મધ્યપ્રદેશ ચૂંટણી 2018: વંશવાદનો વિરોધનો દાવો કરતા ભાજપના મહાસચિવના નિવેદનથી વિવાદ

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગિયએ જણાવ્યું છે કે, મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેમના પુત્ર આકાશે ઈન્દોર બેઠક પર દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વિજયવર્ગીય પોતે જિલ્લાની મહુ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે અને તેમનું ગૃહનગર ઈન્દોર છે 

મધ્યપ્રદેશ ચૂંટણી 2018: વંશવાદનો વિરોધનો દાવો કરતા ભાજપના મહાસચિવના નિવેદનથી વિવાદ

ઈન્દોરઃ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પોતાના પક્ષમાં પરિવારવાદના આરોપોને મંગલવારે ફગાવી દીધા હતા, પરંતુ સાથે જ જણાવ્યું કે, નેતાઓના સંતાનોને પણ ચૂંટણી લડવાનો પૂરેપુરો હક છે, શરત એટલી કે તેઓ લાયક હોવા જોઈએ. 

ભાજપના મહાસચિવનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે તેમના પુત્ર આકાશે પણ ઈન્દોરની ટિકિટ માટે દાવો રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વિજયવર્ગીય પોતે જિલ્લાની મહુ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે અને તેમનું ગૃહનગર ઈન્દોર છે.

ભાજપના મહાસચિવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "કોઈ રાજનેતાના ઘરે જન્મ લેવો એ કોઈ અપરાધ નથી. રાજનેતાઓના સંતાનો પણ રાજનીતિમાં આવી શકે છે. જો રાજકીય પરિવારનો કોઈ વ્યક્તિ પોતાની લાયકાતના આધારે પક્ષમાંથી ચૂંટણીની ટિકિટ માગે છે તો એ તેનો અધિકાર છે." 

વિજયવર્ગીયએ દાવો કર્યો છે કે, તેમણે પોતાના પુત્ર આકાશ માટે પોતાની પાર્ટી પાસે ટિકિટ માગી નથી, પરંતુ ભાજપના આંતરિક સર્વેક્ષણમાં તેમના પુત્રને ઈન્દોરના ચાર વિધાનસભા ક્ષેત્રમાં ટિકિટની દાવેદારી માટે યોગ્ય જણાયો છે. 

ભાજપના મહાસચિવે જણાવ્યું કે, "જો મારી પાર્ટીને યોગ્ય લાગશે તો તે મારા પુત્રને ચૂંટણી માટે ટિકિટ આપશે." વધુમાં વિજયવર્ગીયએ જણાવ્યું કે, "ભાજપમાં પરિવારવાદ નથી. પરિવારવાદના આધારે તો કોંગ્રેસ ચાલે છે. ગાંધી પરિવારનો કોઈ વ્યક્તિ જ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળે છે, ભલે તેના અંદર રાજકીય લાયકાત હોય કે ન હોય."

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડા પ્રધાન મોદીને વારંવાર 'ચોકીદાર ચોર હૈ' કહેવા અંગે વિજયવર્ગીયએ જણાવ્યું કે, "આ પ્રકારની અસંસદીય ભાષાનો ઉપયોગ કરીને રાહુલ ગાંધી દેશના રાજકીય વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે. આવા સંસ્કાર માત્ર કોંગ્રેસમાં જ હોઈ શકે છે."

તેમણે રાફેલ સોદા અંગે કોંગ્રેસ અધ્યક્ષને પડકારતા જણાવ્યું કે, "જો આ બાબતે રાહુલ પાસે પાકા પુરાવા છે તો તેઓ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news