G20 સમિટ માટે તૈયાર દિલ્લી, સમગ્ર શહેર છાવણીમાં ફેરવાયું, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે સમિટ
નવી દિલ્લી ક્ષેત્ર આગામી ત્રણ દિવસ માટે દુનિયાનું કેન્દ્ર બનશે, કારણ કે જી-20 શિખર સંમેલનમાં અલગ-અલગ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને પ્રતિનિધિ હાજરી આપવા આવી રહ્યાં છે. સંમેલનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખુબ તૈયારી કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્લીઃ જી20 સમિટ માટે દિલ્લી તૈયાર છે. આ સમિટે દિલ્લીની સુરત બદલી નાંખી છે. દિલ્લીના લોકોને પણ પોતાનું શહેર જોઈને આશ્ચર્ય થાય છે. ત્યારે કેવો છે દિલ્લીનો નજારો અને વ્યવસ્થા, જોઈએ આ અહેવાલમાં..
દિલ્લીમાં જી 20 સમિટ શરૂ થવાને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સમગ્ર શહેરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
દિલ્લીનો દરેક રસ્તો, જાહેર જગ્યા અને ઈમારતો જી 20ના રંગમાં રંગાઈ ગયા છે. એક રીતે દિલ્લીની કાયાપલટ કરી દેવાઈ છે. રસ્તા પર મૂકવામાં આવેલા સ્થાપત્યોથી દિલ્લીના રસ્તાની રોનકમાં વધારો થયો છે. રસ્તા પર ઠેર ઠેર LED સ્ક્રીન, હોર્ડિંગ અને જુદાજુદા ઝંડાની વણઝાર જોઈ શકાય છે. દિલ્લીમાં અત્યારે સ્વચ્છતા એવી છે કે માનો યુરોપના કોઈ નાના દેશમાં આવી ગયા હોઈએ...
પોલીસ સહિતની સલામતી એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે. સીસીટીવી સર્વેલન્સ પર પોલીસે વધુ ધ્યાન આપ્યું છે. સર્વેલન્સ વ્યવસ્થાનું અંતિમ તબક્કાનું ચેકિંગ ચાલી રહ્યું છે. શહેરમાં મોબાઈલ પોલીસ સ્ટેશન પણ શરૂ કરાયા છે. પોલીસ વેનમાં હરતું ફરતું પોલીસ સ્ટેશન ગમે ત્યાંથી કામ કરી શકે છે. પેરામિલિટ્રી ફોર્સે પણ મોરચો સંભાળી લીધો છે.
વિદેશના વીવીઆઈપી મહેમાનો દિલ્લીમાં જે જગ્યાઓની મુલાકાત લેવાના છે, તે જગ્યાઓને હવાલો સુરક્ષા દળોએ લઈ લીધો છે. જી20 સમિટનું આયોજન ભારત મંડપમમાં થવાનું છે, ત્યારે અહીં પણ ચાંપતી સુરક્ષા વ્યવસ્થા છે.
જી 20 સમિટમાં અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની સાથે પ્રતિનિધિ મંડળ પણ આવવાના છે, ત્યારે દિલ્લીની સરકારી હોસ્પિટલ્સમાં કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા જરૂરી તૈયારી કરાઈ છે. આ જવાબદારી આર્મીના તબીબી સ્ટાફને સોંપાઈ છે.
9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી જી20 સમિટના સંભવિત કાર્યક્રમ પર નજર કરીએ તો9મીએ સવારે 9થી 10 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી જી20 લીડર્સનું સ્વાગત કરશે. 10 વાગ્યાથી સમિટનું પહેલું સત્ર શરૂ થશે, જેનું નામ વન અર્થ છે. બીજું સત્ર લંચ બાદ 2થી 3 વાગ્યે શરૂ થશે, જેનું નામ વન ફેમિલી છે. ત્યારબાદ ભારત મંડપમના મલ્ટીપરપઝ હોલમાં જી 20 નેતાઓ માટે ડિનર અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
10 સપ્ટેમ્બરના કાર્યક્રમ પર નજર કરીએ તો G20ના લીડર્સ સવારના સમયે રાજઘાટની મુલાકાત લેશે. ત્યારબાદ ભારત મંડપમમાં વૃક્ષારોપણ કરાશે. ત્યારબાદ જી 20નું ત્રીજું સત્ર શરૂ થશે, જેનું નામ વન અર્થ સેસન છે. બે દિવસમાં કુલ 3 સેશન યોજાશે. ત્રીજા સેશનના અંતે પ્રધાનમંત્રી મોદી જી20ની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપશે. આ માટે ઔપચારિક કાર્યક્રમ યોજાશે.
મહત્વની વાત એ છે કે 8, 9 અને 10 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદી જી 20 લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજશે. 8મી સપ્ટેમ્બરે એટલે કે સમિટના આગલા દિવસે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ આ સમિટમાં હાજરી નહીં આપે.
વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યને જોતાં જી 20 સમિટ અગત્યની છે. દુનિયાના 85 ટકા જીડીપી અને 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરતાં જી20થી ભારતને ઘણી આશાઓ છે, સાથે જ જૂથના અન્ય દેશોને પણ ભારતની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે