કલમ 370: જરૂર પડી તો હું પોતે કાશ્મીર જઈશ: CJI રંજન ગોગોઈ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવવા સંબંધિત એક અરજી પર સુનાવણી  કરતા આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી.

કલમ 370: જરૂર પડી તો હું પોતે કાશ્મીર જઈશ: CJI રંજન ગોગોઈ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવવા સંબંધિત એક અરજી પર સુનાવણી  કરતા આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી. તેમણે કહ્યું કે પ્રદેશમાં જો લોકો હાઈકોર્ટમાં અપીલ કરી શકે તેમ નથી તો તે એક ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે તેઓ પોતે હાઈકોર્ટના જજ સાથે ફોન પર વાત કરશે. જો સંતોષ નહીં થાય તો તેઓ પ્રદેશની મુલાકાત લેશે. 

અરજીકર્તાએ શું કહ્યું?
વાત જાણે એમ હતી કે બાળ અધિકાર કાર્યકર્તા ઈનાક્ષી ગાંગુલીએ જમ્મુ અને કાશ્મીરની જેલોમાં બંધ 18 વર્ષથી નાની ઉંમરના બાળકોની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આ અંગેના કેસોની જાણકારી માંગી જેમની દેખરેખ હાઈકોર્ટ કમિટી કરી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ માટે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટમાં અપીલ કરો. જેના પર ઈનાક્ષી તરફથી વરિષ્ઠ વકીલ હુસેફા અહેમદીએ કહ્યું કે આમ કરવું ખુબ મુશ્કેલ છે. હાઈકોર્ટ સામાન્ય માણસની પહોંચથી દૂર છે. 

— ANI (@ANI) September 16, 2019

આ તો ગંભીર મામલો છે-સીજેઆઈ રંજન ગોગોઈ
અરજીકર્તાના વકીલની આ ટિપ્પણી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે જો લોકો હાઈકોર્ટમાં અપીલ ન કરી શકે તો આ ખુબ જ ગંભીર બાબત છે. ચીફ જસ્ટિસે આ અંગે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ ચીફ જસ્ટિસ પાસે રિપોર્ટ પણ માંગ્યો. તેમણે પૂછ્યું કે હાઈકોર્ટ અપીલકર્તાઓની પહોંચમાં છે કે નહીં? સીજેઆઈએ આગળ કહ્યું કે આ ખુબ જ ગંભીર મામલો છે. હું પોતે પર્સનલી ફોન પર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે વાત કરીશ. જરૂર પડી તો પ્રદેશની મુલકાત પણ લઈશ. જો કે સીજેઆઈએ અરજીકર્તાએને ચેતવણી પણ આપી અને કહ્યું કે જો તમારો દાવો ખોટો નિકળ્યો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે. 

જુઓ LIVE TV

2 અઠવાડિયામાં કેન્દ્રએ આપવો પડશે રિપોર્ટ
અત્રે જણાવવાનું કે આજે જમ્મુ અને કાશ્મીરના હાલાતને લઈને દાખલ થયેલી અલગ અલગ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચે કેન્દ્ર સરકારને બે અઠવાડિયામાં કાશ્મીર પર સમગ્ર તસવીર રજુ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને નિર્દેશ આપ્યા છે કે રાજ્યમાં જલદીથી હાલાત સામાન્ય બનાવવામાં આવે. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતા સ્થિતિ સામાન્ય કરવામાં આવે અને શાળાઓ તથા હોસ્પિટલોને ફરીથી શરૂ કરવામાં આવે. આ મામલે આગામી સુનાવણી 30મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news