CBI War : આલોક વર્માને જ્યારે રજાનું તેડુ આવ્યું, ત્યારે તેમના ટેબલ પર પડી હતી 7 મહત્વની ફાઈલો

સીબીઆઈમા વિવાદો બાદ ઓફિસરોની કરાયેલી હેરાફેરી મામલે આલોક વર્માએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખટાવ્યા છે. આલોક વર્માને જ્યારે રજા પર ઉતરી જવાનું તેડુ આવ્યું ત્યારે તેમના ટેબલ પર 7 મહત્વની ફાઈલો પડી હતી

CBI War : આલોક વર્માને જ્યારે રજાનું તેડુ આવ્યું, ત્યારે તેમના ટેબલ પર પડી હતી 7 મહત્વની ફાઈલો

નવી દિલ્હી : આજનો દિવસ રજા પર મોકલી દેવાયેલા સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા માટે ખાસ છે. આજે તેમની રજા મામલે સુપ્રિમમાં સુનવણી છે. સીબીઆઈમા વિવાદો બાદ ઓફિસરોની કરાયેલી હેરાફેરી મામલે આલોક વર્માએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખટાવ્યા છે. આલોક વર્માને જ્યારે રજા પર ઉતરી જવાનું તેડુ આવ્યું ત્યારે તેમના ટેબલ પર 7 મહત્વની ફાઈલો પડી હતી. આ ફાઈલ મહત્વના કેસોની છે, જે વિશે પહેલેથી જ દેશમાં ધમાસાણ ચાલી રહ્યું છે. હાલ, આલોક વર્માના ટેબલ પર પડેલી આ ફાઈલોની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે, જેની તપાસ તેમના હાથમાં હતી. 

રાફેલ ડીલના વિવાદની ફાઈલ
રાફેલ ડીલના ફરિયાદની ફાઈલની તપાસ પણ આલોક વર્મા પાસે હતી. હાલ દેશમાં સૌથી ગરમ ચર્ચાતો મુદ્દો રાફેલ સોદો છે. જેને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. યશવંત સિન્હા, અરુણ શૌરી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે 132 પાનાની રિપોર્ટ આલોક વર્માને 4 ઓક્ટોબરના રોજ સોંપી હતી. 

મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો કેસ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં આચરાયેલા ભ્રષ્ટાચારના કેસની તપાસમાં આલોક વર્મા સહિત અનેક ઓફિસર્સ જોડાયેલા છે. ભ્રષ્ટાચારના નામોમાં ઓરિસ્સા હાઈકોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ આઈ.એમ કુદ્દુસીનું નામ પણ સામેલ છે. કુદ્દુસી વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરાઈ હતી, અને તેના પર આલોક વર્માની સહી થવાની બાકી હતી. 

ન્યાયાધીશ એસ.એન.શુક્લા કેસ
મેડિકલ સીટ્સ પર એડમિશનમાં ભ્રષ્ટાચારના કેસની ફાઈલ પણ આલોક વર્મા પાસે છે. જેમાં ઈલાહાબાદના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એસ.એન શુક્લાનું નામ સામેલ હતું. તેમને મેડિકલ સીટ્સ પર ભષ્ટ્રાચારના આરોપોને પગલે રજા પર ઉતારી દેવાયા હતા. કેસની તપાસ થઈ ગઈ હતી, પરંતુ તેના પર આલોક વર્માની સહી બાકી હતી. 

ફાઈનાન્સ તેમજ રાજસ્વ સચિવ હસમુખ અઢીયા
સાત ફાઈલમાં એક ફાઈલ મોદીના માનીતા નેત હસમુખ અઢીયાની છે. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફાઈનાન્સ તેમજ રાજસ્વ સચિવ હસમુખ અઢીયા સામે ફરિયાદ કરી છે, જેના દસ્તાવેજો સીબીઆઈને સોંપાયા છે.

કોલસાના ખાણની વહેંચણી
કોલસાના ખાણની વહેંચણીના મામલે વડાપ્રધાનના સચિવ આઈએએસ અધિકારી ભાસ્કર ખુલબેની સંદિગ્ધ ભૂમિકાની તપાસ પણ સીબીઆઈ દ્વારા થઈ રહી છે. જેની ફાઈલ આલોક વર્માની ઓફિસમાં છે. 
 
નોકરીમાં લાંચનો કેસ
નોકરી માટે નેતાઓ અને અધિકારીઓને લાંચ આપવાના મામલે દિલ્હી આધારિત એક વચેટિયાના ઘર પર રેડ પાડવામાં આવી હતી, જેની તપાસ સીબીઆઈ કરી રહી છે. 

સાંડેસરા અને સ્ટર્લિંગ બાયોટેકનો મામલો
સીબીઆઈની આ તપાસનું ગુજરાત કનેક્શન છે. જેને કારણે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પણ વિવાદમાં આવ્યા હતા. આ કેસને કારણે એક વર્ષથી આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવામાં આ ફાઈલ બહુ જ મહત્વની છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news