ઓનલાઈન થતી છેતરપિંડી રોકવા મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક; રદ કરાયા 52 લાખ સીમકાર્ડ

Cyber Frauds: હવે તેના બદલે બિઝનેસ કનેક્શનનો કન્સેપ્ટ રજૂ કરાશે. તેમાં કોઈપણ બિઝનેસ ગ્રૂપ, કોર્પોરેટ અથવા ઈવેન્ટ માટે સીમ ખરીદવાની વિશેષ વ્યવસ્થા તૈયાર કરાશે, જેમાં કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સીમ અપાશે. કોઈ કંપની બલ્કમાં સીમ ખરીદશે તો તેણે વ્યક્તિગત કેવાયસી પણ કરાવવું પડશે.

  • - ડીલર્સનું વેરિફિકેશન ફરજિયાત, બલ્કમાં સીમની ખરીદી પર પ્રતિબંધ

  • - 67,000 ડીલર્સ બ્લેકલિસ્ટ, સીમકાર્ડ ડીલર્સ વિરુદ્ધ 300 એફઆઈઆર : નિયમોના ભંગ બદલ ડીલર્સને રૂ. 10 લાખનો દંડ થશે


    - વોટ્સએપે છેતરપિંડીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા તેના 66,000 એકાઉન્ટ પોતાની રીતે બ્લોક કરી દીધા

    - નવા નિયમોનો અમલ પહેલી ઑક્ટોબરથી ડીલર્સને છ મહિનાનો સમય અપાશે

Trending Photos

ઓનલાઈન થતી છેતરપિંડી રોકવા મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક; રદ કરાયા 52 લાખ સીમકાર્ડ

Digital-Strike on Cyber Frauds/નવી દિલ્હી: બદલાતા સમયની સાથે આપણું જીવન ધોરણ, આપણી રહેણી કરણી અને ઓવરઓલ આપણી લાઈફસ્ટાઈલ આપણી જીવનશૈલી જ બદલાઈ ગઈ છે. ટેલિફોન, પેજર, મોબાઈલ, સ્માર્ટ ફોન, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા, વીડિયો કોલિંગ અને બીજું એવું ઘણું બઘુ જેને પગલે આપણી આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ડિજિટલ યુગમાં છેતરપિંડીનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન્સનો પ્રસાર વધવાની સાથે સાઈબર ફ્રોડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં સાઈબર છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે મહત્વપૂર્ણ પગલું ઊઠાવ્યું છે. 

મોદી સરકારે લીધેલા નવા નિર્ણય મુજબ ટેલિકોમ વિભાગે હવે સીમ કાર્ડ વેચતા ડીલર્સ માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. વધુમાં બલ્કમાં સીમ કાર્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં સરકારે સાઈબર ફ્રોડ સંબંધિત સીમ કાર્ડ સામે ડિજિટલ સ્ટ્રાઈક કરતાં બાવન લાખ મોબાઈલ કનેક્શન્સ રદ કરી દીધા છે. આ સાથે સીમ કાર્ડ ડીલર્સ પર નવા નિયમોના ભંગ બદલ રૂ. ૧૦ લાખના દંડની જોગવાઈ કરી છે.

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશભરમાં સાઈબર ફ્રોડ રોકવા માટે સીમકાર્ડ વેચતા ડીલર્સનું વેરિફિકેશન ફરજિયાત કરાયું છે અને બલ્ક સીમ કાર્ડની ખરીદી બંધ કરી દેવાઈ છે. જોકે સીમ કાર્ડ ડીલર્સ સંબંધિત નવા નિયમોની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે સરકારે સીમ કાર્ડ ડીલર્સનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. પાછળથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સીમ કાર્ડ ડીલર્સનું વેરિફિકેશન 'લાઈસન્સધારક' અથવા સંબંધિત ટેલિકોમ ઓપરેટર દ્વારા કરાશે અને નિયમોનો ભંગ કરનારને રૂ. ૧૦ લાખનો દંડ ફટકારવામાં આવશે.

સીમકાર્ડ સંબંધિત સાઈબર ફ્રોડ સામે કાર્યવાહી કરતાં સરકારે સંચારસાથી પોર્ટલ લોન્ચ થયા પછી મે ૨૦૨૩થી અત્યાર સુધીમાં બાવન લાખ મોબાઈલ કનેક્શન્સ રદ કરી નાંખ્યા છે. ૬૭,૦૦૦ ડીલર્સને બ્લેકલીસ્ટ કરી નાંખ્યા છે જ્યારે સીમ કાર્ડ ડીલર્સ સામે ૩૦૦થી વધુ એફઆઈઆર નોંધાઈ છે. વધુમાં વૈષ્ણવે કહ્યું કે, સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તેના ૬૬,૦૦૦ એકાઉન્ટ્સ પોતાની રીતે બ્લોક કરી દીધા છે.

ટેલિકોમ મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં સીમ કાર્ડ વેચનારા ડીલર્સની અનેક બેદરકારીઓ સામે આવી છે. તેઓ માત્ર સીમ કાર્ડ વેચવા પર ભાર મૂકી રહ્યા છે. તેના પર નિયંત્રણ અને સાઈબર છેતરપિંડી ડામવા માટે ડીલરોનું બાયોમેટ્રિક અને વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. બધા જ પીઓએસ ડીલરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આ રીતે હવે જે પણ ગેરકાયદેસર રીતે સીમકાર્ડ વેચશે તેની જવાબદારી નિશ્ચિત કરાશે.

વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ વેરિફિકેશન ડીલરની નિમણૂક કરતા પહેલાં વેરિફિકેશન માટે પ્રત્યેક બિઝનેસ માલિક અને તેના કારોબાર સંબંધિત દસ્તાવેજો સહિતની વિગતો એકત્ર કરનાર ટેલિકોમ ઓપરેટર દ્વારા કરવામાં આવશે. અગાઉ નિયમોમાં ડીલરના વિગતવાર દસ્તાવેજીકરણ અંગે કોઈ ઉલ્લેખ કરાયો નહોતો. તેમણે ઉમેર્યું કે ડીલર્સને વેરીફિકેશન માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે.

ટેલિકોમ મંત્રીએ કહ્યું કે, તેમના વિભાગે બલ્ક કનેક્શન ઈશ્યુ કરવાની જોગવાઈ રદ કરી નાંખી છે. હવે તેના બદલે બિઝનેસ કનેક્શનનો કન્સેપ્ટ રજૂ કરાશે. તેમાં કોઈપણ બિઝનેસ ગ્રૂપ, કોર્પોરેટ અથવા ઈવેન્ટ માટે સીમ ખરીદવાની વિશેષ વ્યવસ્થા તૈયાર કરાશે, જેમાં કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સીમ અપાશે. કોઈ કંપની બલ્કમાં સીમ ખરીદશે તો તેણે વ્યક્તિગત કેવાયસી પણ કરાવવું પડશે. વૈષ્ણવે કહ્યું કે લોકો બલ્કમાં સીમ ખરીદે છે, પરંતુ તેમાંથી ૨૦ ટકા સીમનો દુરુપયોગ થાય છે. તેનાથી સાઈબર ફ્રોડ થાય છે. વિગતવાર અભ્યાસ પછી બલ્કમાં સીમની ખરીદી પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે.

ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમનું પરિક્ષણ કરાયું

કેન્દ્ર સરકારે મોબાઈલ યુઝર્સને ઈમર્જન્સી એલર્ટ મેસેજ મોકલ્યા

- ટેલિકોમ વિભાગે પૂર, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં સંદેશ મોકલવાની ક્ષમતા ચકાસી

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં સ્માર્ટફોન વપરાશકારોને ઈમર્જન્સી સંદેશ મોકલીને તેની ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું હતું. દેશભરમાં બપોરે અનેક સ્માર્ટફોન્સમાં 'બીપ'ના અવાજ સાથે 'ઈમર્જન્સી એલર્ટ:સીવીયર'નો ફ્લેશ મેસેજ આવ્યો હતો. આ સંદેશ મોકલીને કેન્દ્ર સરકારે તેની ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમની દેશવાસીઓને સંદેશ મોકલવાની ક્ષમતાની પરીક્ષા કરી હતી.

ટેલિકોમ મંત્રાલય દ્વારા દેશભરમાં સેંકડો સ્માર્ટફોન યુઝર્સને એક ઈમર્જન્સી સંદેશ મોકલવામાં આવ્યો હતો. જોકે, આ સંદેશામાં સ્પષ્ટ લખ્યું છે કે તમારે તેના પર ધ્યાન આપવાની અથવા ચિંતા કરવાની જરૂર નથી. આ એક ટેસ્ટ મેસેજ હતો. ટેલિકોમ વિભાગના જણાવ્યા મુજબ આ સંદેશ એક ઈમર્જન્સી ટ્રાયલ હતી, જેથી પૂર, ભૂકંપ અથવા અન્ય કોઈ કુદરતી આપત્તી જેવી ઈમર્જન્સીમાં લોકોને ચેતવણી આપી શકાય. ટેસ્ટિંગ માટે કરાયેલા આ ટેક્સ્ટ સંદેશમાં લખ્યું હતું, 'આ સંદેશની અવગણના કરો અને તમારા તરફથી કોઈ કાર્યવાહીની જરૂર નથી. આ સંદેશ ટેસ્ટ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પાન-ઈન્ડિયા ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમનો ભાગ છે, જેનો આશય જાહેર સુરક્ષા વધારવી અને ઈમર્જન્સી સ્થિતિ દરમિયાન સમયસર એલર્ટ કરવાનો છે.' અનેક મોબાઈલ યુઝર્સને ગયા મહિને ૨૦ જુલાઈએ પણ આ પ્રકારનો એલર્ટ મેસેજ મળ્યો હતો.

ટેલિકોમ વિભાગની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમે કહ્યું કે, ટેલિકોમ વિભાગની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ મારફત આજે બપોરે ૧.૩૦ કલાકે જિઓ અને બીએસએનએલના યુઝર્સને મોકલવામાં આવ્યો હતો. આ સંદેશમાં યુઝર્સને જણાવાયું હતું કે, આ ટેસ્ટ મેસેજ છે અને તેમાં તમારે કશું કરવાની જરૂર નથી. સરકાર દ્વારા મોબાઈલ ઓપરેટર્સ અને સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમની ઈમર્જન્સી વોર્નિંગ કેપેબિલિટીનું આકલન કરવા માટે સમયે સમયે વિવિધ ક્ષેત્રોમાં આવું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. સરકાર ભૂકંપ, સુનામી અને પૂર જેવી આપદાઓ સામે વધુ સારી તૈયારી માટે એનડીએમએ સાથે કામ કરી રહી છે. સી-ડોટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હાલમાં વિદેશી વેન્ડર મારફત આ ટેક્નોલોજી ઉપલબ્ધ છે. તેથી સી-ડોટ ઈન-હાઉસ આવી ટેક્નોલોજી વિકસાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news