સાવધાન..મુંબઈના આ 5 લોકપ્રિય બીચ છે 'જોખમી', ખાસ વાંચો, નહીં તો પસ્તાશો

જો તમને બીચ પર જઈને મજા કરવાનો, ન્હાવાનો શોખ છે તો આ અહેવાલ જરૂર વાંચો.

સાવધાન..મુંબઈના આ 5 લોકપ્રિય બીચ છે 'જોખમી', ખાસ વાંચો, નહીં તો પસ્તાશો

મુંબઈ: જો તમને બીચ પર જઈને મજા કરવાનો, ન્હાવાનો શોખ છે તો આ અહેવાલ જરૂર વાંચો. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓસિયનોગ્રાફી (એનઆઈઓ)ની મુંબઈ ઓફિસ દ્વારા કરવામાં આવેલા તાજા રિસર્ચ મુજબ મુંબઈના કેટલાક દરિયાકિનારા પર એવા બેક્ટેરિયા જોવા મળ્યાં છે જે તમારા સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે. આ બેક્ટેરિયા પર દવાઓ પણ બેઅસર જોવા મળી છે.

પાંચ દરિયાકિનારા (બીચ)ના પાણી પર રિસર્ચ
એનઆઈઓ પાસેથી મળેલી જાણકારી મુજબ મુંબઈના બીચ પર પાણીની ગુણવત્તાને સમજવા માટે એક રિસર્ચ કરવામાં આવ્યો. જેને હાલમાં એક પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત પણ કરાયો. રિસર્ચ માટે એનઆઈઓ દ્વારા દાદર, જુહૂ ચોપાટી, માહિમ, ગિરગાવ ચોપાટી અને વર્સોવાના બીચના પાણીના 200 નમૂના લેવાયા. જેમાંથી 125 નમૂનાઓને તપાસ માટે મોકલાયા. રિપોર્ટ મુજબ 54 ટકા નમૂનામાં ઈ કોલીના એવા બેક્ટેરિયા મળી આવ્યાં કે જેના ઉપચારમાં ઉપયોગમાં લેવાતી 12 પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ પણ જરાય અસરકારક જોવા ન મળી.

એટલે કે ઉપરોક્ત બેક્ટેરિયા આ 12 એન્ટિબાયોટિક પ્રતિ ડ્રગ રેસિસ્ટન્ટ થઈ ગયા હતાં. તેના કારણે જો કોઈને આ બેક્ટેરિયાના કારણે બીમારી થાય તો આ દવાઓ અસર કરશે નહીં. એટલું જ નહીં પેશાબમાં ઈન્ફેક્શનના ઉપચાર માટે મુખ્ય રૂપે અપાતી અમોક્સિક્લેવ અને નેલિડિક્સિક એસિડ તમામ 125 નમૂના પ્રત્યે ડ્રગ રેસિસ્ટન્ટ જોવા મળી એટલે કે દવા બેઅસર જોવા મળી.

દાદર સૌથી વધુ પ્રભાવિત
રિપોર્ટ મુજબ દાદર બીચમાં ઉપરોક્ત બેક્ટેરિયાની અસર સૌથી વધુ જોવા મળી. ત્યારબાદ વર્સોવા, માહિમ, જૂહુ અને ગિરગાવનો નંબર છે. માપંદડો મુજબ સમુદ્રના પાણીમાં બેક્ટેરિયાની હાજરી 100 સીએફયુ પ્રતિ 100 એમએલ હોય છે. જો કે મુંબઈમાં તે 1000 સીએફયુ પ્રતિ 100 એમએલ છે.

પેટ સહિત અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે
રિસર્ચ સાથે સંકળાયેલા એનઆઈઓના એક વૈજ્ઞાનિક ડો.અભય ફુલકેએ જણાવ્યું કે ઉપરોક્ત બેક્ટેરિયાના કારણે પેટથી લઈને ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જેમાં ઝાડા ઉલ્ટી, પેટમાં ઈન્ફેક્શન, પ્લેટલેટ્સ ઓછી થઈ જવી વગેરે સામેલ છે. તેમણે જણાવ્યું કે બેક્ટેરિયાની અસર જોવા માટે આ બીચો પરથી ચોમાસા પહેલા અને ચોમાસા પછીના પાણીના નમૂના લેવાયા હતાં.

સમુદ્રમાં ઉપસ્થિત આ પ્રકારના બેક્ટેરિયાનું મુખ્ય કારણ પાણીમાં વધતુ પ્રદૂષણ અને તેમાં છોડવામાં આવતા પાણીની યોગ્ય ટ્રિટમેન્ટ ન કરવું વગેરે છે. ઈ કોલી બેક્ટેરિયા સમુદ્રમાં ન્હાતી વખતે મોઢા દ્વારા કે પછી શરીરમાં થયેલી ઈજા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. અત્રે જણાવવાનું કે દર વર્ષે દુનિયાભરમાં 120 મિલિયન પેટથી સંબંધિત, જ્યારે 50 મિલિયન શ્વાસ સંબંધિત બીમારીઓના કેસો ગંદા પાણીમાં ન્હાવાથી થતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news