corona vaccination: કેન્દ્રનો મોટો નિર્ણય, 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મળશે રસી

દેશમાં સતત વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 

corona vaccination: કેન્દ્રનો મોટો નિર્ણય, 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મળશે રસી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસ સતત રેકોર્ડ બનાવી રહ્યાં છે. નવા કેસનો આંકડો 2 લાખનો પાર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણને માત આપવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 45 વર્ષથી ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી હતી. પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું હતું. હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં 1 મેથી શરૂ થઈ રહેલા રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉંમરના તમામ લોકોને રસી મળશે. આ માટે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. 

અનેક રાજ્યોએ કરી હતી માંગ
મહત્વનું છે કે દેશમાં પહેલા કોરોના વોરિયર્સ અને મેડિકલ સ્ટાફને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશમાં 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી મોટી ઉંમરના જે લોકોને કોઈ ગંભીર બીમારી છે તેના માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રસીકરણની શરૂઆત કરી હતી.  આ વચ્ચે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ રસી આપવા માટે રજૂઆત કરી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે અંગે મોટો નિર્ણય લીધો છે. દેશમાં 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થઈ જશે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 92 દિવસમાં રસીના 12 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે કુલ 12,26,22,590 ડોઝ લગાવવામાં આવ્યા છે. લાભાર્થીઓમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના 91,28,146 લોકો સામેલ છે જેને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને  57,08,223 તે સ્વાસ્થ્ય કર્મી છે જેને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે સરકાર પાછલા એક વર્ષથી વધુ સમયે તે નક્કી કરવા માટે કામ કરી રહી છે કે ઓછામાં ઓછા સમયમાં સૌથી વધુ ભારતીયોને કોરોના વેક્સિન મળી શકે.

ફ્રી કે આપવા પડશે પૈસા?
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વાયરસ વેક્સિનને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તેને લઈને જલદી પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવશે. આ લોકોએ વેક્સિન માટે પૈસા આપવા પડશે કે નહીં તે વિશે સરકાર જલદી જાણકારી આપશે. 

એક જ દિવસમાં 2.73 લાખ દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,73,810 નવા કોવિડ (Covid-19)  દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,50,61,919 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,29,329 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 1,29,53,821 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. એક જ દિવસમાં રાજ્યમાં 1619 લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,78,769 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોને રસી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news