Corona Update: ઓમિક્રોનના જોખમ પર AIIMS પ્રમુખે આપી 'ચેતવણી'- કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહો
દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ સહિત કોરોનાના વધતા કેસ વચ્ચે ડો. ગુલેરિયાએ આ ચેતવણી આપી છે.
Trending Photos
નવી દિલ્હી: એમ્સ પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે દેશે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ સહિત કોરોનાના વધતા કેસ વચ્ચે ડો. ગુલેરિયાએ આ ચેતવણી આપી છે. ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના અત્યાર સુધીમાં 160 કેસ નોંધાયા છે. કોરોનાનો આ વેરિએન્ટ ખુબ જ ચેપી હોવાનું કહેવાય છે. દુનિયાભરમાં આ વેરિએન્ટના કેસ વધી રહ્યા છે.
બ્રિટનમાં તો રવિવારે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના દસ હજાર જેટલા કેસ સામે આવ્યા છે. બ્રિટનમાં વધતા કેસનો હવાલો આપતા ડો. ગુલેરિયાએ કહ્યું કે આપણે પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહવું પડશે. બ્રિટનમાં દરરોજ લગભગ એક લાખ કેસ સામે આવી રહ્યા છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે આપણે ઓમિક્રોન પર વધુ ડેટાની જરૂર છે.
તેમણે કહ્યું કે અમેરિકા, બ્રિટન, અને અન્ય દેશોમાં કોરોનાના વધતા ગ્રાફ પર આપણે સતર્ક નજર રાખવી જોઈએ. આ એક સમજદારીવાળું પગલું હશે કે આપણે પહેલાં જ આવી કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે પોતાને તૈયાર રાખીએ. WHOનું કહેવું છે કે ઓમિક્રોનની દુનિયામાં સૌથી પહેલા જાણ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી.
9 નવેમ્બરના રોજ પહેલીવાર આ વેરિએન્ટ(B.1.1.529 ) નો નમૂનો લેવાયો હતો. જેની પુષ્ટિ 25 નવેમ્બરના રોજ થઈ હતી. વિશ્વ આરોગ્ય સંગઠને 26 નવેમ્બરના રોજ કોવિડ-19ના આ વેરિએન્ટને (B.1.1.529 ) નામ આપ્યું હતું. પછી ઓમિક્રોનને વેરિએન્ટ ઓફ કન્સર્ન ગણાવાયો હતો.
ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,563 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 132 દર્દીઓના મોત થયા છે. હાલ દેશમાં 82,267 લોકો સારવાર હેઠળ છે. આ આંકડો 572 દિવસમાં સૌથી નીચો આંકડો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 1,37,67,20,359 ડોઝ અપાયા છે.
COVID19 | India reports 6,563 new cases, 132 deaths and 8,077 recoveries in the last 24 hours; Active caseload stands at 82,267; lowest in 572 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/mDYEKAVjxW
— ANI (@ANI) December 20, 2021
ભારતમાં ઓમિક્રોનના 160 કેસ થયા
સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ મુજબ ઓમિક્રોન દેશના 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં દસ્તક દઈ ચૂક્યો છે. દિલ્હીમાં બે નવા કેસ ઉપરાંત કર્ણાટકમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ સામે આવ્યા છે. કર્ણાટક દેશનું પહેલું રાજ્ય છે જ્યાં ઓમિક્રોનનો કેસ સૌ પ્રથમ નોંધાયો હતો. કર્ણાટકમાં 2 ડિસેમ્બરે પહેલો કેસ નોંધાયો હતો. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ ઓમિક્રોનના સૌથી વધુ 54 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ત્યારબાદ દિલ્હીમાં 24, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 19, તેલંગણામાં 20, ગુજરાતમાં 11, કેરળમાં 11 અને આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે