ભારતની પ્રથમ મહિલા જેણે બનાવ્યું "નો કાસ્ટ, નો રિલિજન" પ્રમાણપત્ર

ભારતની આ પ્રથમ મહિલા છે જેની કોઈ જાતિ નથી કે તેનો કોઈ ધર્મ નથી, સ્નેહા નામની આ મહિલના માતા-પિતા પણ હંમેશાં આ કોલમ હંમેશા ખાલી જ છોડતા આવ્યા છે અને તેમણે ક્યારેય સ્નેહા ઉપર પણ કોઈ દબાણ બનાવ્યું નથી 

ભારતની પ્રથમ મહિલા જેણે બનાવ્યું "નો કાસ્ટ, નો રિલિજન" પ્રમાણપત્ર

વેલ્લોરઃ તમિલનાડુના વેલ્લોરના તિરૂપત્તુરમાં રહેતી સ્નેહા ભારતની એવી પ્રથમ મહિલા બની ગઈ છે જેની કોઈ જાતિ કે ધર્મ નથી. ઓળખ તરીકે માત્ર નામ જ પુરતું જ છે. સ્નેહાએ 'No Caste, No Religion' પ્રમાણપત્ર બનાવીને પોતાને જાતિ, ધર્મના બંધનમાંથી મુક્ત કરાવી લીધી છે અને હવે પોતાના નામની જ ઓળખ બનાવી લીધી છે. સ્નેહાએ તાજેતરમાં જ 5 ફેબ્રુઆરીના રોજ આ પ્રમાણપત્ર મેળવ્યું છે. 

સ્નેહા બાળપણથી જ કોઈ પણ ફોર્મમાં જાતિ કે ધર્મનું કોલમ ભરતી ન હતી. સ્નેહા ઉપરાંત તેના માતા-પિતા પણ હંમેશા આ કોલમ ખાલી જ છોડતા રહ્યા છે. તેમણે ક્યારેય સ્નેહા ઉપર પણ આ કોલમ ભરવાનું દબાણ બનાવ્યું નથી. સ્નેહાએ ક્યારેય પોતાના નામની આગળ અટક પણ લખાવી નથી. 

— Kamal Haasan (@ikamalhaasan) February 13, 2019

સ્નેહાનું માનવું છે કે, જાતિ-ધર્મના બંધનથી પોતાને અલગ કરવું એ સમાજમાં પરિવર્તનની દિશામાં એક મહત્વનું પગલું છે. આ જ કારણ છે કે, તેનાં જન્મથી માંડીને અત્યાર સુધીના તમામ પ્રમાણપત્રોમાં ધર્મ અને જાતિની કોલમ ખાલી જ રહી છે. 

સ્નેહાએ જણાવ્યું કે, "તેણે વર્ષ 2010માં 'No Caste, No Religion' માટે ફોર્મ ભર્યું હતું. ત્યાર બાદ તેને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આખરે તેને 5 ફેબ્રુઆરી, 2019ના રોજ આ પ્રમાણપત્ર મળ્યું છે. આ સાથે જ તે ભારતની પ્રથમ એવી મહિલા બની ગઈ છે જેની કોઈ જાતિ કે ધર્મ નથી, માત્ર તે ભારતની નાગિરક છે."

સોશિલય મીડિયા પર સ્નેહાના આ પગલાની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેણે પણ સ્નેહાના આ નિર્ણય અંગે જાણ્યું છે તે તેને અભિનંદન પાઠવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news