કોની બનશે સરકાર? મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટો પર આજે મતદાન

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન થવાનું છે. બંન્ને રાજ્યોમાં હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે. 
 

કોની બનશે સરકાર? મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટો પર આજે મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન થવાનું છે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટ અને હરિયાણામાં 90 સીટો પર મતદાન થવાનું છે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કુલ 3239 તો હરિયાણામાં 1169 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય આજે થવાનો છે.  મહારાષ્ટ્રમાં 8,95,62,706 લોકો અને હરિયાણામાં 1.83 કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 કલાકથી મતદાન શરૂ થશે અને સાંજે 6 કલાકે મતદાન સમાપ્ત થશે. આ સાથે દેશભરમાં અન્ય રાજ્યોની કુલ 51 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી પણ યોજાશે. બંન્ને રાજ્યોમાં 24 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં બમ્પર જીત હાસિલ કરનારી ભારતીય જનતા પાર્ટી અને તેની સહયોગી શિવસેનાને મહારાષ્ટ્રમાં ફરી એકવાર સત્તામાં વાપસીની આશા છે. 

આ સાથે ભાજપ હરિયામામાં પણ મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં એકવાર ફરી વાપસી માટે મેદાનમાં ઉતર્યું છે. વિપક્ષ ભલે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહહીન જોવા મળ્યો, પરંતુ તેને એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટરથી આશા છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ તમામ મતભેદોને દૂર કરતા અંતમાં ગઠબંધન બનાવીને ઉતરવાનો નિર્ણય લીધો હતો. બીજીતરફ લાંબા સમયથી સાથી એનસીપી અને કોંગ્રેસ પ્રચાર દરમિયાન બનળા જોવા મળ્યા હતા. પૂરી કમાન એનસીપીના સંસ્થાપક શરદ પવારે સંભાળી રાખી હતી. 

મહારાષ્ટ્રમાં કુલ મતદાતા અને ઉમેદવાર
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટોની ચૂંટણીમાં 89,722,019 મતદાતા છે. તેના માટે 96,661 મતદાન કેન્દ્રોની વ્યવસ્થા છે. અહીં કુલ 3239 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા 1400 છે. બીએસપી 262 સીટો તથા ભાજપ 164 સીટો પર લડી રહ્યું છે. પરંતુ ભાજપના ચિન્હ પર 14 ગઠબંધનના ઉમેદવાર લડી રહ્યાં છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી 16 અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી આઠ સીટો પર લડી રહી છે. 

તો આ રીતે કોંગ્રેસ 147, મહારાષ્ટ્ર્ નવનિર્માણ સેના 101 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) 121 સીટો પર લડી રહી છે. શિવસેના 124 સીટો પર ચૂંટણી લડી રહી છે. 3001 પુરૂષ અને 235 મહિલા ઉમેદવાર મેદાનમાં છે. 

મહારાષ્ટ્રમાં આ દિગ્ગજ નેતા મેદાનમાં
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઘણા દિગ્ગજ નેતા ચૂંટણી મેદાનમાં છે. મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડમવીસથી લઈને પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણ, ચવ્હાણ, પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, વિજય વડેટ્ટીવાર, એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવાર, જયંત પાટીલ અને નવાબ મલિક જેવા મુખ્ય ઉમેદવારોમાં સામેલ છે. આ સિવાય ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને શિવસેનાના આદિત્ય ઠાકરે પ્રથમવાર ચૂંટણી લડી રહ્યાં છે. 

હરિયાણામાં કોંગ્રેસ-ભાજપનો જંગ
હરિયાણામાં આ વખતે ચૂંટણી મુકાબલો ખુબ રસપ્રદ થવાનો છે. સીએમ મનોહર લાખ ખટ્ટર એકવાર ફરી સત્તામાં વાપસી માટે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે, તો આંતરિક વિવાદથી કોઈ રીતે બહાર આવેલી કોંગ્રેસ રાજકીય સંજીવની શોધવામાં લાગી છે. બંન્ને મુખ્ય રાજકીય પક્ષો સિવાય ઈન્ડિયન નેશનલ લોકદળ, જનનાયક જનતા પાર્ટી અને હરિયાણા લોકહિત પાર્ટી જેવા પક્ષ પણ જીતવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યાં છે. 

હરિયાણામાં આ દિગ્ગજો મેદાનમાં
હરિયાણામાં મુખ્ય પ્રધાન ખટ્ટર સિવાય કુમારી શૈલજા, પૂર્વ સીએમ ભૂપિંદર સિંહ હુડ્ડા, અનિલ વિજ, રણદીપ સુરજેવાલા અને કેપ્ટન અભિમન્યુ જેવા દિગ્ગજ ઉમેદવાર છે. આ વખતે યોગેશ્વર દત્ત, બબીતા ફોગાટ અને સંદીપ સિંહ જેવા ખેલાડીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. 

હરિયાણામાં 2923 મતદાન કેન્દ્ર સંવેદનશીલ
હરિયાણાની 90 વિધાનસભા સીટો પર મતદાન થશે. રાજ્યમાં 2923 મતદાન કેન્દ્રોની ઓળખ સંવેદનશીલ અને 83ની અતિસંવેદનશીલ તરીકે કરવામાં આવી છે. હરિયાણામાં 10,309 સ્થાનો પર કુલ 19578 મતદાન કેન્દ્ર છે. તેમાં 13837 મતદાન કેન્દ્રોને ગ્રામીણ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રદેશમાં ચૂંટણીમાં મતદાન દરમિયાન કુલ 1169 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે. જેમાં મહિલાઓની સંખ્યા 104 છે. તમામ 90 સીટો પર ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે બીએસપી 87 અને ઇનેલો 81 સીટો પર મેદાનમાં છે. ભાકપા ચાર અને માકપા સાત સીટો પર લડી રહી છે. તો અપક્ષ ઉમેદવારોની સંખ્યા 434 છે. 

દેશમાં અન્ય 51 સીટો પર પેટાચૂંટણી
ચૂંટણી આયોગ પ્રમાણે, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી સાથે દેશના અન્ય રાજ્યોમાં કુલ 51 સીટો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે. જેમાં ઉત્તર પ્રદેશની 11, ગુજરાતની 6, બિહારની 5, કેરલની 5, પંજાબની 4, આસામની 4, સિક્કિમની 3, રાજસ્થાનની 2, તમિલનાડુની 2 અને હિમાચલ પ્રદેશમાં 2 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ સિવાય તેલંગણા, એમપી, પુડ્ડુચેરી, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય અને છત્તીસગઢની એક-એક સીટો પર પણ મતદાન થશે. તો સાથે બિહારની સમસ્તીપુર લોકસભા સીટ પર પણ મતદાન થવાનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news