World Cup : ભારતીય ખેલાડીઓની સુરક્ષા અંગે BCCI ચિંતિત, ICCને લખ્યો પત્ર
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં હેડિંગ્લે સ્ટેડિયમ પરથી એક પછી એક ત્રણ વિમાન પસાર થયા હતા, જેમાં કાશ્મીર સંબંધિત સંદેશો લખેલા ઝંડા લહેરાતા હતા
Trending Photos
લીડ્સઃ ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ આઈસીસી વર્લ્ડ કપ-2019ને દુનિયાભરમાં કરોડો લોકો જોઈ રહ્યા છે. જોકે, કેટલાક તકવાદી લોકો આ રમતમાં પણ પોતાના એજન્ડાનો ઉપયોગ કરી રહ્યા છે. શનિવારે હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમ પરથી એક પછી એક ત્રણ વિમાન પસાર થયા હતા, જેના પર રાજકીય સંદેશો લખેલો હતો. આ અંગે ICCએ અફસોસ વ્યક્ત કર્યો હતો, પરંતુ ઘટનાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ચિંતાઓ વધારી દીધી છે.
ICCએ લખ્યો પત્ર
BCCI હવે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોની સુરક્ષા માટે આશ્વાસનની માગણી કરી છે. બીસીસીઆઈએ પોતાના પત્રમાં ICCને લખ્યું છે કે, હેડિંગ્લે મેચ દરમિયાન ત્રણ વિમાન રાજકીય નારા સાથે જુદા-જુદા સમયે કેવી રીતે સ્ટેડિયમ ઉપરથી પસાર થઈ ગયા તે આશ્ચર્ય જગાડતી બાબત છે.
BCCIના CEO રાહુલ જોહરીએ શનિવારે આઈસીસીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, "BCCI તરફથી હું એ બાબતે ધ્યાન દોરવા માગું છું કે આજે થયેલી ઘટનાને અમે અત્યંત ગંભીર ગણીએ છીએ. અમે ICC અને ECBને અનુરોધ કરીએ છીએ કે, ભવિષ્યની મેચમાં આવી ગોઈ ઘટના નહીં ઘટે તેનું અમને આશ્વાસન આપવામાં આવે. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ અને તેના પ્રશંસકોને પણ પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગણી કરીએ છીએ."
ઘટના અંગે ICC માટે માગી લીધી છે માફી
ICCના ટૂર્નામેન્ટના પ્રમુખ ક્રિસ ટેટલી આ ઘટના અંગે પહેલાથી જ BCCI પાસે માફી માગી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, ઈમેલ માટે આપનો આભાર. અમે બેનરો બાબતે માહિતગાર છીએ. આજે સવારે સ્ટેડિયમ ઉપરથી બે વિમાન ઉડ્યા હતા.
ICCએ એક નિવેદન બહાર પાડીને પણ જણાવ્યું છે કે, "આ ઘટના બીજી વખત ઘટી તેના અંગે અમે માફી માગીએ છીએ. આઈસીસી વર્લ્ડ કપમાં કોઈ પણ પ્રકારના રાજકીય સંદેશાને નજરઅંદાજ કરી શકે નહીં. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમે પોલીસની સાથે મળીને કામ કર્યું છે. પ્રથમ ઘટના પછી વેસ્ટ યોર્કશાયર પોલીસે આશ્વાસન આપ્યું હતું કે આવું બીજી વખત નહીં થાય. હવે, બીજી વખત થયેલી ઘટના અંગે અમે નિરાશ છીએ."
આ સંદેશા લખ્યા હતા બેનર પર
ભારત-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમ ઉપરથી એક પછી એક એમ થોડા-થોડા સમયના અંતર ત્રણ વિમાન પસાર થયા હતા, જેના પર રાજકીય સંદેશા લખેલા હતા. પ્રથમ વિમાનના બેનર પર લખ્યું હતું "કાશ્મીર માટે ન્યાય." બીજા વિમાનના બેનર પર લખ્યું હતું 'ભારત, નરસંહાર બંધ કરો અને કાશ્મીરને આઝાદ કરો'. ત્યાર પછી એક ત્રીજું વિમાન પણ સ્ટેડિયમ પરથી પસાર થયું જેમાં લટકતા બેનર પર લખ્યું હતું 'ભારતમાં મોબ લિંચિંગ બંધ કરવામાં આવે.' આઈસીસીએ આ અંગે માનચેસ્ટર અને બર્મિંઘમ પોલીસને સુચિત કરી છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે