છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 : સત્તા ટકાવી રાખવા ભાજપનો 'કાતર' દાવ?
રાજ્યમાં મુખ્યમંત્રી રમણ સિંહ છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા હોવા છતાં આ વખતે કોંગ્રેસનો ગઢ મજબૂત હોય એવું દેખાઈ રહ્યું છે, કેન્દ્રની ભાજપ સરકાર વચનો પાળવામાં નિષ્ફળ ગઈ હોવાની સીધી અસર છત્તીસગઢના સ્થાનિક રાજકારણમાં પણ જોવા મળી રહી છે
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ દેશનાં પાંચ રાજ્ય- છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં આગામી વિધાનસભા માટેની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાનારું છે. પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરના રોજ 18 બેઠક પર અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બર, 2018ના રોજ બાકીની 72 બેઠક પર યોજાશે, જ્યારે 11 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થવાનું છે. છત્તીસગઢ વિધાનસભાની મુદ્દત 5 જાન્યુઆરી, 2019ના રોજ સમાપ્ત થવાની છે. છત્તીસગઢ વિધાનસભાની કુલ 91 બેઠક છે, જેમાં 1 બેઠક નામાંકિત સભ્ય માટે છે.
મધ્યપ્રદેશમાંથી અલગ પડીને છત્તીસગઢ રાજ્યની રચના 1 નવેમ્બર, 2000ના રોજ થઈ હતી. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિજેતા બની હતી અને કોંગ્રેસના મુખ્યમંત્રી અજીત જોગીએ સરકાર બનાવી હતી. છત્તીસગઢ વિધાનસભાનું પ્રથમ સત્ર રાયપુરમાં આવેલી રાજકુમાર કોલેજના જસપુર હોલમાં મળ્યું હતું. છત્તીસગઢમાં કુલ 27 જિલ્લા છે. રાજ્યમાં કુલ 51 બેઠક સામાન્ય, 10 બેઠક એસસી અને 29 બેઠક એસટી માટે અનામત છે.
રાજ્યમાં મુખ્યમંત્રી રમણ સિંહ છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા હોવા છતાં આ વખતે કોંગ્રેસનો હાથ મજબૂત થતો દેખાઇ રહ્યો છે. આ સંજોગોમાં સત્તા ટકાવી રાખવા અને રાજ્યમાં કમળ પથરાયેલું રહે એ માટે ભાજપે કમરકસી છે. એક સાથે પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલી આ ચૂંટણી કેન્દ્રની ભાજપ સરકાર માટે ફાઇનલ પહેલાના જંગ સમાન હોવાથી સહેજ પણ ઓછું ખપે એમ નથી. જે છે એ ટકાવી રાખવું અને વધારાની બેઠકો કબ્જે કરવાના મનસુબા સાથે ભાજપે છત્તીસગઢમાં નવા સમીકરણો સાથે દાવ અજમાવ્યો છે. ભાજપે જાહેર કરેલી પ્રથમ ઉમેદવાર યાદીમાં જાણે બે હાથે કાતર ફેરવી છે અને મહિલા ઉમેદવારોને વધુ તક આપી છે. ભાજપનો આ દાવ કેવો સાબિત થશે? આવો જાણીએ વિગતે...
કુલ બેઠકઃ 90
બહુમત માટે જરૂરી બેઠકઃ 46
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 12 અને 20 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018
2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ સીટ
ભાજપ 49
કોંગ્રેસ 39
બસપા 01
અપક્ષ 01
ભાજપની સરકારને ખતરો
છત્તીસગઢમાં વર્તમાન મુખ્યમંત્રી રમણ સિંહ લોકપ્રિય નેતા અને મજબૂત રાજકીય પકડ ધરાવતી વ્યક્તિ છે. છેલ્લી ચૂંટણીમાં તેમને કોંગ્રેસની બરાબર ટક્કર મળી હોવા છતાં તેમણે સરકાર બનાવી હતી. જોકે, છેલ્લા 15 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ નકસલવાદને ડામવામાં અને રોજગાર પેદા કરવામાં નિષ્ફળ રહેલી તેમની સરકાર લોકોના ગુસ્સાનો ભોગ બની શકે છે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલી એન્ટી ઈન્કમ્બન્સી પણ છત્તીસગઢ સરકારને નડે એવી છે. કેન્દ્રની મોદી સરકાર સામે છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા, રાફેલ સોદો, નોટબંધી અને રોજગારી અંગે આપેલા વચનોમાં નિષ્ફળ જવાના કારણે જે નકારાત્મક માહોલ બન્યો છે, તે છત્તીસગઢની ભાજપ સરકારને ચૂંટણીમાં નડી શકે છે.
છત્તીસગઢ ચૂંટણી 2018 - વાજપેયીની ભત્રીજી કરૂણા શૂકલા મુખ્યમંત્રી રમણસિંહ સામે ચૂંટણી લડશે
ભાજપે 14ની ટિકિટ કાપી
ભાજપે 77 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં તેણે એક મંત્રી સહિત 14 વર્તમાન ધારાસભ્યોના નામ કાપી નાખ્યા છે. ભાજપે પ્રથમ તબક્કાની 18 બેઠકમાંથી 17 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કુલ 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસ માટે તક
કોંગ્રેસ માટે સત્તામાં પાછા ફરવાની સુંદર તક ઊભી થઈ છે. સ્થાનિક સ્તરે કેટલાક મુદ્દે નિષ્ફળ રહેલી રમણ સરકાર અને કેન્દ્રમાં ભાજપ સરકારની નિષ્ફળતાને જો કોંગ્રેસ વટાવી શકે તો ફરીથી સત્તા મેળવી શકે છે. જોકે, બરાબર ચૂંટણી પહેલા જ ભાજપે તેને ફટકો આપ્યો છે. કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય રામનાથ ઉઈક ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. તેઓ બિલાસપુર વિસ્તારના ટોચના આદિવાસી નેતા છે.
કોંગ્રેસે પ્રથમ તબક્કાના મતદાન માટે નકસલવાદ પ્રભાવિત બસ્તર વિસ્તારની 12 બેઠકોની યાદી જાહેર કરી છે, જેમાં 7 વર્તમાન ધારાસભ્યોને રીપિટ કર્યા છે. આ ઉપરાંત, કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીએ પક્ષ સાથે છેડો ફાડીને જે નવી પાર્ટી બનાવી છે તે પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. કેમ કે, રાજ્યમાં અજીત જોગી એક શક્તીશાળી આદિવાસી નેતા છે.
જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને BSPનું ગઠબંધન
કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના નેતા એવા અજીત જોગીએ 2016માં કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાની નવી પાર્ટી 'જનતા કોંગ્રેસ છત્તીસગઢ' (JCC) બનાવી હતી. તેમની પાર્ટીએ માયાવતીની બસપા અને સીપીઆઈ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ ભેગા મળીને 90 બેઠક પર ચૂંટણી લડવાના છે. જેમાં માયાવતીની બસપા 35 બેઠક પર જ્યારે બાકીની 55 બેઠક પર અજીત જોગીની પાર્ટી ચૂંટણી લડશે. જોકે, અજીત જોગી ચૂંટણી લડવાના નથી. તેઓ આ તમામ બેઠકોનું પ્રચારકાર્ય સંભાળશે.
જોગી પરિવારમાં પણ ફાડા
અજીત જોગીનાં પત્ની રેણુ કોંગ્રેસ સાથે જ જોડાયેલાં રહ્યાં છે. તેઓ કોટા બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયેલા છે અને આ વખતે પણ એ જ બેઠક માટે તેમણે માગણી કરી છે. બીજી તરફ જોગીની પુત્રવધુ રીચા સસરાના પક્ષના બદલે માયાવતીની બસપામાં જોડાઈ છે અને જાંજગીર-ચંપા જિલ્લાની અકાલતરા બેઠક પરથી ચૂંટણી લડવાની છે. જોગીનો પુત્ર અમિત પિતાની પાર્ટીમાં જોડાયો છે અને તે મરવાહી બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.
વર્તમાન પરિસ્થિતી મુજબ છત્તીસગઢમાં અત્યારે ત્રિશંકુની સ્થિતી ઊભી થઈ છે. જોકે, તેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર રહેશે. અજીત જોગીનો નવો પક્ષ ચૂંટણીમાં કેટલું સમર્થન મેળવે છે તે તો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ કહી શકાય છે.
છત્તીસગઢમાં છેલ્લી 4 વિધાનસભાનો કાર્યકાળ
વિધાનસભા સમયગાળો(બેઠક) મુખ્યમંત્રી
પ્રથમ 2000-2003 (કોંગ્રેસ-48, ભાજપ-38) અજીત જોગી(કોંગ્રેસ)
બીજી 2003-2008 (ભાજપ-50, કોંગ્રેસ-37) રમણ સિંઘ (ભાજપ)
ત્રીજી 2008-2013 (ભાજપ-50, કોંગ્રેસ-38) રમણ સિંઘ (ભાજપ)
ચોથી 2013-વર્તમાન (ભાજપ-49, કોંગ્રેસ-39) રમણ સિંઘ (ભાજપ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે