Citizenship Amendment Bill: લોકસભામાં પાસ પણ રાજ્યસભામાં શું થશે? અહીં પણ BJPનું પલડું છે ભારે, જુઓ સમીકરણ

Citizenship Amendment Bill: રાજ્યસભામાં હાલ તો મોદી સરકારનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. પરંતુ એ વાત પણ સાચી છે કે જો થોડો પણ ઉલટફેર થયો તો મોદી સરકાર માટે આ બિલ રાજ્યસભામાં પાસ કરાવવા માટે ભારે પડી શકે છે. આવો આપણે જોઈએ કે રાજ્યસભામાં હાલ શું સ્થિતિ છે....નંબરગેમ પ્રમાણે ભાજપ માટે હાલ તો સ્થિતિ સારી છે...

Citizenship Amendment Bill: લોકસભામાં પાસ પણ રાજ્યસભામાં શું થશે? અહીં પણ BJPનું પલડું છે ભારે, જુઓ સમીકરણ

નવી દિલ્હી: ખુબ જ ચર્ચાસ્પદ નાગરિકતા સંશોધન બિલ પર હાલ રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. બિલ સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં બહુમત સાથે પસાર થઈ ગયું છે. લોકસભામાં બિલના પક્ષમાં 311 મત પડ્યા હતાં જ્યારે વિરોધમાં 80 મત પડ્યાં હતાં. પરંતુ રાજ્યસભામાં આ બિલ પાસ કરવું જદ્દોજહેમતભર્યું છે. જો કે રાજ્યસભામાં હાલ તો મોદી સરકારનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. પરંતુ એ વાત પણ સાચી છે કે જો થોડો પણ ઉલટફેર થયો તો મોદી સરકાર માટે આ બિલ રાજ્યસભામાં પાસ કરાવવા માટે ભારે પડી શકે છે. આવો આપણે જોઈએ કે રાજ્યસભામાં હાલ શું સ્થિતિ છે....નંબરગેમ પ્રમાણે ભાજપ માટે હાલ તો સ્થિતિ સારી છે...

બહુમતનો આંકડો અને ભાજપનું ગણિત
વિપક્ષના પ્રચંડ વિરોધ વચ્ચે રાજ્યસભામાં હાલની સ્થિતિ જોઈએ તો સંખ્યાબળ ભાજપના નેતૃત્વવાળા એનડીએના પક્ષમાં જોવા મળી રહ્યું છે. સદનની કુલ સંખ્યા 245 છે. પરંતુ હજુ પણ પાંચ બેઠકો ખાલી છે. જેને જોતા હાલ રાજ્યસભામાં સંખ્યા 240 છે. ભાજપને નાગરિકતા સંશોધન બિલ પાસ કરાવવા માટે 121 સાંસદોનું સમર્થન જરૂરી છે. રાજ્યસભામાં ભાજપના 83 સાંસદ છે. એમ જોતા ભાજપને બહુમત માટે 38 સાંસદોનું સમર્થન જોઈએ છે. 

જો કે ભાજપ પૂરતો વિશ્વાસ ધરાવે છે કે આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ જશે. કારણ કે કેટલાક પક્ષોનું ભાજપને સમર્થન છે. આ પક્ષોમાં AIADMK (11), JDU (6), SAD (શિરોમણી અકાલી દળ 3), અપક્ષો અને અન્યો મળીને 13 રાજ્યસભા સાંસદોનો સમાવેશ થાય છે. આ બધા થઈને કુલ 116 સાંસદો થાય છે. આ ઉપરાંત બીજુ જનતા દળના 7 સાંસદો, વાયએસઆર કોંગ્રેસના 2 અને ટીડીપીના 2 સાંસદો પણ સરકારને સમર્થન આપી શકે છે. આમ બધુ થઈને ભાજપને રાજ્યસભામાં 127 સાંસદોનું સમર્થન મળી શકે છે. 

આ VIDEO પણ જુઓ...

અગાઉ એનડીએનો ઘટક પક્ષ રહી ચૂકેલી શિવસેનાએ હાલમાં જ એનડીએ સાથે નાતો તોડ્યો પરંતુ તેણે લોકસભામાં આ બિલનું સમર્થન કર્યું હતું. જો કે રાજ્યસભામાં શિવસેનાએ પોતાના પત્તા ખોલ્યા નથી. રાજ્યસભામાં શિવસેનાના 3 રાજ્યસભા સાંસદો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જ્યાં સુધી આ બિલ અંગે કેટલાક મુદ્દાઓ ક્લિયર ન થાય ત્યાં સુધી તેમની પાર્ટી રાજ્યસભામાં બિલનું સમર્થન કરશે નહીં. 

વિપક્ષ નંબરગેમમાં પાછળ
આ બાજુ વિપક્ષ પણ પૂરતું જોર લગાવી રહ્યો છે કે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ન શકે. યુપીએમાં કોંગ્રેસના સૌથી વધુ 46 સાંસદો રાજ્યસભામાં છે. ત્યારબાદ ગઠબંધનના સાથી પક્ષ ડીએમકેના 5 જ્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ચાર ચાર સાંસદો છે. આ ઉપરાંત KC(M)-1, PMK (1), IUML (1), MDMK (1) અને અન્ય એક સાંસદ મળીને આંકડો 64 પર પહોંચે છે. યુપીએ ઉપરાંત પણ અન્ય પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યાં છે તેમાં ટીએમસી 13, સમાજવાદી પાર્ટી 9, સીપીએમ 5, બીએસપી 4, AAP 3, પીડીપી 2, CPI 1, JDS 1 અને TRSના 6 સાંસદો છે જે બિલની વિરુદ્ધમાં જઈ શકે છે. આમ બધા થઈને 108 મત બિલની વિરુદ્ધમાં પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news