Cyclone Michaung: તમિલનાડુમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, આઠના મોત
દેશ પર એકબાદ એક વાવાઝોડા આવી રહ્યા છે. ત્યારે દેશને મિચૌંગ નામના વાવાઝોડાનો પણ સામનો કરવો પડ્યો. પરંતુ ભગવાન જાણે હજુ દેશ પર આવા કેટલા વાવાઝોડા આવશે...
Trending Photos
નવી દિલ્હીઃ મિચૌંગ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં જાણે રીતસરનું તાંડવ કર્યુ છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકારાયા બાદ મિચૌંગ વાવાઝોડાએ સર્વત્ર વિનાશ વેર્યો છે. વાવાઝોડાની ચપેટમાં જે પણ આવ્યુ તે નેસ્તનાબુદ થઈ ગયુ છે. વાવાઝોડાના અટેક બાદ કેવી છે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં....
દક્ષિણ ભારતના લોકોને જેનો ડર હતો એ આખરે થયું. બંગાળની ગાડીમાંથી ઉભુ થયેલું મિચૌંગ વાવાઝોડા આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર ટકરાયું. 92 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે મિચૌંગ વાવાઝોડું આંધ્રપ્રદેશના બાપટલા બીચ પર લેન્ડફોલ કર્યુ. વાવાઝોડાના લેન્ડફોલની સાથે જ દરિયામાં મોટા મોટા મોજા ઉછળ્યાં, સાથે જ દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો.
મિચૌંગ વાવાઝોડાના લેન્ડફોલ સમયે પવનની ગતિ 92 કિલોમીટર પ્રતિ કલાકની રહેતા દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોને પોતાના જ ઘરમાં પૂરાઈ રહેવાની ફરજ પડી. આ વાવાઝોડાને કારણે આઠ લોકોના મોત થવાની પણ વિગત સામે આવી છે.
મિચૌંગ વાવાઝોડાની અસરના પગલે આંધ્રપ્રદેશમાં સામાન્ય વરસાદ વરસ્યો, જ્યારે તમિલનાડુમાં તો મેઘરાજા મૂશળધાર વરસ્યા. તેમાં પણ જાણે મેઘરાજાએ ચેન્નઈ શહેરને રીતસરનું બાનમાં જ લીધુ. ચેન્નઈમાં બારે મેઘ ખાંગા થતાં અનેક વિસ્તારો જાણે પાણીના હવાલે થઈ ગયા.. એવા અનેક વિસ્તાર હતા, જ્યાં તો કમર સુધીના પાણી ભર્યા હતા. રસ્તા પર જાણે નદીઓ વહેવા લાગતા લોકોને ઘર છોડીને ઘરના ધાબા પર ચડી જવાની ફરજ પડી. રસ્તા હોય કે સોસાયટી, ઘર હોય કે સ્કૂલ... દરેક જગ્યાએ માત્રને માત્ર પાણી જ દેખાઈ રહ્યુ હતું.
મિચૌંગ વાવાઝોડાની અસરના પગલે આવેલા વરસાદથી ચારે તરફ તબાહી મચી ગઈ છે. ત્યારે ચેન્નઈના એરપોર્ટના તો હાલ બેહાલ થઈ ગયા છે. ચેન્નઈ એરપોર્ટ તો ઠીક રનવે પણ પાણીમાં ગરકાવ થયો છે. રનવે પર જાણે નદીઓ વહેવા લાગી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ. પ્લેન હોય કે મુસાફરોને લઈ જવાની બસ બધુ જ પાણીમાં તરબોળ જોવા મળ્યું... એમ કહી શકાય કે મેઘરાજાએ જાણે એરપોર્ટ પર પોતાનો કબજો જ કરી લીધો છે.
ભારે ગતિ સાથે લેન્ડફોલ થયેલા વાવાજોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો સહિત બેનરો પણ ધરાશાયી થયા. તો સાથે જ ભારે પવન સાથે સતત વરસાદ પણ ચાલુ રહેતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયુ.
વાવાઝોડાએ સૌથી વધુ તાંડવ ચેન્નઈમાં કર્યુ છે. મૂશળધાર વરસાદથી અમુક જગ્યાએ તો એવી સ્થિતિ થઈ ગઈ કે લોકોને બોટનો સહારો લેવો પડ્યો. જે બોટ દરિયામાં માછીમારી કરવા માટે લોકો લાવ્યા હતા, તે જ બોટ હાલ ચેન્નઈની સોસાયટીઓમાં ફરતી જોવા મળી. તો NDRFની ટીમે પણ લોકો સુધી પહોંચવા માટે બોટનો સહારો લીધો. આ વિસ્તારમાં પાણી જ એટલા હતા કે લોકોની કાર પણ અડધાથી વધુ ડૂબી ચુકી હતી.
ચેન્નઈમાં લોકોના ઘરની સાથે સાથે શાળા-કોલેજ અને સરકારીઓ પણ પાણીમાં ડૂબી ગઈ હતી. અનેક સરકારી કચેરીઓમાં 5-7 ફૂટ સુધીના પાણી ભરાઈ જતાં સરકારી દસ્તાવેજોનો તો સફાયો જ થઈ ચુક્યો છે. તો વાવાઝોડાની અસરના પગલે અનેક જગ્યાએ વૃક્ષો જમીન દોસ્ત થવાની ઘટનાઓ બની હતી.
મિચૌંગ વાવાઝોડાની આગાહીના પગલે તમિલનાડુમાં સ્ટાલિન સરકારે અગમચેતીના પગલા લઈ લીધા હતા. વાવાઝોડાની અસર જ્યાં જ્યાં વર્તાવાની હતી, ત્યાંથી લોકોને રાહત શિબિરમાં સ્થળાંતરિત કરી દેવાયા હતા. ત્યારે રાહત શિબિરમાં સુવિધાઓની માહિતી મેળવવા અને લોકોની તબિયત જાણવા માટે ખુદ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન રાહત શિબિરમાં પહોંચ્યા. જ્યાં તેમણે લોકો સાથે વાતચીત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે