ કરી હતી. પાટિલની દિલ્હીમાં રાહુલના ઘરે બેઠક થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કેબિનેટમાં તમામ જાતિઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યુ નથી અને એટલે જ ધારાસભ્યો નારાજ છે.

જેડીએસની પણ મુશ્કેલીઓ ઓછી નથી
નારાજગીનો દોર ફક્ત કોંગ્રેસમાં જ નહીં પરંતુ જેડીએસમાં પણ છે. ત્યાં નવા બનાવવામાં આવેલા મંત્રી જીટી દેવગૌડા અને સીએસ પુત્તારાજુના સમર્થકોએ મૈસુરુ અને માંડ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું. જીટી દેવગૌડાને ઉચ્ચ શિક્ષામંત્રી અને પુત્તારાજુને માઈનર ઈરીગેશન આપવામાં આવ્યું છે. આ બંનેની નજર ટ્રાન્સપોર્ટ મંત્રાલય પર હતી. આ વિભાગ એચડી દેવગૌડાના સંબંધી ડીસી થમન્નાને આપવામાં આવ્યું છે.

સોમવારથી કામ શરૂ કરશે નવી સરકાર
કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી જેડીએસ-કોંગ્રેસ સરકાર સોમવારથી કામકાજ શરૂ કરશે. કારણ કે મોટાભાગના મંત્રીઓ વીકેન્ડમાં પોતાના ક્ષેત્રોમાં જતા રહ્યાં હતાં. એક વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે સરકારી કાર્યાલય બીજા શનિવારે બંધ છે અને અહીં સચિવાલયના સહાયક કર્મચારીઓ પણ રજા પર છે, આથી 25 નવા મંત્રીઓ સોમવારથી કામ શરૂ કરશે.

આ 25 મંત્રીઓમાં 14 કોંગ્રેસના અને 9 જેડીએસના છે તથા એક બહુજન સમાજ પાર્ટીનો તથા કર્ણાટક પ્રજ્ઞાવંતા જનતા પક્ષનો છે. અધિકારીએ કહ્યું કે વિભાગોની ફાળવણીમાં બે દિવસ લાગી જવાથી અને મંત્રીઓ શુક્રવાર રાત સુધી પોતાના વિભાગોથી અજાણ હતા તેને કારણે સોમવારે કાર્યભાર સંભાળવાનો નિર્ણય લેવાયો છે. થયેલી સમજૂતિ મુજબ કોંગ્રેસના ડેપ્યુટી સીએમ સહિત 21 અને જેડીએસના મુખ્યમંત્રી સહિત 11 મંત્રીઓને પદ મળ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news