બિહારમાં થશે NDA વાપસી કે પછી તેજસ્વીની 'તાજપોશી'? આજે આવશે ચૂંટણી પરિણામ

બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં સંપન્ન થયેલી ચૂંટણીનું પરિણામ આજે મંગળવારે જાહેર થશે. તે માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મતગણતરીના બધા સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. 

બિહારમાં થશે NDA વાપસી કે પછી તેજસ્વીની 'તાજપોશી'? આજે આવશે ચૂંટણી પરિણામ

પટનાઃ બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં સંપન્ન થયેલી ચૂંટણીનું પરિણામ આજે મંગળવારે જાહેર થશે. તે માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મતગણતરીના બધા સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. રાજ્યમાં મતગણતરી માટે 38 જિલ્લામાં 55 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યાં મતગણતરી હાથ ધરવામાં આવશે. 

બિહારમાં ત્રણ તબક્કા 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થયું હતું. 10 નવેમ્બરે મતગણના થશે, ત્યારબાદ નક્કી થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે સત્તા કોના હાથમાં રહેશે. બિહાર રાજ્ય ચૂંટણી પંચ પ્રમાણે પૂર્વી ચંપારણ, સીવાન, બેગૂસરાય અને ગયામાં ત્રણ-ત્રણ, નાલંદા, બાંકા, પૂર્ણિયા, ભાગલપુર, દરભંગા, ગોપાલગંજ, સહરસામાં બે-બે મતગણના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 55 મતદાન કેન્દ્રોમાં 414 હોલ બનાવવામાં આવ્યા છે. 

બધા કેન્દ્રો પર 8 કલાકથી મત ગણતરીનો પ્રારંભ થશે, સંભાવના છે કે નવ કલાક સુધી ટ્રેન્ડ આવવાના શરૂ થઈ જશે. પ્રથમ પરિણામ બપોરે ત્રણ કલાકે આવવાની સંભાવના છે. બિહારના મુખ્ય ચૂંટણી અદિકાર એચ આર શ્રીનિવાસે કહ્યુ કે, ચૂંટણી પંચે સ્ટ્રોંગ રૂમ અને મતગણના કેન્દ્રો માટે ત્રિસ્તરિય સુરક્ષા સ્થાપિત કરી છે. સુરક્ષા પ્રમાણે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ પછી બિહાર સૈન્ય પોલી અને પછી જિલ્લા પોલીસને તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, બધા મતગણના કેન્દ્રોને સીસીટીવી હેઠળ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્રોને બેરિકેડિંગ કરવામાં આવ્યા છે, જેની પાસે પાસ હશે તેને અંદર આવવાની મંજૂરી હશે. 

બિહારમાં કુલ 243 સીટ
બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. તો સરકાર બનાવવા માટે બહુમતી મેળવવા 122 સીટની જરૂર છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો એનડીએ અને મહાગઠબંધન વચ્ચે હતો. એનડીએમાં ભાજપ, નીતીશ કુમારની પાર્ટી જેડીયૂ, જીતનરામ માંઝીની પાર્ટી હમ અને મુકેશ સાહનીની પાર્ટી સામેલ છે. તો મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષ સામેલ છે. 

પ્રથમ તબક્કામાં 1066 ઉમેદવાર
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 71 સીટો માટે મતદાન થયું. પ્રથમ તબક્કામાં 1066 ઉમેદવાર મેદાનમાં હતા. પ્રથમ તબક્કા માટે  31,371 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.
 
બિહારના સીએમ નીતીશ કુમારની અધ્યક્ષતામાં એનડીએ તરફથી જેડીયુ - 35 બેઠકો, ભાજપ - 29 બેઠકો, જીતનરામ માંઝીની પાર્ટી હમ - 6 બેઠકો અને મુકેશ સાહનીની પાર્ટી વીઆઇપીએ એક બેઠક લડી હતી. તેજસ્વી યાદવની આગેવાની હેઠળના મહાગઠબંધનની વાત કરીએ તો, પ્રથમ તબક્કામાં, આરજેડીએ 42 બેઠકો પર, કોંગ્રેસ 21 બેઠકો પર અને સીપીઆઇ (એમએલ) 8 બેઠકો પર લડ્યા હતા. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં એલજેપીના 42 ઉમેદવારો લડ્યા હતા.

બીજા તબક્કામાં કુલ 1463 ઉમેદવાર
બીજા તબક્કામાં કુલ 1463 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાં 146 મહિલા અને એક ટ્રાન્સઝેન્ડર ઉમેદવાર સામેલ છે. આ તબક્કામાં 17 જિલ્લાની 94 સીટો પર મતદાન થયું હતું. 

ત્રીજા તબક્કામાં 1195 ઉમેદવાર
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે 7 નવેમ્બરે 78 સીટો પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં કુલ 1195 ઉમેદવાર મેદાનમાં હતા. 

ત્રણ તબક્કામાં થયું કુલ 57.05 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રણેય તબક્કામાં 57.05 ટકા મતદાન થયું છે. પરંતુ ખાસ વાત છે કે મહિલાઓના મતદાનની ટકાવારી પુરૂષોથી 5 ટકા વધુ છે. ત્રણ તબક્કામાં ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ત્રણ ત્રીજા તબક્કામાં સૌથી વધુ 59.94 ટકા મતદાન થયું હતું. 

ક્યા તબક્કામાં કેટલું મતદાન થયું?
પ્રથમ તબક્કો - 71 બેઠકો - 28 ઓક્ટોબર
મતદાન - 55.68%
પુરુષ - 56.83%
સ્ત્રી - 54.41%

બીજો તબક્કો - 94 બેઠકો - 3 નવેમ્બર
મતદાન - 55.70%
પુરુષ - 52.92%
સ્ત્રી - 58.80%

ત્રીજો તબક્કો - 78 બેઠકો - 7 નવેમ્બર
મતદાન - 59.94%
પુરુષ - 54.86%
સ્ત્રી - 65.54%

કુલ મતદાન - 57.05%
પુરુષ - 54.68%
સ્ત્રી - 59.69%

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીત પાક્કી કરવા માટે બધી રાજકીય પાર્ટીઓએ ખુબ જોર લગાવ્યું હતું. વાયદાઓ અને દાવાઓનો સિલસિલો પણ લાંબો ચાલ્યો હતો. આ વચ્ચે બિહારમાં કેટલીક એવી સીટ છે જેના પર બધાની નજર છે. આ સીટો પર જેડીયૂ, આરજેડી, ભાજપ અને હમ સહિત અનેક પાર્ટીઓના નેતા ચૂંટણી લડી રહ્યાં છે. આ વીઆઈપી સીટો પર ઘણા દિગ્ગજોની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. 

આ છે બિહારની VIP સીટો
1. હસનપુર - તેજ પ્રતાપ યાદવ
2. રાઘોપુર - તેજસ્વી યાદવ
3. બાંકીપુર- પુષ્પમ પ્રિયા
4. બિસ્ફી- પુષ્પમ પ્રિયા
5. મુઝફ્ફરપુર - સુરેશ શર્મા- મંત્રી
6. પટના સાહેબ - નંદ કિશોર યાદવ - મંત્રી
7. ગયા- પ્રેમ કુમાર- મંત્રી
8. મોતીહારી - પ્રમોદ કુમાર - મંત્રી
9. સરૈરંજન - વિજય ચૌધરી - સ્પીકર
10. સહર્ષ - લવલી આનંદ - આરજેડી
11. ઉજીપુરપુર - આલોક મહેતા - આરજેડી
12. મોકમા - અનંત સિંહ - આરજેડી
13. મેહનાર-વીણા સિંહ-આરજેડી (રામાસિંહની પત્ની)
14. રામગઢ - સુધાકર સિંહ - જગદાનંદસિંહનો પુત્ર - આરજેડી
15. શાહપુર - રાહુલ તિવારી - શિવાનંદ તિવારીના પુત્ર - આરજેડી
16. નાલંદા - શ્રવણ કુમાર - મંત્રી - જેડીયુ
17. કેવતી - અબ્દુલ બારી સિદ્દીકી - આરજેડી
18. જમુઇ - શ્રેયાસી સિંઘ - ભાજપ
19. તારાપુર - દિવ્ય પ્રકાશ - જય પ્રકાશ યાદવની પુત્રી - આરજેડી
20. દાનાપુર - રીત લાલ યાદવ - બાહુબલી - આરજેડી
21. કુચાયકોટ - અમરેન્દ્ર પાંડે - બાહુબલી - જેડીયુ
22. લાલગંજ - મુન્ના શુક્લ - અપક્ષ
23. બોચન-રામાઇ રામ-આરજેડી
24. ઝાંઝરપુર - નીતીશ મિશ્રા - ભાજપ
25. મધુબન - રાણા રણધીર સિંહ - ભાજપ - મંત્રી
26. બ્રહ્માપુર - હુલાસ પાંડે - એલજેપી - બાહુબલી
27. સિમરી બખ્તિયારપુર - મુકેશ સાહની - વી.આઇ.પી.
28. સાસારામ - રામેશ્વર ચોરસીયા - એલજેપી
29. દિનારા - જયકુમાર સિંહ - મંત્રી - જેડીયુ
30. ઇમામગંજ - જીતન રામ માંઝી - એચએએમ
31. મધેપુરા - નિખિલ મંડળ - જેડીયુ - પાર્ટી પ્રવક્તા
32. રૂપૌલી - વીમા ભારતી - જેડીયુ - મંત્રી
33. બિહારગંજ- સુભાશિની- કોંગ્રેસ (શરદ યાદવની પુત્રી)
34. બાંકીપુર- લુવ સિન્હા (શત્રુઘ્ન સિન્હાના પુત્ર) કોંગ્રેસ
35. જાલે- મશકુર- કોંગ્રેસ

બિહાર વિધાનસભા ચૂંટણી કુલ ત્રણ તબક્કામાં સંપન્ન થઈ હતી. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 સીટો પર, બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 સીટો પર અને ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 વિધાનસભા સીટો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું ત્રણ નવેમ્બર અને ત્રીજા તબક્કામાં સાત નવેમ્બરે મતદાન થયું હતું. 

એક્ઝિટ પોલમાં આરજેડીની સરકાર
ત્રણ તબક્કાના મતદાન બાદ જાહેર થયેલા મોટાભાગના એક્ઝિટ પોલ પ્રમાણે બિહારમાં આ વખતે મહાગઠબંધન એનડીએને ટક્કર આપી રહ્યું છે. ઘણા એક્ઝિટ પોલમાં તો મહાગઠબંધન આગળ છે અથવા તેને પૂર્ણ બહુમત મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news