Coronavirus: ભારત અને ભારતીયો હિંમત હારશે નહીં, આપણે લડીશું અને જીતીશું- PM મોદી
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસ સામે ભારત અને ભારતના લોકો હિંમત હારશે નહીં. તેમણે કહ્યું કે આપણે લડીશું અને આ મહામારી સામે જીતીશું. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી જે કષ્ટ દેશવાસીઓએ સહન કર્યું છે તે હું પણ એટલું જ મહેસૂસ કરી રહ્યો છું.
રસી જ કોરોના સામે લડતમાં સૌથી મોટું હથિયાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાથી બચાવનું એક મોટું માધ્યમ છે કોરોના રસી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો મળીને એ સતત પ્રયત્ન કરે કે વધુમાં વધુ દેશવાસીઓને ઝડપથી રસી મૂકવામાં આવે. પીએમ મોદીએ જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 18 કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે દેશભરની સરકારી હોસ્પિટલોમાં મફત રસીકરણ થઈ રહ્યું છે. આથી જ્યારે પણ તમારો વારો આવે ત્યારે રસી જરૂર લો. આ રસી આપણને કોરોના વિરુદ્ધ સુરક્ષા કવચ આપશે. ગંભીર બીમારીની આશંકા ઓછી કરશે.
100 વર્ષ બાદ ભીષણ આફત
પીએમ મોદીએ કહ્યું કે ભારત હિંમત હારનારો દેશ નથી. ભારત અને કોઈ ભારતવાસી હિંમત હારશે નહીં. અમે લડીશું અને જીતીશું. પીએમ મોદીએ કહ્યું કે 100 વર્ષ બાદ આવેલી આટલી ભીષણ મહામારી ડગલેને પગલે દુનિયાની પરીક્ષા લઈ રહી છે. આપણી સામે એક અદ્રશ્ય દુશ્મન છે. આપણે આપણા અનેક નીકટના લોકોને ગુમાવી ચૂક્યા છીએ. છેલ્લા કેટલાક સમયથી જે કષ્ટ દેશવાસીઓએ સહન કર્યું છે તે હું પણ એટલું જ મહેસૂસ કરી રહ્યો છું.
જમાખોરી માનવતા વિરુદ્ધ અપરાધ
સંકટ સમયે દવાઓ અને જરૂરી વસ્તુઓની જમાકોરી અને કાળાબજારીમાં પણ કેટલાક લોકો પોતનો નિહિત સ્વાર્થ સાધવામાં લાગ્યા છે. હું રાજ્ય સરકારોને આગ્રહ કરીશ કે આવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે. આ કૃત્ય માનવતા વિરુદ્ધ છે.
દેશભરમાં રસીકરણ તેજ, રસી વચ્ચે ગેપ વધારવામાં આવ્યો
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. બીજી બાજુ કોરોના રસીકરણ સેન્ટર્સે રસી ઉપલબ્ધ ન હોવાની વાતો પણ સામે આવી છે. આ બધા વચ્ચે સરકારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ 6-8 અઠવાડિયાથી વધારીને 12-16 અઠવાડિયા કરવાની એક્સપર્ટ કમિટીની ભલામણ સ્વીકારી લીધી છે.
પીએમ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ કરી દીધો છે. જે હેઠળ 9.5 કરોડ લાભાર્થી કિસાન પરિવારો માટે 19,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી. એટલે કે હવે 9.5 કરોડ કિસાન પરિવારોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi Yojana) ના 2000 રૂપિયા પહોંચી જશે. ડિસેમ્બર 2018માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ અપાય છે. આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને મળી શકે છે કે જેમની પાસે 2 હેક્ટર કે તેનાથી ઓછી ખેતીની જમીન હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે