શહીદોના પરિવારોની વ્હારે આવ્યાં દેશવાસીઓ, 'ભારત કે વીર' પોર્ટલ પર 36 કલાકમાં કરોડો રૂપિયા જમા
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશના વિભિન્ન સંગઠનો અને લોકો શહીદોના પરિજનોને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશના વિભિન્ન સંગઠનો અને લોકો શહીદોના પરિજનોને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યાં છે. જેમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને મહારાષ્ટ્ર સ્થિત પ્રસિદ્ધ સાઈબાબા મંદિર મેનેજમેન્ટ ટ્રસ્ટ પણ સામેલ છે. આ બાજુ અભિયાન દરમિયાન શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોની આર્થિક સહાયતા માટે ફંડ ભેગુ કરવા બનાવવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ 'ભારત કે વીર'ને પુલવામા આતંકી હુમલા બાદથી અભૂતપૂર્વ રીતે સાત કરોડનું ફંડ મળી ચૂક્યું છે. અધિકારીઓએ આ જાણકારી આપી.
નોંધનીય છે કે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા એક આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા. કેન્દ્રીય ગૃહમંત્રાલયના ઓનલાઈન પોર્ટલનું ધ્યાન રાખી રહેલા અધિકારીઓએ નાગરિકોને 'ભારત કે વીર' સિવાય કોઈ પણ અન્ય મંચને શહીદ જવાનો માટે ફંડ ન આપવાની ભલામણ કરી છે. બીએસએફના આઈજી અમિત લોધાએ જણાવ્યું કે છેલ્લા 36 કલાકમાં ઓનલાઈન પોર્ટલ પર અમને અભૂતપૂર્વ મદદ મળી છે. જે સાત કરોડ રૂપિયા કરતા પણ વધુ છે.
મદદ માટે આગળ આવ્યાં અમિતાભ બચ્ચન
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રત્યેક જવાનના પરિવારને 5 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. અભિનેતાના એક પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ વિભિન્ન સરકારી સૂત્રોથી જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યાં છે કે આ મદદની રકમને કેવી રીતે આપવામાં આવે જેથી કરીને જેમ બને તેમ જલદી તેમના સુધી પહોંચી શકે. પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે બચ્ચન પ્રત્યેક શહીદના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ કરી રહ્યાં છે અને તેઓ આ મદદ યોગ્ય રીતે પહોંચી શકે તે માટે રીત પણ શોધી રહ્યાં છે.
મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સાઈબાબા મંદિરના મેનેજમેન્ટ ટ્રસ્ટે પણ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને કુલ 2.51 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે