મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ, કમલનાથે શપથ લીધા પછી તરત જ દેવામાફીની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર

કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે તેઓ જીત્યા બાદ ખેડૂતોનું દેવું માફ કરશે અને કોંગ્રેસ આપેલું આ વચન પાળીને બતાવ્યું છે 

મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ, કમલનાથે શપથ લીધા પછી તરત જ દેવામાફીની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર

ભોપાલઃ કમલનાથે સોમવારે મધ્યપ્રદેશના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના સોગંધ લીધા પછી તરત જ પહેલું કામ ખેડૂતોનું દેવું માફ કરવાનું કર્યું છે. તેમણે ખેડૂતોના દેવામાફીની ફાઈલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખની છે કે, કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેવાને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને પોતાના ઘોષણાપત્રમાં પણ જો તેઓ ચૂંટાઈને આવશે તો ખેડૂતોનું દેવું માફ કરશે તેવું વચન આપ્યું હતું. 

મધ્યપ્રદેશની નવી સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત 31 માર્ચ, 2018 સુધીનું દેવું માફ કરવામાં આવ્યું છે. સરકારના નિર્ણય મુજબ રાષ્ટ્રીય અને સહકારી બેન્કો પાસેથી લીધેલું તમામ દેવું માફ કરી દેવાશે. કમલનાથે આ સાથે જ સ્પષ્ટ કરી દીધું છે કે, અમારી સરકારની પ્રથમ પાર્થમિક્તા ખેડૂત હશે. 

— ANI (@ANI) December 17, 2018

દેવામાફી પછી નવા મુખ્યમંત્રી કમલનાથે ઝી ન્યૂઝને જણાવ્યું કે, આજે ખેડૂતો દેવામાં જન્મે છે અને દેવામાં જ મરી જાય છે. મધ્યપ્રદેશમાં 70 ટકા વસતી કૃષિ પર આધારિત છે. આથી જો આ ક્ષેત્રમાં પ્રગતિ નહીં થાય તો રાજ્યની પણ પ્રગતિ અટકી જશે. કમલનાથે જણાવ્યું કે, જ્યાં સુધી હું ખેડૂતોનાત ચહેરા પર ખુશી જોઈ નહીં લઉં ત્યાં સુધી મને આરામ પ્રાપ્ત નહીં થાય. 

દેવામાફી અંગે સવાલ ઉઠાવનારા વિશેષજ્ઞો અંગે કમલનાથે જણાવ્યું કે, જ્યારે ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે તો કોઈ બોલતું નથી. આ બધા વિશેષજ્ઞો શું ક્યારેય ગામડામાં ગયા છે ખરા? તેમણે ત્યાં ખેડૂતોની હાલત જોઈ છે ખરી? માત્ર રૂમમાં બેસીને તેઓ શા માટે ટીકા-ટિપ્પણ કરી રહ્યા છે. 

આ અગાઉ કમલનાથે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે જંબુરી મેદાનમાં શપથ લીધાહતા. રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ સમારોહામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, નાયબ મુખ્યમંત્રી સચિવ પાઈલટ, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાજર રહ્યા હતા. 

આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શવિરાજ સિંહ ચૌહાણે ખાસ હાજરી આપી હતા. તેમના ઉપરાંત તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિન, રાજદના નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા. 

મધ્યપ્રદેશ વિધાનસભા માટે 28 નવેમ્બરના રોજ મતદાન થયું હતું અને 11 ડિસેમ્બરના રોજ રાજ્યની 230 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. જેમાં કોંગ્રેસ 114 બેઠક સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. તેણે બસપાના 2, સપાના 1 અને ચાર અન્ય અપક્ષોના સમર્થન દ્વારા સરકાર બનાવી છે. અત્યારે કોંગ્રેસને કુલ 121 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. ભાજપને 109 બેઠકો મળી હતી. 

કમલનાથે શનિવારે મીડિયાને જણાવી દીધું હતું કે, અત્યારે તો તેઓ એકલા જ શપથ લેવાના છે, રાજ્યના મંત્રીમડળની જાહેરાત પાછળથી કરવામાં આવશે. એટલે કે મંત્રી બનવાની રાહ જોઈ રહેલા ધારાસભ્યોએ હજુ વધુ રાહ જોવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news