ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 5 મહિના લાંબી ચાલી હતી પ્રથમ ચૂંટણી

લોકસભાની પ્રથમ ચૂંટણી 68 તબક્કામાં 25 ઓક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી, 1952 સુધી યોજાઈ હતી, કુલ 489 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ લોકસભા ચૂંટણીમાં 489 સીટમાંથી કોંગ્રેસના ઉમેદવારો 364 બેઠક પર વિજયી બન્યા હતા. 314 બેઠક પર એક સભ્ય ચૂંટાયો હતો, જ્યારે 86 બેઠક પર બે સભ્યો ચૂંટાયા હતા જેમાં એક સામાન્ય વર્ગનો અને એક એસસી-એસટી વર્ગનો ઉમેદવાર હતો

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 5 મહિના લાંબી ચાલી હતી પ્રથમ ચૂંટણી

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ સ્વતંત્રતા બાદ ભારત દેશે 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સ્વીકાર્યું હતું. ત્યાર બાદ 1951-52માં પ્રથમ ચૂંટણી યોજાય ત્યાં સુધી બંધારણીય સભાએ વચગાળાની સંસદ તરીકે કામકાજ કર્યું હતું. જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં વિવિધ સભ્યોના 15 સભ્યોનું મંત્રીમંડળ રચવામાં આવ્યું હતું. પ્રથમ ચૂંટણીની જાહેરાત થયા બાદ મંત્રીમંડળમાં રહેલા કેટલાક લોકોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પોતાના પક્ષની રચના કરી હતી. 

તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રથમ લોકસભા ચૂંટણી 68 તબક્કામાં યોજાઈ હતી. લોકસભાની 498 સીટ માટે 25 ઓક્ટબર, 1951ના રોજ શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયા 5 મહિના લાંબી ચાલી હતી અને 21 ફેબ્રુઆરી, 1952ના રોજ મતદાનનો છેલ્લો તબક્કો યોજાયો હતો. પ્રથમ લોકસભા ચૂંટણીમાં 44.99 ટકા મતદાન થયું હતું. 

15 ડિસેમ્બર, 1950ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના નિધન બાદ પ્રથમ લોકસભા ચૂંટણીમાં જવાહરલાલ નેહરુ દેશનો પ્રમુખ ચહેરો બન્યા હતા. તેમના નેતૃત્વમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે 364 બેઠકો પર વિજય મેળવ્યો હતો. બીજા ક્રમે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા રહી હતી. 

શ્યામા પ્રસાદ મુખરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનસંઘમાંથી ચૂંટણી લડી હતી. ડો. બી.આર. આંબેડકરે પણ પોતાની પાર્ટી શીડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન નામથી બનાવી હતી અને કોંગ્રેસ સાથેનો નાતો તોડી નાખ્યો હતો. ડો. આબેડકર બોમ્બે ઉત્તરની બેઠક પર કોંગ્રેસના નારાયણ કાજરોલકર સામે હારી ગયા હતા. પ્રથમ ચૂંટણીમાં કોઈ વિરોધ પક્ષ બન્યો ન હતો. 47 અપક્ષોએ 38 બેઠકો જીતી હતી. 

પ્રથમ લોકસભા ચૂંટણીમાં 489 સીટમાંથી કોંગ્રેસના ઉમેદવારો 364 બેઠક પર વિજયી બન્યા હતા. 314 બેઠક પર એક સભ્ય ચૂંટાયો હતો, જ્યારે 86 બેઠક પર બે સભ્યો ચૂંટાયા હતા જેમાં એક સામાન્ય વર્ગનો અને એક એસસી-એસટી વર્ગનો ઉમેદવાર હતો. કોંગ્રેસે સૌથી વદુ બેઠકો ઉત્તરપ્રદેશમાં 81, બિહારમાં 45 અને બોમ્બેમાં 40 જીતી હતી. બીજા ક્રમે રહેલી સીપીઆઈએ તેણે લડેલી 49માંથી 16 બેઠકો પર વિજય મેળવ્યો હતો. બે આંકડામાં બેઠકો જીતનારી બીજી અન્ય પાર્ટી રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણની સોશિયાલિસ્ટ પાર્ટી હતી. આ પાર્ટીએ 254 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 12માં વિજય મેળવ્યો હતો. 

— Know Your Legacy (@INCHistory) May 1, 2018

પ્રથમ લોકસભા ચૂંટણી 53 પાર્ટીના 1874 ઉમેદવારો અને અન્ય અપક્ષોએ લડી હતી. તેમાંથી 14 રાષ્ટ્રીય પાર્ટીના કુલ 1217 ઉમેદવારો હતા. આ ઉપરાંત 39 રાજ્ય સ્તરની પાર્ટીના 124 ઉમેદવારોએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર દેશમાં બેલેટ પેપર પર કુલ 533 અપક્ષ ઉમેદવારોએ પણ પ્રથમ લોકસભા ચૂંટણી લડી હતી. 

1885માં સ્થાપના પછી કોંગ્રેસનું ભારતમાં સૌથી વધુ પ્રભુત્વ રહ્યું છે. પ્રથમ લોકસભા ચૂંટણી સુધી જ આ પ્રભુત્વ રહ્યું ન હતું, પરંતુ દેશની સૌથી જૂની આ પાર્ટીએ આંકડાની દૃષ્ટિએ 1977 સુધી ભારતની સંસદમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news