આઝાદી પહેલાં ભારત પાસે ન હતો રાષ્ટ્રધ્વજ, વિદેશમાં સૌ પ્રથમ આ જગ્યાએ ફરકાવવામાં આવ્યો હતો તિરંગો

બર્લિન સમિતિનો ધ્વજ, સૌપ્રથમ વર્ષ ૧૯૦૭માં મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. જે ધ્વજને સચિન્દ્ર પ્રસાદ બોઝે ડિઝાઇન કર્યો હતો. વિભાજન રદ થયા પછી લોકો ધ્વજ વિશે ભૂલી ગયા હતા.

આઝાદી પહેલાં ભારત પાસે ન હતો રાષ્ટ્રધ્વજ, વિદેશમાં સૌ પ્રથમ આ જગ્યાએ ફરકાવવામાં આવ્યો હતો તિરંગો

Azadi Ka Amrit Mahotsav: આઝાદીના અમૃતકાળમાં ભારતના નાગરિકોમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત થાય, દેશ રાષ્ટ્ર ભક્તિમય બને તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન હર ઘર ત્રિરંગા અભિયાન યોજાનાર છે. જેના ભાગરૂપે હજારો ભારતીયો દ્વારા પર્વતો, રણ અને દરિયા કિનાર પર ત્રિરંગો લહેરાવીને ભારત ત્રિરંગામય બન્યો છે. ભારતની આન-બાન-શાન એવા વર્તમાન નેશનલ ફ્લેગ એટલે કે ત્રિરંગાની આઝાદીની ચળવળ વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ સુધીની વિકાસયાત્રા-સફરની એક ટૂંકી ઝલક આ મુજબ છે.
    
ધ્વજનો ઇતિહાસ : 
આઝાદી પહેલાના સમયગાળાનું કડવું સત્ય એ છે કે ભારત પાસે ક્યારેય એવો રાષ્ટ્રધ્વજ નહોતો જે તેને એક રાષ્ટ્ર તરીકે રજૂ કરી શકે. નાયકો અને રાજવંશો, શાસકો અને યોદ્ધાઓના ધ્વજ હતા પરંતુ ભારત દેશનો નહીં. બંગાળના વિભાજનની જાહેરાત કરવામાં આવી ત્યાં સુધી ભારતીયોને ધ્વજ રાખવાની જરૂરિયાત ખરેખર અનુભવાઈ ન હતી. તે દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. એક વર્ષ પછી, વિભાજન વિરોધી ચળવળની વર્ષગાંઠ પર એક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

બર્લિન સમિતિનો ધ્વજ
બર્લિન સમિતિનો ધ્વજ, સૌપ્રથમ વર્ષ ૧૯૦૭માં મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. જે ધ્વજને સચિન્દ્ર પ્રસાદ બોઝે ડિઝાઇન કર્યો હતો. વિભાજન રદ થયા પછી લોકો ધ્વજ વિશે ભૂલી ગયા હતા. જ્યારે જર્મનીના બર્લિનમાં બીજી ઈન્ટરનેશનલ સોશ્યલિસ્ટ કોંગ્રેસમાં હાજરી આપનાર સ્વતંત્ર સેનાની મેડમ ભીખાઇજી રુસ્તોમ કામાએ અંગ્રેજો સાથેની રાજકીય લડાઈ વિશે વક્તવ્ય આપ્યું હતું અને ‘વન્દે માતરમ્’ અંકિત કરેલો ધ્વજ વિદેશની ભૂમિ પર લહેરાવ્યો હતો.

વર્ષ ૧૯૧૭માં હોમરૂલ ચળવળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલો ધ્વજ : 
વર્ષ ૧૯૧૭માં હોમરૂલ ચળવળ દરમિયાન આ ધ્વજ ઉપયોગમાં લેવાયો હતો. આ ધ્વજ હેમચંદ્ર દાસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જ્યારે ૧૯૧૭માં  હોમરૂલ ચળવળ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા આ ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરાયેલ ધ્વજ : 
ચરખાના પ્રતિકવાળો આ ધ્વજ બિનસત્તાવાર રીતે ૧૯૨૧માં અપનાવવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૨૧માં ગાંધીજીએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવાનું સૂચન કહ્યું હતું. જેને અનુસરીને આંધ્રપ્રદેશના ડિઝાઇનર પિંગલી વેંકૈયા દ્વારા આ ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

ચરખાના પ્રતિકવાળો ધ્વજ
ચરખાના પ્રતિકવાળો ધ્વજ વર્ષ ૧૯૩૧માં અપનાવવામાં આવ્યો હતો. આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય સેનાનું યુદ્ધ ચિહ્ન પણ હતું. ગાંધીજી પણ ધ્વજમાં 'ચરખા' રાખવાના વિચારથી આકર્ષાયા હતા, કારણ કે ચરખો આત્મનિર્ભરતા, પ્રગતિ અને સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે. તેને સ્વરાજ ધ્વજ, ગાંધી ધ્વજ અને ચરખા ધ્વજ પણ કહેવામાં આવતો હતો. જો કે, ૧૯૩૧માં, ધ્વજમાં ફેરફાર કરવા માટે કરાચીમાં સાત સભ્યોની ધ્વજ સમિતિની રચના કરવામાં આવી હતી. 

આપણો રાષ્ટ્ર ધ્વજ-ત્રિરંગો :
લાખો ભારતીયો માટે ગૌરવપૂર્ણ દિવસ આવ્યો જ્યારે લોર્ડ માઉન્ટબેટને ભારતને આઝાદી આપવાનો નિર્ણય જાહેર કર્યો. ભારતના તમામ પક્ષોને સ્વીકાર્ય હોય તેવા રાષ્ટ્ર ધ્વજની જરૂરિયાત સમજાઈ અને સ્વતંત્ર ભારત માટે ધ્વજની રચના કરવા ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક એડ-હોક ધ્વજ સમિતિ બનાવવામાં આવી. ગાંધીજીની સહમતિ લેવામાં આવી અને આંધ્રપ્રદેશના વતની એવા પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરાયેલા ધ્વજમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેમાં ચરખાને બદલે અશોકના સારનાથ સ્તંભ પરનું ૨૪ આરાવાળુ ધર્મચક્રનું પ્રતિક મુકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ધ્વજમાં કોઈપણ રંગોનું કોઈ સાંપ્રદાયિક મહત્વ નહોતું. બંધારણ સભા ધ્વારા વર્તમાન રાષ્ટ્રધ્વજ-ત્રિરંગાને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ અપનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં ભારતભરમાં આજે પણ આ દિવસ એટલે કે ૨૨ જુલાઇને ‘રાષ્ટ્રધ્વજ સ્વીકાર દિવસ’ તરીકે માનભેર ઉજવવામાં આવે છે.
 
આ ઉપરાંત વિદેશમાં આઝાદ ભારતનો સત્તાવાર રીતે પ્રથમ રાષ્ટ્રધ્વજ-ત્રિરંગો ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ભારતીયો દ્વારા સ્વતંત્રતાની ઉજવણીની ખુશીમાં ફરકાવવામાં આવ્યો હતો, જે સૌ ભારતીયો માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આપણે પણ પોતાના ઘર ઉપર આપણા સ્વાભિમાન-ગર્વ સમાન ત્રિરંગાને ફરકાવીને અભિયાનમાં સહભાગી થઇએ.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news