વાવાઝોડું 'ફેની': 223 ટ્રેન રદ્દ, આંધ્રપ્રદેશમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ
ગુરૂવારે સાંજે ઓડિશાની સરહદને અડીને આવેલા આંધ્રપ્રદેશના સમુદ્ર કિનારાના જિલ્લાઓ શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ પણ પડ્યો છે, આ વાવાઝોડું શુક્રવારે ઓડીશાના દક્ષિણ ભાગને સ્પર્શે તેવી સંભાવના છે
Trending Photos
નવી દિલ્હીઃ વાવાઝોડું 'ફેની' ધીમે-ધીમે ઓડીશા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. ગુરૂવારે સાંજે ઓડિશાની સરહદને અડીને આવેલા આંધ્રપ્રદેશના સમુદ્ર કિનારાના જિલ્લાઓ શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ પણ પડ્યો છે, આ વાવાઝોડું શુક્રવારે ઓડીશાના દક્ષિણ ભાગને સ્પર્શે તેવી સંભાવના છે. લોકોની સુરક્ષા માટે NDRFની 81 ટીમ તૈનાત કરાઈ છે. આ વાવાઝોડું ઓડીશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળને ઝપટમાં લે તેવી સંભાવના છે.
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. ઓડિશા આપત્તી વ્યવસ્થાપન પ્રાધિકરણના પ્રવક્તા સંગ્રામ મહાપાત્રાએ જણાવ્યું કે, આવતીકાલે સાંજે 5.30 કલાકે જે ભુસ્ખલનની સંભાવના વ્યક્ત કરાઈ હતી, તેને હવે બપોરે 12 થી 2.00 દરમિયાન થવાની સંભાવના છે. આ કારણે, આવતીકાલે શુક્રવારે ઓડિશામાં તમામ કોલેજ અને વ્યાપારિક પ્રતિષ્ઠાન બંધ રાખવામાં આવશે.
આગમચેતીના પગલાંરૂપે ચેન્નાઈથી કોલકાતા રૂટ પર ચાલતી લગભઘ 223 ટ્રેનને 4 મે સુધી રદ્દ કરી દેવાઈ છે. આટલું જ નહીં, આગામી 24 કલાક સુધી ઓડિશાના ભુવનેશ્વરથી એક પણ ફ્લાઈટ ઉડશે નહીં. ફેની વાવાઝોડાના કારણે આવતીકાલે શુક્રવારે રાત્રે 9.30 કલાકથી સવારે 6.00 કલાક સુધી કોલકાતા એરપોર્ટ પણ બંધ રહેશે.
NDRFના પ્રમુખ એસ.એન. પ્રધાને જણાવ્યું કે, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં 50 ટીમ પહેલાથી જ તૈનાત કરાઈ છે. અન્ય 31 ટીમને તૈયાર રહેવાના આદેશ અપાયા છે. ઓઢિશામાં પુરીની આજુબાજુ અત્યાધુનિક સાધનો સાથે 28 ટીમ ખડેપગે તૈયાર છે. આ જ રીતે આંધ્રપ્રદેશમાં 12 અને પશ્ચિમ બંગાળમાં 6 ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ટીમમાં લગભગ 50 કર્મચારીનો સમાવેશ થાય છે.
24 કલાક કાર્યરત નિયંત્રણ કક્ષ
NDRF દ્વારા પોતાના વડામથક ખાતે 24 કલાક કાર્યરત એક નિયંત્રણ કક્ષ બનાવાયું છે. જેમાં અધિકારીઓની એક ટીમ, ભારતીય હવામાન વિભાગ અને ત્રણ રાજ્યોની આપત્તી વ્યવસ્થાપનના એકમની ટીમ સતત સંપર્કમાં છે. તમિલનાડુ અને કેરળમાં પણ NDRFની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે.
Latest on #CycloneFANI. System is approximately 164 km ESE of Vizag as of now. The central pressure of the system is 958 hPa. Max sustained winds around the system centre is 200Kmph. Moved slowly in a Northerly direction in last one hour @nsitharaman @PMOIndia @NDRFHQ @ndmaindia pic.twitter.com/53yQf7tsFR
— SpokespersonNavy (@indiannavy) May 2, 2019
અત્યાર સુધી લેવાયેલાં પગલાં
- કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે, સમુદ્ર કિનારાના તમામ એરપોર્ટને એલર્ટ રહેવા આદેશ અપાયા છે. સાથે જ વિમાન કંપનીઓને રાહત સામગ્રી પહોંચાડવામાં મદદ કરવા વિનંતી કરાઈ છે.
- ભારતીય રેલવે દ્વારા પ્રભાવિત રાજ્યોનાં વિવિધ રેલવે સ્ટેશન પર મુસાફરોની સગવડ માટે હેલ્પલાઈન નંબર શરૂ કરાયા છે.
- અત્યાર સુધીમાં ઓડિશાના 15 જિલ્લાના 3,31,794 લોકોને સલામત સ્થળે અને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
- પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની તમામ શાળાઓ 3 મેથી 30 જુન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની સમીક્ષા માટે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી.
- ભારતીય વાયુસેના દ્વારા નાગરિક વિમાનમથકો પરથી મોકડ્રીલ યોજીને વિમાનોની તૈયારી ચકાસવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે