નિતિન ગડકરીએ કરી ઈન્દિરા ગાંધીની પ્રશંસા- 'તેમને ક્યારેય અનામતની જરૂર પડી નથી'

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સવર્ણો માટે 10 ટકા આર્થિક અનામતનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે 

નિતિન ગડકરીએ કરી ઈન્દિરા ગાંધીની પ્રશંસા- 'તેમને ક્યારેય અનામતની જરૂર પડી નથી'

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરતા જણાવ્યું છે કે, તેમને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે કોઈ પણ પ્રકારની અનામતની જરૂર પડી નથી. ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસના તત્કાલિન પુરુષ નેતાઓ કરતાં ઘણું જ શ્રેષ્ઠ કામ કર્યું છે. ભાજપના વરિષ્ટ નેતાએ જણાવ્યું કે, તેઓ મહિલા અનામતના વિરોધી નથી, પરંતુ ધર્મ અને જાતિ આધારિત રાજનીતિના વિરોધી છે. 

મહિલા સ્વસહાય જૂથના એક પ્રદર્શન કાર્યક્રમનું રવિવારે ઉદ્ઘાટન કરતા સમયે નિતિન ગડકરીએ પોતાના આ વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દેશમાં કટોકટી લાદવા માટે ઈન્દિરા ગાંધીની ટીકા કરતું રહ્યું છે. 

ગડકરીએ જણાવ્યું કે, "ઈન્દિરા ગાંધીએ તેમના પક્ષમાં અન્ય સન્માનતિ પુરુષ નેતાઓ વચ્ચે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. શું આવું અનામતને કારણે થયું?" તેમણે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનની પણ પ્રશંસા કરતા જણાવ્યું કે, તેમણે રાજનીતિમાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. 

ગડકરીએ વધુમાં જણાવ્યું કે, "હું મહિલા અનામતનો વિરોધી નથી. મહિલાઓને અનામત મળવી જોઈએ. હું ધર્મ અને જાતિ આધારિત રાજનીતિનો વિરોધી છું. એક વ્યક્તિ પોતાના જ્ઞાનના આધારે આગળ વધે છે, નહિં કે ભાષા, જાતિ, ધર્મ કે વિસ્તારના કારણે."

ગડકરીએ આ કાર્યક્રમમાં ધર્મ અને જાતિ આધારિત રાજકારણનો વિરોધ કરતા જણાવ્યું કે, "શું આપણે ક્યારેય સાઈબાબા, ગજાનન મહારાજ કે સંત તુકોજી મહારાજના ધર્મ અંગે પુછીએ છીએ? શું આપણે ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજ, ડો. બાબા સાહેબ આંબેડકર કે જ્યોતિબા ફૂલેની જાતિ અંગે પુછ્યું છે? હું જાતી અને ધર્મના આધારે થતી રાજનીતિનો વિરોધી છું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news