દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેક

ઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે. ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.

દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેક

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે... ભારે વરસાદ અને પૂરના પાણીએ કાળો કોહરામ મચાવી દીધો છે.... દેશના અનેક રાજ્યોના નીચાણવાળા વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે... નદીઓ ગાંડીતૂર બનતાં લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓગસ્ટમાં અનરાધાર વરસાદથી કયા રાજ્યમાં કેવો છે વરસાદી માહોલ?. જોઈશું આ અહેવાલમાં.

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ઓગસ્ટમાં પણ ઈન્દ્ર દેવતાની અનરાધાર ઈનિંગ્સથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સૌથી પહેલાં વાત પહાડી રાજ્ય ઉત્તરાખંડની. અહીંયા ચમોલીમાં ભારે વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. રસ્તાઓ તૂટી જવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે... દ્રશ્યોમાં દેખાય છે કે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ડરામણા વરસાદ નાળાને પાર કરવાનો પ્રયાસ કરે છે.... 

તો મણિપુરના ખંગાબોકથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. મેઘરાજાએ અતિ મહેર કરતાં અહીંયા પૂરની સ્થિતિનું નિર્માણ થયું... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે... કેટલાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા... જ્યાં તેમને જરૂરી ચીજવસ્તુઓ સ્થાનિક પ્રશાસન તરફથી અપાઈ રહી છે... 

ઉપરવાસમાં સારા વરસાદથી મહારાષ્ટ્રના નાશિકમાં ગોદાવરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે... નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતાં નદીકાંઠામાં આવતાં નીચાાણવાળા વિસ્તારના લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે... ગોદાવરી નદીના કિનારે આવેલાં તમામ મંદિરો પણ જળમગ્ન બની ગયા છે.

રણવિસ્તાર એવા રાજસ્થાનમાં આ વર્ષે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે... જેના કારણે અજમેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી.... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે... અજમેરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે... જેમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે... જે દર્શાવે છે કે રણવિસ્તારમાં પાણીએ કેવો કહેર મચાવ્યો છે.

ગુજરાતના વલસાડમાં આવેલી ઔરંગા નદી બેકાંઠે થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે... જેના કારણે સ્થાનિક તંત્ર અને પોલીસે 150થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડ્યા.સતત વરસી રહેલા વરસાદથી વલસાડની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે... આ દ્રશ્યો 40 ગામને જોડતાં કૈલાશ રોડ બ્રિજના છે.... તેના પર પાણી ફરી વળતાં વહીવટી તંત્ર તરફથી તેને બંધ કરી દેવામાં આવ્યો છે.... બ્રિજ બંધ હોવા છતાં લોકો જીવના જોખમે તેના પરથી પસાર થઈ રહ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે... જેના કારણે ડેમમાંથી 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું... ડેમમાંથી પાણી છોડાતાં ડિઝાસ્ટર કર્મચારીઓને અલર્ટ કરવામાં આવ્યા છે.... સાથે જ કર્મચારીઓને નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરીંગ કરવા સૂચના અપાઈ છે.

સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ મેઘરાજાએ જળતાંડવ સર્જ્યુ. અહીંયા એકસાથે પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં માધાપર ચોકડી, કાલાવડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો....

ઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news