શહીદ જવાનની પત્નીએ શેર કર્યો પુલવામા એટેકની ગણતરીની મિનિટો પહેલાનો પતિનો છેલ્લો VIDEO
સીઆરપીએફની 76 બટાલિયનના પંજાબના તરન તારનના શહીદ જવાન સુખજિન્દર સિંહના પત્નીએ આ હુમલાની ગણતરીની મિનિટો પહેલાનો એક વીડિયો શેર કર્યો છે જે તેમના પતિએ હુમલા અગાઉ તેમને ખાસ મોકલ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલાની એક બસને જૈશ એ મોહમ્મદના આતંકીએ ટારગેટ કરી આત્મઘાતી હુમલો કરતા સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. જવાનોની શહાદતને લઈને આખા દેશમાં આક્રોશનો માહોલ છે. આ દરમિયાન સીઆરપીએફની 76 બટાલિયનના પંજાબના તરન તારનના શહીદ જવાન સુખજિન્દર સિંહના પત્નીએ આ હુમલાની ગણતરીની મિનિટો પહેલાનો એક વીડિયો શેર કર્યો છે જે તેમના પતિએ હુમલા અગાઉ તેમને ખાસ મોકલ્યો હતો.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આત્મઘાતી હુમલાનો ભોગ બનેલી સીઆરપીએફના કાફલાની બસ હુમલા અગાઉ નેશનલ હાઈવે પર દોડી રહી છે. આ એ જ બસ છે જેના પર જૈશના આતંકીએ આત્મઘાતી હુમલો કર્યો હતો અને 40 જવાનો શહીદ થયા હતાં. શહીદ થયેલા જવાને આ વીડિયો હુમલાના દિવસે જ પત્નીને મોકલ્યો હતો. પરંતુ પત્નીએ આ વીડિયો બીજા દિવસે શુક્રવારે જોયો.
આ વીડિયો પતિ દ્વારા મોકલવામાં આવેલો છેલ્લો વીડિયો હતો. પત્નીએ આ વીડિયોને મીડિયાકર્મીઓ સાથે શેર કર્યો. અત્રે જણાવવાનું કે સુખજિન્દર સિંહ પણ તે શહીદ જવાનોમાં સામેલ હતાં જે પુલવામાના ભીષણ આત્મઘાતી હુમલામાં શહીદ થઈ ગયાં. આ હુમલો છેલ્લા બે દાયકાનો જમ્મુ અને કાશ્મીરનો અત્યંત ભયાનક આતંકી હુમલો ગણાઈ રહ્યો છે.
સુખજિન્દર સિંહ તેમની પાછળ પત્ની, સાત મહિનાના પુત્ર અને માતાપિતાને છોડી ગયા છે. સિંહે 2003માં ફોર્સ જોઈન કરી હતી. તે વખતે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. આઠ મહિના અગાઉ જ તેમનું હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન થયું હતું. હુમલાની જાણ થતા જ શહીદ જવાનની પત્ની સરબજીત બેહેશ થઈ ગઈ હતી.
પતિની શહાદત પર પત્ની સરબજીતે કહ્યું હતું કે મને પતિની શહાદત પર ગર્વ છે. પરંતુ હવે આરપારની લડાઈ થવી જોઈએ. ત્યારે જ પાકિસ્તાન ઠેકાણે આવશે. આ હુમલાને લઈને સરકાર પણ આકરા પાણીએ છે. આર્મીને કાર્યવાહી માટે ખુલ્લી છૂટ અપાઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે અને ડિપ્લોમેટિક રીતે પણ પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. આર્મીએ કહ્યું છે કે આ હુમલાનો બદલો લેવા માટે સમય સ્થળ અને સ્વરૂપ તેઓ પસંદ કરશે. આ બાજુ સીઆરપીએફએ પણ કહી દીધુ છે કે તેઓ આ હુમલાને ભૂલશે નહીં, બદલો લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે