જેટલી વખત ઇચ્છો ધરપકડ કરો, મને કોઇ ફરક નથી પડતો : રાહુલ ગાંધી

દિલ્હીની દયાલ સિંહ કોલેજથી સીબીઆઇ મુખ્યમથક સુધી રાહુલ ગાંધીએ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું

જેટલી વખત ઇચ્છો ધરપકડ કરો, મને કોઇ ફરક નથી પડતો : રાહુલ ગાંધી

નવી દિલ્હી : તપાસ એજન્સી સીબીઆઇનાં આંતરિક વિવાદ મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકારને ઘેરવાનાં પ્રયાસો કરી રહી છે. જેનાં પગલે શુક્રવારે સમગ્ર દેશમાં પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં શુક્રવારે દિલ્હી લોધી રોડ ખાતે દયાલ સિંહ કોલેજથી ચાલુ થયેલ કોંગ્રેસની માર્ચ સીબીઆઇ મુખ્યમથકની બહાર પહોંચી. અહીં રાહુલ ગાંધી પોલીસ બેરીકેડ પર બેસી ગયા હતા. 

રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે સીબીઆઇ મુખ્યમથકની બહાર પ્રદર્શન બાદ સાંકેતિક ધરપકડ વહોરી હતી. તેમણે ત્યાર બાદ લોધી રોડ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. તેમણે કહ્યું કે, જેટલી વખત મારી ધરપકડ કરવી હોય કરી લો, મને કોઇ ફરક નથી પડતો. 

રાહુલ ગાંધીએ આ દરમિયાન રાફેલ ડીલના મુદ્દે મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાને અનિલ અંબાણીને આ ડીલમાં ફાયદો પહોંચાડ્યો છે. રાહુલે કહ્યું કે, નિરવ મોદી અને માલ્યાની જેમ જ અનિલ અંબાણી પણ દેશથી ભાગી જશે. તેમણે કહ્યું કે, મોદી સરકારનું સત્ય એક દિવસ બધાની સામે આવસે. પોલીસે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પણ અટકાયત કરી હતી. 

રાહુલ ગાંધીની સાથે મોટા પ્રમાણમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ દયાલસિંહ કોલેજમાં એકત્ર થયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વિરોધ વડાપ્રધાન મોદીની અસંવૈધાનિક નિર્ણયોની વિરુદ્ધ છે. આ પ્રદર્શનને જોતા સીબીઆઇ મુખ્યમથકની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પ્રદર્શન મુદ્દે કોંગ્રેસને તૃણમુલ કોંગ્રેસનો પણ સાથ મળી રહ્યો છે.

— ANI (@ANI) October 26, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news